જવ : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hordeum vulgare Linn. (H. sativum Jessen) સં. યવ; હિં. જવ, સતુવા; મ. જવ, સાતૂ, ક. જવગોધી; તે યવધાન્ય, યવક; તા. બાર્લીઅરિસુ; અ. શઈર; અં. બાર્લી) છે. H. hexastichon, H. intermedium, H. distichon, H. zeocriton, H. deficiens, H. aegiceras, H. coeleste અને H. gymnodistichum પણ જવની જાતિઓ છે. તે એકવર્ષાયુ, ઉન્નત, મજબૂત, ગુચ્છિત, 60-120 સેમી. ઊંચી, ઘઉં સાથે મળતી આવતી શાકીય તૃણની જાતિ છે. પર્ણો થોડાંક અને રેખીય-ભાલાકાર (linear-hanceolate) તથા ઉપરનાં પર્ણો ડૂંડીની નજીક હોય છે. પર્ણ-આવરક (sheath) લીસાં, રેખિત (striate) અને જિહવિકાઓ (ligules) ટૂંકી અને કલામય (membranous) હોય છે. સૂકી (spike) અગ્રસ્થ, રેખીય-લંબચોરસ, ચપટી, 5-0-6.3 સેમી. લાંબી હોય છે. તેના પર શૂકિકાઓ (spikelets) ચપટા અક્ષની બંને બાજુએ ત્રણના સમૂહમાં ગોઠવાયેલી હોય છે. ભારતમાં વવાતી જાતિની ડૂંડીમાં દાણાની છ હરોળ હોય છે. જવની H. distichon અને H. deficiensમાં ડૂંડીમાં દાણાની બે હરોળ હોય છે. આ બે જાતિઓ ઉત્તર-પશ્ચિમ યુરોપ અને જર્મની જેવા દેશોમાં ઉગાડવામાં આવે છે. તુષનિપત્રો (glumes) 2, નાનાં, સાંકડાં અને ટૂંકો તૃણકેશ (awn) ધરાવે છે. તેઓ ત્રણ શૂકિકાઓને ઢાંકે છે. બાહ્યપુષ્પકવચ (lemma) ભાલાકાર હોય છે અને ટોચ પર લાંબો સીધો કે પ્રતિવક્રિત (recurved) તૃણકેશ ધરાવે છે. અંત:પુષ્પકવચ (palea) બાહ્યપુષ્પકવચ કરતાં નાનું અને તેની કિનારીઓ અંતર્નત (inflexed) હોય છે. પરિપુષ્પકો (lodicules) બે અને અવશિષ્ટ હોય છે. ફળ ધાન્ય (સંચોલભિત્તિ = caryopsis) પ્રકારનું આશરે 0.95 સેમી. લાંબું, અણીદાર, અંદરની તરફથી ખાંચવાળું, લીસું, મુક્ત કે અંત:પુષ્પકવચ અથવા અંત અને બાહ્ય પુષ્પકવચ બંને સાથે જોડાયેલું હોય છે.

જવ સૌથી જૂના ધાન્યપાકોમાંનો એક પાક ગણવામાં આવે છે અને તેનો ખોરાક, ઢોરનો ચારો અને માલ્ટન (malting), મદ્યીકરણ (brewing) અને પર્લિંગ (pearling)માં ઉપયોગ થાય છે. તે ઉત્તર ગોળાર્ધના સમશીતોષ્ણ પ્રદેશનો મહત્વનો પાક છે. જવનું ઉત્પાદન કરતા મહત્વના દેશોમાં રશિયા, અમેરિકા, ચીન, ભારત અને ભૂમધ્યસમુદ્રની સીમા બનાવતા દેશોનો સમાવેશ થાય છે.

ભારતમાં જવ ઉત્તર ભારતનાં મેદાનોમાં તેમ જ હિમાલયના પહાડી પ્રદેશોમાં 4200મી.ની ઊંચાઈ સુધી ઉગાડવામાં આવે છે. મહત્વના પાક તરીકે વાવતાં રાજ્યોમાં અનુક્રમે ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, બિહાર, પંજાબ અને મધ્યપ્રદેશ છે. આ પાક પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં પણ ઉગાડાય છે.

આકૃતિ-1. (અ) જવનો છોડ;

 

(આ) જવના દાણા.

કૃષિ જાતો : ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી જવની અનેક જાતો એકત્રિત કરી તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમાંથી 24 જાતો અલગ તારવવામાં આવી છે; તે પૈકી 5 જેટલી જાતોનું ડૂંડું બે હરોળમાં અને 19 જાતો 6 હરોળમાં દાણા ધરાવે છે. આ જાતોનું વર્ગીકરણ દાણા સાથે ફોતરી જોડાયેલી છે કે નહિ તેના આધારે અને દાણાના રંગના આધારે કરાય છે. ભારતમાં મોટે ભાગે જવની 6-હરોળવાળી ફોતરી ધરાવતી જાતો વવાય છે.

