જાગીરદાર, ગજાનન (જ. 2 એપ્રિલ 1907, અમરાવતી; અ. 13 ઑગસ્ટ 1988, મુંબઈ) : બહુવિધ પ્રતિભા ધરાવતા ચલચિત્રઅભિનેતા, નિર્માતા, નિર્દેશક. પિતા તેમને અધ્યાપક બનાવવા માગતા હતા. પણ અભિનેતા બનવા માટે એમ.એ.નો અભ્યાસ પડતો મૂકી તે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની નટમંડળીમાં સામેલ થયા; પરંતુ ચલચિત્રજગતનું વિશેષ આકર્ષણ હોવાથી 1930માં દિગ્દર્શક ભાલજી પેંઢારકરના સહાયક તરીકે જોડાયા અને તેમની મૂક ફિલ્મ ‘રાની રૂપમતી’ અને ત્યારબાદ વી. શાંતારામની મરાઠી ફિલ્મ ‘અયોધ્યાચા રાજા’(1932)ના નિર્માણકાર્યમાં સહયોગી થયા. 1932ની બોલતી હિન્દી ફિલ્મ ‘જલતી નિશાની’માં વૃદ્ધ મુસ્લિમ વેપારીની અદાકારીમાં નામના મેળવી. 1934માં બનેલી ‘સિંહાસન’ ફિલ્મમાં તેમણે પ્રથમ વાર દિગ્દર્શન કર્યું. ‘હોનહાર’ (1936) તથા ‘બેગુનાહ’(1937)નું દિગ્દર્શન કર્યા બાદ મિનરવા મૂવિટોનમાં જોડાયા. આ બૅનર હેઠળ નિર્માણ પામેલી ‘ડાઇવૉર્સ’ (1938), ‘મીઠા ઝહર’ (1938) અને ‘વસિયત’ (1940) ફિલ્મોમાં પટકથાલેખન તેમજ અભિનયની કામગીરી સંભાળી. 1940માં ‘મૈં હારી’ ફિલ્મમાં લેખન-દિગ્દર્શન કર્યું.
1941માં રજૂઆત પામેલી વી. શાંતારામની જાણીતી ફિલ્મ ‘પડોસી’માં તેમણે વૃદ્ધ મુસ્લિમની ભૂમિકા એ રીતે અદા કરી કે બિહાર-ભાગલપુરનાં હિંદુ-મુસ્લિમ હુલ્લડો આ ફિલ્મની અસર હેઠળ શમી ગયાં એમ કહેવાય છે. આ દાયકાના તેમનાં અન્ય ચલચિત્રોમાં ‘વસંતસેના’ (1942), ‘રામશાસ્ત્રી’ (1944), ‘કિરણ’ (1944), ‘બહેરામખાન’ (1946), ‘જેલયાત્રા’ (1947), ‘ધન્યવાદ’ (1948), ‘બિરહા કી રાત’ (1950) હતાં. ‘રામશાસ્ત્રી’માં તેમણે મહત્વના પાત્રની જીવંત અદાકારી કરી. 1947માં નિર્માણ પામેલી ‘જેલયાત્રા’માં નિર્માતા, દિગ્દર્શક તથા અભિનેતાની ત્રેવડી જવાબદારી તેમણે ઉઠાવી હતી. જાગીરદાર પ્રોડક્શન, કીર્તિમંદિર, ચિત્રાંજલિના બૅનર હેઠળ તેમણે ચલચિત્રોનું નિર્માણ કર્યું. ‘મહાત્મા કબીર’ (1954), ‘ઘર ઘર મેં દિવાલી’ (1955), ‘ટ્રૉલી ડ્રાઇવર’ (1958) ફિલ્મોનું પણ તેમણે દિગ્દર્શન કર્યું.
1960માં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડિયાની સ્થાપના થતાં તેના પ્રથમ નિયામક તરીકે નિમાયા. આ સંસ્થામાં જોડાયેલા કલાકારોને ફિલ્મોમાં અભિનય કરવાની છૂટ ન હોવાને કારણે દોઢેક વર્ષની કામગીરી બાદ તેમણે હોદ્દાનો ત્યાગ કર્યો પણ માનદ વ્યાખ્યાતા તરીકે સંકળાયેલા રહ્યા. 1962માં તેમના દિગ્દર્શનવાળી મરાઠી ફિલ્મ ‘વૈજયંતા’ને રાષ્ટ્રીય પારિતોષિક પ્રાપ્ત થયું. ચલચિત્રકલા સંબંધી ‘ધ મૅજિક સર્કલ – અ ગાઇડ ટુ ફિલ્મ કૅરિયર’ નામનું પુસ્તક પણ તેમણે પ્રગટ કર્યું. તેમની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન તેમણે લગભગ 200 જેટલી હિન્દી-મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. નિધનના 15 દિવસ પહેલાં જ તેમણે માધવરાવ પેશવાના જીવન પર આધારિત દૂરદર્શન માટે મરાઠી ધારાવાહિક ‘સ્વામી’ પૂર્ણ કરી હતી.
હરીશ રઘુવંશી