જાતીય પ્રેરણા : મહત્વની પ્રાથમિક શારીરિક પ્રેરણા. આ પ્રેરણાની અનુભૂતિની તીવ્રતામાં વ્યાપક વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. પ્રાણીઓની જાતીય પ્રેરણા ઋતુચક્ર-સમયચક્ર સાથે સંબંધ ધરાવે છે. માનવીની જાતીય પ્રેરણાને ઋતુ કે સમય સાથે કોઈ સંબંધ જણાતો નથી. પ્રાણીઓ અને પક્ષીઓની જાતીય પ્રેરણા પ્રજનનકાર્ય સાથે સંકળાયેલ છે. મનુષ્યોનું જાતીય વર્તન પ્રજનનના હેતુ સિવાય પણ પ્રવર્તી શકે છે. મનુષ્ય માટે પ્રજનનના હેતુથી સ્વતંત્ર રીતે જાતીય આનંદ પ્રાપ્ત કરવાનું શક્ય છે.
જાતીય પ્રેરણાને શારીરિક પ્રેરણાના વર્ગમાં મૂકવામાં આવે છે. શારીરિક આધાર : (1) જાતીય રસસ્રાવ, (2) કેન્દ્રીય ચેતાતંત્ર.
(1) નીચલી કક્ષાનાં પ્રાણીઓની જાતીય પ્રેરણામાં રસસ્રાવ મહત્વનો ભાગ ભજવે છે. માનવી જેવાં ઉચ્ચ કક્ષાનાં પ્રાણીઓની જાતીય પ્રેરણામાં રસસ્રાવ ઓછો અગત્યનો જણાય છે. જાતીય ગ્રંથિઓ દૂર કરાતાં નર અને માદા ઉંદરની જાતીય પ્રેરણામાં ઘટાડો થાય છે. તરુણાવસ્થાના પ્રારંભમાં માનવીની જાતીય ગ્રંથિઓ સક્રિય બને તે પૂર્વે જ તે ગ્રંથિઓને દૂર કરવામાં આવે તો જાતીય વિકાસ થતો નથી અને જાતીય પ્રેરણાનો અભાવ જોવા મળે છે; પરંતુ પુખ્ત ઉંમરે જાતીય ગ્રંથિઓને દૂર કરવામાં આવે તો જાતીય પ્રેરણા ઉપર નોંધપાત્ર અસર જણાતી નથી. મનુષ્ય જાતિમાં સામાન્ય રીતે 12 વર્ષની વય પછી જાતીય પ્રેરણા જાગૃત થાય છે.
(2) મસ્તિષ્ક છાલ અને હાઇપોથૅલેમસ જેવા કેન્દ્રીય ચેતાતંત્રના બે ભાગોની જાતીય પ્રેરણા ઉપર ખૂબ જ નોંધપાત્ર અસર થાય છે. અભ્યાસ પરથી જોવા મળ્યું છે કે કેન્દ્રીય ચેતાતંત્રના આ ભાગોમાં ઈજા પામેલાં પ્રાણીઓને જાતીય ગ્રંથિઓના રસસ્રાવ કૃત્રિમ રીતે આપવા છતાં જાતીય વર્તન જોવા મળતું નથી. આ ઉપરાંત કરોડરજ્જુ અને સીમાવર્તી તંત્ર પણ જાતીય પ્રેરણા સાથે સંબંધ ધરાવે છે.
માનવીની જાતીય પ્રેરણાને સ્પર્શ, ર્દશ્ય, ગંધ વગેરે સંવેદન અને વિચારક્રિયા સાથે પણ સંબંધ છે. જાતીય પ્રેરણા સાથે સંકળાયેલ જાતીય સમાયોજનની સમસ્યાઓમાં મનોવૈજ્ઞાનિક ઘટકો મહત્વનો ભાગ ભજવે છે. જાતીય પ્રેરણા ઉપર ઉંમર, ખોરાક, શિક્ષણ, ધાર્મિક માન્યતાઓ અને સામાજિક-સાંસ્કૃતિક પરિબળોની પણ અસર થાય છે. મોટા ભાગના લોકોમાં 60 વર્ષની આસપાસ આ પ્રેરણા મંદ બનવા માંડે છે.
લગ્નસંબંધથી જોડાયેલી બે વિરુદ્ધ જાતિની વ્યક્તિઓ લગ્નસંબંધની મર્યાદામાં જાતીય પ્રેરણા સંતોષે તે સામાન્ય રીતે સ્વીકૃત ગણાય છે. ધાર્મિક અને સામાજિક માન્યતાઓને લીધે કેટલાક લોકોને જાતીય પ્રેરણાનું દમન કરવું પડે છે. ફ્રૉઇડના મંતવ્ય અનુસાર કેટલીક મનોવિકૃતિના ઉદભવ માટે જાતીય પ્રેરણાનું દમન જવાબદાર છે.
મોહંમદ અમીન મલીક