જવ અંગે સંશોધનની વિશ્ર્વવ્યાપી કામગીરી ICARDA (ઇન્ટર  નેશનલ સેન્ટર ફૉર ઍગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન ધ ડ્રાયએરિયાઝ) નામની  સંસ્થા સંભાળે છે, જે અલેપો ખાતે સીરિયામાં આવેલી છે. ભારતમાં તેના સંશોધનની કામગીરી ભારતીય કૃષિ-અનુસંધાન પરિષદ દ્વારા કર્નાલ ખાતે ચાલે છે. ગુજરાત રાજ્યમાં જવના પાકનો વિસ્તાર ઘણો ઓછો હોઈ સંશોધનની કામગીરી નહિવત્ છે. રાજસ્થાનમાં વવાતી જ્યોતિ અને આર. ડી. ર502 જાતોની ગુજરાત માટે ભલામણ કરવામાં આવી છે. ભારતમાં પસંદ કરવામાં આવેલ કેટલીક મહત્વની જાતોમાં N.P.12, N.P.13, N.P.20, N.P.21, K.251, K.12, T.4, T.5, C.138.2, C.144, C.155 Dvs B.R.22નો સમાવેશ થાય છે.

આબોહવા : જવનું વાવેતર જુદા જુદા વિસ્તારોમાં થઈ શકે છે, કારણ કે તેની વિવિધ જાતો વિભિન્ન આબોહવાકીય અને જમીનની પરિસ્થિતિઓ સાથે અનુકૂલન પામેલી છે. કેટલીક જાતો અત્યંત વિપરીત પરિસ્થિતિમાં પણ જીવી શકે છે અને માત્ર 60-70 દિવસમાં પાકી શકે છે. ઉત્તરમાં છેક ઉત્તર ધ્રુવવૃત્ત (Arctic Circle) સુધી તેનું વાવેતર કરી શકાય છે. વળી તે ઊંચું તાપમાન સહન કરવાની ક્ષમતા ધરાવે છે અને દક્ષિણમાં વિષુવવૃત્ત તરફ 10° ઉ. અક્ષાંશ સુધી ઉગાડી શકાય છે. તે શીત-સહિષ્ણુ (winter-hardy) નથી, માટે ઉત્તર યુરોપમાં વસંત ઋતુમાં અને ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશમાં અને ભારતમાં તે શિયાળામાં વવાય છે. તે તાપ અને શુષ્કતારોધી છે અને ઉપોષ્ણ અને અર્ધ-શુષ્ક પ્રદેશોમાં સફળતાપૂર્વક ઉછેરવામાં આવે છે. વાનસ્પતિક વૃદ્ધિ માટે મધ્યમસરના વરસાદ અને ખુલ્લા સૂર્યપ્રકાશ સહિત 15.5-17° સે. સરેરાશ તાપમાન જરૂરી છે. દાણા પાકે ત્યારે શુષ્ક અને હૂંફાળી આબોહવા અનુકૂળ ગણાય છે. ભેજવાળી ઉષ્ણ આબોહવા જવ માટે પ્રતિકૂળ છે.

મૃદા : જવ અત્યંત હલકી કે ઘઉં માટે અયોગ્ય મૃદામાં ઉગાડી શકાય છે. તે હલકી અથવા રેતાળ, ગોરાડુ મૃદામાં સારી રીતે થાય છે. તે ઍલ્કલીયતા (alkalinity), હિમ અને શુષ્કતા-સહિષ્ણુ છે. તેની પોષણની જરૂરિયાત ઘઉં કરતાં ઓછી હોય છે. જવની સૌથી ઊંચી ગુણવત્તા ધરાવતી જાતો ફળદ્રૂપ, ઊંડી અને 7-8 pH ધરાવતી ગોરાડુ મૃદામાં થાય છે. જવના માલ્ટન માટે, મૃદા વધારે નાઇટ્રોજનવાળી હોવી જોઈએ નહિ.

વાવણી : ભારતમાં જવને સામાન્યત: ઑક્ટોબર-નવેમ્બરમાં ઉછેરવામાં આવે છે અને માર્ચના અંતમાં કે એપ્રિલની શરૂઆતમાં લણણી કરવામાં આવે છે. જવનો પાક વરસાદ-આધારિત કે વરસાદ અને પિયત બંને પર આધારિત હોય છે. જવના વાવેતરના કુલ વિસ્તારના 46 % પિયત વિસ્તાર છે.

