જસ્ટિસિયા : દ્વિદળી વર્ગમાં આવેલા ઍકૅન્થેસી કુળની શાકીય કે ક્ષુપીય પ્રજાતિ. તેનું વિતરણ દુનિયાના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 50 જેટલી જાતિઓ નોંધાઈ છે. તેના સહસભ્યોમાં Thunbergia grandiflora (મોહન), પીળો કાંટાશેળિયો, અરડૂસી, રસેલિયા વગેરેનો સમાવેશ થાય છે.
તેની જાણીતી જાતિઓમાં Justicia betorica Linn. (તે. તેલ્લારંટુ, તમ, વેલિમુંગિલ, મલા. વેલ્લાકુરુંજી, વેંકુરિન્ની), J. gendarussa Burmf. (હિ. નીલીનાર્ગન્ડી, બં. જગતમદન, મ. કાલા અડુલ્સા, તે. ગંધારસામુ, નેલાવાવિલી) અને J. Procumbens Linn. (ગુ. પિત્તપાપડો, ખડસેલિયો; મ. કરંબલ, કલ્માશી; તમ. ઓટ્ટુ પિલ્લુ, પૂમ-પિલ્લુ) વગેરે છે.
ખડસેલિયો (J. procumbens) ભૂસર્પી (procumbent), પાતળી, શાખિત, 10-40 સેમી. ઊંચી શાકીય એકવર્ષાયુ વનસ્પતિ છે. તે બિહાર, અરવલ્લીની ટેકરીઓ(રાજસ્થાન), ડેકન, પશ્ચિમઘાટ અને પશ્ચિમ દરિયાકિનારે કોંકણથી કેરળ સુધી થાય છે. તે સામાન્યત: ભેજવાળી જમીનમાં ખાસ કરીને ચોમાસામાં વિપુલ પ્રમાણમાં થાય છે. પર્ણો સાદાં, સંમુખ ઉપવલયી (elliptic) કે ભાલાકાર હોય છે. તેનાં પ્રકાંડ અને પર્ણો રોમિલ હોય છે. પુષ્પો આછાં જાંબલી અને દ્વિઓષ્ઠીય (bilabiate) તથા સઘન, નળાકાર અને અગ્રસ્થ શૂકી(spike)માં ગોઠવાયેલાં હોય છે. ફળ પ્રાવર પ્રકારનું, લંબચોરસ, રોમિલ, અણીદાર હોય છે. બીજ સૂક્ષ્મ ગાંઠોવાળાં હોય છે.
ખડસેલિયો સાચા પિત્તપાપડા(Fumaria vaillantii Loisel.)ની અવેજીમાં વપરાય છે. તે રેચક (laxative), સ્વેદક (diaphoretic), મૂત્રલ (diuretic), કફઘ્ન (expectorant) કૃમિઘ્ન (anthelmintic) અને જ્વરઘ્ન (febrifuge) છે. નેત્રાભિષ્યંદ(ophthalmia)ના દર્દીની આંખોમાં પર્ણોનો રસ નિચોવવામાં આવે છે. ખડસેલિયાનો આસવ દમ, કફ, આમવાત (rheumatism), પીઠનો દુખાવો, અતિરિક્ત પ્રવાહ (plethora), આધ્માન (flatulence) અને કટિશૂલ(lumbago)માં આપવામાં આવે છે. વક્રતા (curvature) અને અસ્થિરોગોમાં પર્ણોનો કાઢો લાભપ્રદ છે. ભેંસોને થતા વ્રણની સારવારમાં આ છોડનો ઉપયોગ થાય છે.
J. magnifica carnea કે J. carnea એકાદ મીટર ઊંચી થતી શાકીય શોભન વનસ્પતિ-જાતિ છે. તેને લાલ કે પીળા રંગનાં પુષ્પો શાખાને છેડે ગુચ્છમાં લગભગ બારેમાસ આવે છે. પર્ણો મધ્યમ કદનાં અને થોડાં લાંબાં હોય છે. આછાપાતળા છાંયામાં આ છોડ સારા થાય છે. તેથી છાંયામાં પડતી સીમારેખામાં તેને ઉગાડવામાં આવે છે. બીજ સારા પ્રમાણમાં બેસે છે. નવી શાખાઓ પર પુષ્પો ઓછાં આવતાં હોવાથી તેવી શાખાઓની થોડી થોડી છાંટણી (pruning) કરવાથી નવી શાખાઓ પર ઘણાં પુષ્પો બેસે છે. આ વનસ્પતિ બાર્લેરિયા પ્રજાતિને મળતી આવે છે.
જસ્ટિસિયાની ભારતમાં મળી આવતી અન્ય જાતિઓમાં J. diffusa Willd. sun. J. purpurea Linn., J. quinqueangularis Koenig., J. simplex D. Don., J. tranquebariensis Linn. અને J. vasculosa Wallનો સમાવેશ થાય છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