જાકૉમેત્તી, આલ્બર્ટો

January, 2012

જાકૉમેત્તી, આલ્બર્ટો (જ. 10 ઑક્ટોબર 1901, સ્ટામ્પા, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 11 જાન્યુઆરી 1966) : સ્વિસ શિલ્પકાર તથા ચિત્રકાર. તેમના પિતા જોવાની (1868–1933) પ્રભાવશાળી ચિત્રકાર અને ભત્રીજો ઑગસ્ટો પણ ચિત્રકાર હતા. જિનીવા સ્કૂલ ઑવ્ આર્ટ અને ક્રાફ્ટમાં કલાશિક્ષણ લીધા પછી પૅરિસમાં બોરદેલના હાથ નીચે કલાશિક્ષણ લીધું. તેમની કલામાં આદિવાસી કલાનાં તત્વો તથા વ્યંગનાં દર્શન થતાં, જેને અતિવાસ્તવવાદ(surrealism)માં મૂકી શકાય. રૂઢિવાદી સઘન શિલ્પો કરતાં તેમનાં શિલ્પોમાં અવકાશમાં કલ્પનામય રચના બની લાગે ! ‘ધ પૅલેસ ઍટ 4 પી.એમ.’ સળિયા અને અવકાશની રમતમાં બદ્ધ છે. લાંબી માનવાકૃતિ અને નાનાં લખોટી જેવાં માથાંમાં પાતળા અને ક્ષીણ-દુર્બળ માનવનો આભાસ થાય. ‘ચૅરિયટ’ અને ‘કૉમ્પોઝિશન વિથ સેવન ફિગર્સ’ જેવાં શિલ્પો જાણે મોહેં-જો-દડો કે હડપ્પામાંથી પ્રાપ્ત થયેલાં લાગે ! વ્યક્તિચિત્રોમાં અભ્યાસનિષ્ઠા અને ચોકસાઈ શરૂઆતમાં રહી. ઉદાહરણ તરીકે પોટ્રેટ ઑવ્ જ્યાં જિને’, ‘ઇસાબેલા લૅમ્બર્ટ’. વખત જતાં રેખામય ઉત્કીર્ણ કલાના કાચા નમૂના હોય તેવાં વ્યક્તિચિત્રો બન્યાં છે.

કનુ નાયક