જાકાર્તા : ઇન્ડોનેશિયાની રાજધાની, સૌથી અગત્યનું આર્થિક કેન્દ્ર. દેશનું સૌથી વધુ વસ્તીવાળું શહેર. ઇન્ડોનેશિયાના ટાપુ જાવા પર તે વસેલું છે. વસ્તી 83,89,443 (2000) તથા વસ્તીની ગીચતા 12,288 પ્રતિ ચોકિમી. છે. વસ્તીમાં દર વર્ષે 3 %નો વધારો થાય છે. જાવા ટાપુ પર પશ્ચિમ વિસ્તારમાં ઉત્તર તરફના ભાગમાં 6° 10’ દ. અ. અને 107° પૂ. રે. પર જાકાર્તા આવેલું છે. તેનો વિસ્તાર 664 ચોકિમી. જેટલો છે. આ રીતે આ શહેર વિષુવવૃત્ત નજીકના વિસ્તારમાં આવેલું છે. ત્યાંનું તાપમાન સાધારણ રીતે ઊંચું રહે છે. લગભગ બારે માસ ઉનાળાની વિશેષ અસર હોવાથી વાર્ષિક તાપમાનનો ગાળો 4°થી 5° સે. જેટલો રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ 200 સેમી. થાય છે.
ઇન્ડોનેશિયાના બધા ટાપુઓમાં જાવા ટાપુ આર્થિક, સામાજિક, રાજકીય તેમજ અન્ય ર્દષ્ટિએ સૌથી મહત્ત્વનો હોવાથી તેના પર આવેલા જાકાર્તા શહેરનો ઝડપી વિકાસ થયેલો છે. આશરે 82 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં વિવિધ પ્રકારના ઉદ્યોગો છે. અહીં કાપડ, ખાંડ, સિમેન્ટ, રબર, કાગળ વગેરે મુખ્ય ઉદ્યોગો વિકસ્યા છે. આને કારણે અન્ય ટાપુની વસ્તી રોજીરોટી મેળવવા માટે અહીં આવે છે.
નગરના મેદન મર્દેકા વિસ્તારમાં દેશના સ્વતંત્રતા સંગ્રામની યાદમાં ઊભું કરવામાં આવેલું ભવ્ય સ્મારક છે. આરસપહાણનું બનેલું આ સ્મારક 137 મી. ઊંચું છે. તેની ટોચ પર 35 કિગ્રા. સોનાથી મઢેલી જ્યોત છે. મેદન મર્દેકાની આજુબાજુ સરકારી કચેરીઓ આવેલી છે અને તેની ઉત્તરમાં રાષ્ટ્રાધ્યક્ષ માટેનું નિવાસસ્થાન છે. તેની પશ્ચિમ દિશામાં સંગ્રહાલય છે જેની સ્થાપના ડચ શાસકોએ 1778માં કરી હતી. સંગ્રહાલયની ઇમારત ‘ગેડુંગ ગજ’ નામથી ઓળખાય છે. સંગ્રહાલયમાં હિંદુ તથા બૌદ્ધ કાળના સ્થાપત્યના નમૂના, દેશના જુદા જુદા પ્રદેશની હસ્તકળાના નમૂના તથા અરબી, મલય તથા જાવાની ભાષાઓની હસ્તપ્રતોનો વિશાળ સંગ્રહ છે. દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ સુકર્નોએ આ નગરના સૌંદર્યમાં ઉમેરો કરવા માટે ઠેરઠેર સુંદર પૂતળાં મુકાવ્યાં છે. દેશના બધા જ 27 પ્રાંતોના સ્થાપત્યનો પરિચય કરાવતો ઉદ્યાન પણ આકર્ષણરૂપ છે. જાવા ઍન્કોલ પાર્ક એ આ નગરનું સૌથી આકર્ષક મનોરંજન સ્થળ છે. નગરની પડખે દરિયાકિનારા પર પર્યટકો માટે ઘણાં પ્રવાસધામ વિકસાવવામાં આવ્યાં છે.
જાકાર્તા દેશનું સૌથી મોટું બંદર પણ છે. અહીં જહાજો બનાવવા અને તેનું સમારકામ કરવા માટેનો દેશનો સૌથી મોટો જહાજવાડો વિકાસ પામ્યો છે. આ શહેર સડક, રેલવે અને હવાઈમાર્ગનું મુખ્ય મથક છે. આંતરરાષ્ટ્રીય વિમાની મથક તરીકે પણ તેનો વિકાસ થયો છે.
જાકાર્તા બંદર પરથી ચા, કૉફી, રબર, તમાકુ, નારિયેળ, ગરમ મસાલા, લાકડું, ખનિજ તેલ વગેરે નિકાસ થાય છે. આ નિકાસ મુખ્યત્વે જાપાન, યુ. એસ., સિંગાપોર, થાઇર્લૅન્ડ વગેરે દેશોમાં થાય છે. તેના પ્રાચીન નામ ‘જયકર્તા’ પરથી તેનું હાલનું નામ પડ્યું છે. ઇન્ડોનેશિયા ડચોની વસાહત હતી ત્યારે તે બેટવિયા નામથી ઓળખાતું હતું.
ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