જવ શુદ્ધ પાક તરીકે કે ચણા, વટાણા, અળસી, મસૂર, ઇજિપ્શિયન ત્રિદલ ચારો (બર્સીમ, Trifolium alexandrium) કે વનમેથી (Melilotus indica), રાઈ અને સલગમ સાથે મિશ્રપાક તરીકે ઉગાડવામાં આવે છે. તો કેટલીક વાર ઘઉં સાથે પણ વાવવામાં આવે છે. જવના વાવેતરના વિસ્તારના 40 % મિશ્ર પાક હેઠળ લેવાય છે.

મૃદાની તૈયારી ઘઉંની જેમ જ કરવામાં આવે છે. જવના વાવેતર માટે પ્રતિ હૅક્ટરે 56-134 કિગ્રા. બિયારણ જરૂરી હોય છે. તેની કાં તો છુટ્ટી વાવણી (broadcast) કે ડ્રિલ દ્વારા લગભગ 20-25 સેમી. અંતરે અને 1.2–3.75 સેમી. ઊંડાઈએ વાવણી કરવામાં આવે છે.

આ પાકને અંત:કૃષિ (intercultivation) કે નીંદણનાશન(weeding)ની અત્યંત ઓછી જરૂરિયાત હોય છે. શુષ્ક વિસ્તારમાં વાવણી પછી 2-3 વાર પાણી આપવામાં આવે છે. પિયતથી ઉત્પાદન વધે છે. પિયત હેઠળના જવમાં બિનપિયત કરતાં નાઇટ્રોજન ઓછો હોય છે. પ્રથમ પિયત પછી, જ્યારે પાક 20 સેમી. કરતાં ઓછી ઊંચાઈ ધરાવતો હોય ત્યારે આછી પંજેટી (harrowing) ચલાવવાથી ઉત્પાદનમાં લગભગ 10 % જેટલો વધારો થાય છે.

નાઇટ્રોજન, ફૉસ્ફૉરસ અને પોટાશનાં ખાતરો જુદા જુદા મિશ્રણમાં આપતાં દાણાના ઉત્પાદન અને ગુણવત્તા પર અસર થાય છે. નાઇટ્રોજન ઉમેરવાથી સાંઠાનું અને દાણાનું ઉત્પાદન વધે છે. તેની વધારે માત્રાથી દાણામાં પ્રોટીન દ્રવ્યમાં વધારો થાય છે; જે તેની મદ્યકરણ ગુણવત્તા પર અસર કરે છે. ભારતીય પરિસ્થિતિ હેઠળ નાઇટ્રોજનયુક્ત ખાતરોનો ઓછી માત્રા (45 કિગ્રા./હેક્ટર)માં ઉપયોગ કરવાથી દાણાની ગુણવત્તા જળવાય છે અને ઉત્પાદન નોંધપાત્ર રીતે વધે છે. પોટાશનાં ખાતરો ડૂંડીનું સર્જન અને પરિપક્વન પર અસર કરે છે તથા દાણામાં પ્રોટીનદ્રવ્યનો ઘટાડો કરે છે.

ફસલપાત (lodging)ની ક્રિયા ઘઉં જેટલી જવમાં સામાન્ય નથી; પરંતુ તે થાય તો પાકની ગુણવત્તા અને ઉત્પાદન – બંનેમાં ખૂબ ઘટાડો થાય છે. ફસલપાત નબળા મૂળતંત્ર, નબળા સાંઠા અને રોગના ચેપને કારણે તથા ઝંઝાવાતથી થતા નુકસાનને કારણે થાય છે. મૃદાની વધારે પડતી ફળદ્રૂપતા, વધારે પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર, મૃદામાં ફૉસ્ફેટ અને પોટાશનો અભાવ વગેરે કારણોસર સાંઠો નબળો બને છે. મૃદાની ફળદ્રૂપતાનું સંતુલન જાળવવાથી અને અવરોધક જાત વાવવાથી ફસલપાત ઘટાડી શકાય છે.

રોગો : જવમાં થતા ફૂગજન્ય રોગો આ પ્રમાણે છે :

(1) જવનો ગેરુ : જવમાં ત્રણ પ્રકારના ગેરુના રોગો જોવા મળે છે : (અ) પીળો ગેરુ, (આ) બદામી ગેરુ અને (ઇ) કાળો ગેરુ.

ઉપર્યુક્ત ત્રણ પૈકી જવમાં સૌથી વિશેષ પીળા ગેરુથી નુકસાન થાય છે અને ત્યારબાદ નુકસાનની ર્દષ્ટિએ બદામી ગેરુ આવે છે. જવમાં કાળો ગેરુ ખાસ જોવા મળતો નથી.

