જાડેજા, અજય (જ. 1 ફેબ્રુઆરી 1971, જામનગર) : જમણેરી મિડિયમ ફાસ્ટ બૉલર અને ફિલ્ડર.
નવા નગરના શાહી કુટુંબમાંથી આવનાર અજય જાડેજા ભારત તરફથી ટેસ્ટ અને વનડેમાં રમ્યા છે. શરૂઆતનું શિક્ષણ ભારતીય વિદ્યાભવન, દિલ્હીથી અને કૉલેજનું શિક્ષણ રાજકોટની રાજકુમાર કૉલેજમાંથી લેનાર જાડેજાએ પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત હરિયાણા તરફથી રણજી ટ્રૉફી રમી કરી હતી એ પછી જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને રાજસ્થાન તરફથી પણ રણજી ટ્રૉફી રમેલ. જમણા હાથે બૅટિંગ કરનાર જાડેજાએ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રીલંકા સામે વનડે રમી શરૂઆત કરી હતી. 28 ફેબ્રુઆરી, 1992ના રોજ માત્ર 21 વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત કરનાર જાડેજાએ આઠ વર્ષની ટૂંકી કારકિર્દીમાં 196 વનડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ દરમિયાન તેણે છ સદી અને 30 અડધી સદીની મદદથી 5359 રન કર્યા છે. જેમાં 366 .ચોગ્ગા અને 85 છગ્ગા પણ લગાવેલ.
રણજિતસિંહજી અને દુલિપસિંહજી જેવા વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોના કુટુંબમાંથી આવતા જાડેજાએ વનડેમાં ભારત તરફથી અઝહરુદ્દીન સાથે ચોથી અને પાંચમી વિકેટ માટે અત્યાર સુધીની શ્રેષ્ઠ ભાગીદારી નોંધાવી છે. 9 એપ્રિલ, 1998ના રોજ ઝિમ્બાબ્વે સામે કટક ખાતે અઝહર સાથેની 275 રનની ચોથી વિકેટની તેની ભાગીદારી આ વિકેટ માટે વિશ્વની શ્રેષ્ઠ ભાગીદારીનો તેનો વિક્રમ 27 વર્ષે પણ હજુ અતૂટ છે. આ ભાગીદારી દરમિયાન તેણે 121 દડામાં અણનમ 116 રન કર્યા હતા.
અજય જાડેજાએ 17 ઑગસ્ટ, 1997ના રોજ કોલંબોમાં રમાયેલ મૅચમાં શ્રીલંકાના 302 રનના જવાબમાં ભારતે માત્ર 64 રનમાં ચાર વિકેટ ગુમાવી હતી, ત્યારે છઠ્ઠા ક્રમે રમવા આવી અઝહર સાથે પાંચમી વિકેટ માટે 223 રનની ભાગીદારી નોંધાવી પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ સ્કોર (119 રન) નોંધાવ્યો હતો. ભારત માટે વનડેમાં પાંચમી વિકેટ માટેનો આ શ્રેષ્ઠ દેખાવનો વિક્રમ 28 વર્ષે પણ અણનમ છે.
પોતાની આવી જ્વલંત કારકિર્દીના મધ્યાહને અચાનક ગ્રહણ લાગી ગયું અને વર્ષ 2000માં તેના ઉપર મૅચ- ફિક્સિંગનો આરોપ મુકાતાં ક્રિકેટ રમવા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. જોકે પ્રતિબંધ દિલ્હી કોર્ટે 27 જાન્યુઆરી, 2003ના રોજ હટાવી દીધો હતો, પરંતુ જાડેજા ત્યારપછી ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી શક્યો નહીં.
15 ટેસ્ટની ટૂંકી કારકિર્દી ધરાવતા અજય દોલતસિંહ જાડેજાએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ ક્રિકેટ સાથે સંકળાયેલ છે. દિલ્હીની ટીમના કોચ તરીકે, કૉમેન્ટેટર તરીકે તથા ‘એન ડી ટીવી’ તથા ‘આજતક’ જેવી ચૅનલો ઉપર એક્સપર્ટ કૉમેન્ટેટર તરીકે પોતાની સેવાઓ આપનાર જાડેજાએ 2003માં હિંદી ફિલ્મ ‘ખેલ’ તથા ‘કાઈપો છે’ ફિલ્મમાં અભિનય પણ કર્યો છે.
વર્ષ 2024નો દશેરાનો દિવસ અજય માટે ખૂબ જ મહત્ત્વનો બની રહ્યો. આ દિવસે તેના કુટુંબી નિઃસંતાન કાકા શત્રુશલ્યસિંહજી દિગ્વિજયસિંહજી જાડેજાએ અજયને પોતાના વારસદાર તરીકે નિયુક્ત કર્યા અને તેમને સારી એવી સંપત્તિ મળી. આજે 54 વર્ષનો અજય જાડેજા ભારતનો સૌથી ધનાઢ્ય ક્રિકેટર બની ગયો.
13 વનડેમાં સુકાનીપદ સંભાળનાર અને ભાગ્યે જ ગોલંદાજી કરતા જાડેજાએ 9 એપ્રિલ, 1999ના રોજ શારજાહ ખાતે ઇંગ્લૅન્ડ સામે રમાયેલ મૅચમાં ભારતના 222 રન સામે એક સમયે છ વિકેટે 196 રન કરનાર ઇંગ્લૅન્ડની ટીમ વિજય તરફ આગેકૂચ કરી રહી હતી ત્યારે સુકાની અઝહરે અજયને ગોલંદાજી સોંપી અને મૅચનું આખુંય પાસું પલટી ગયું. તેણે નાખેલ એકમાત્ર ઓવરમાં 3 રન આપી 3 વિકેટ ઝડપી ભારતને 20 રનથી વિજય અપાવ્યો. તેના આ દેખાવે જાડેજાને મૅન ઑફ ધ મૅચનો ખિતાબ અપાવ્યો.
વર્ષ 1997માં અર્જુન ઍવૉર્ડથી સન્માનિત અજય જાડેજા પત્ની અદિતિ તથા બે બાળકો અયાન અને અમિરા સાથે નિવૃત્તિ પછી પણ ક્રિકેટનાં વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ છે અને શક્ય તેટલી ક્રિકેટની સેવા આપી રહેલ છે.
જગદીશ શાહ