 પીળો ગેરુ : આ રોગ puccinia striformis નામની ફૂગથી થાય છે. પર્ણ અને પર્ણદંડ ઉપર આ ફૂગ પીળા રંગનાં હારબંધ ચાઠાં કરે છે. આ ચાઠાં ભેગાં થતાં પાન પર પટ્ટી સ્વરૂપે ઊપસે છે. પાકની શરૂઆતની અવસ્થામાં પાન પર ધાબાં કરે છે અને પાછલી અવસ્થામાં કંટી ઉપર પણ પીળાં ચાઠાં કરે છે. પાનમાં ફૂગની વાનસ્પતિક અવસ્થા પૂરી થતાં પાન કે પર્ણદંડ ઉપર ચાઠાંમાં બીજાણુ પેદા કરે છે. તે પીળા ગેરુ રંગનાં દેખાય છે.

આ રોગ ઝડપથી ફેલાઈ વિશેષ નુકસાન કરવાની શક્તિ ધરાવે છે અને 50 % જેટલું ઉત્પાદન ઓછું થાય છે. રોગને ઠંડું ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે.

બદામી ગેરુ : આ રોગ Puccinia hordei નામની ફૂગથી થાય છે, જે જવમાં નુકસાનની ર્દષ્ટિએ બીજા નંબરનો રોગ છે. આ ફૂગ પર્ણ અને પર્ણદંડ ઉપર લાલાશ પડતા બદામી રંગનાં ચાઠાં કરે છે જે પાન કરતાં કંટી ઉપર સ્પષ્ટ દેખાય છે. તે ફૂગનાં પીળાં બીજાણુ છે અને પરિપક્વ થતાં તેમાં કાળાં બીજ પેદા કરે છે ત્યારે ચાઠાં કાળા રંગનાં દેખાય છે.

કાળો ગેરુ : આ રોગ ખાસ જોવા મળતો નથી. તે Puccinia graminis નામની ફૂગથી થાય છે, જે છોડની ડાળી પર કાળા રંગનાં ચાઠાં કરે છે. ખાસ કરીને પાકની પાછલી અવસ્થામાં આવે છે જેથી વિશેષ નુકસાન કરતો નથી.

પ્રતિકારક ઉપાયો : (1) રોગપ્રતિકારક જાતની વાવણી કરવી. (2) ઝિનેબ અથવા મેન્કોઝેબ દવા 2 ગ્રામ પ્રતિલિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

(2) બદામી મૂળનો સડો : આ રોગ પીથિયમ જાતિની ફૂગથી થાય છે. પાકની શરૂઆતની અવસ્થામાં તે મૂળનો સડો કરે છે.

(3) થડનો સડો : આ રોગ Dreschlera sorokiniana નામની ફૂગથી થાય છે. આ ફૂગ છોડના થડમાં જમીન પાસે દાખલ થઈ સડો કરે છે. આવા આક્રમણવાળા છોડ થડમાંથી સડી નીચે પડી જાય છે. આ ફૂગ પાન પર ટપકાંનો રોગ કરે છે. આ રોગથી 15 % જેટલું નુકસાન નોંધાયેલું છે.

પારાયુક્ત દવાનો પટ આપી વાવણી કરવાથી રોગને કાબૂમાં રાખી શકાય છે.

(4) જવનો ભૂકી છારો : આ રોગ Erysiphe graminis નામની ફૂગથી થાય છે. ફૂગના બીજાણુ પર્ણદંડ અને પાન ઉપર સફેદ ભૂકી સ્વરૂપે જોવા મળે છે. રોગનાં લક્ષણો અને જીવનચક્ર ઘઉંના ભૂકી છારા જેવાં જ છે. ફૂગ જવની કંટી પર આક્રમણ કરતી નથી.

રોગની શરૂઆત પાકના અવશેષોમાં રહેલા  ધાની બીજાણુ(ascospore)થી થાય છે અને તેના પછીનો દ્વિતીય ફેલાવો કણીબીજાણુ(conidia)થી થાય છે. રોગને સૂકું અને ગરમ હવામાન માફક આવે છે. 20° સે. તાપમાન રોગના ફેલાવા માટે ખૂબ જ અનુકૂળ છે અને તે પવન મારફત ફેલાય છે.

પ્રતિકારક ઉપાય : (1) રોગપ્રતિકારક જાતની વાવણી કરવી. (2) ઝિનેબ અથવા મેન્કોઝેબ દવા 2 ગ્રામ પ્રતિલિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

(5) અનાવૃત અંગારિયો : આ રોગ Ustilago nuda નામની ફૂગથી થાય છે, આ રોગ ઘઉંના અનાવૃત અંગારિયા જેવો જ છે. પણ બંને ફૂગ તદ્દન જુદી જ છે જેથી જવની ફૂગ ઘઉંમાં રોગ પેદા કરી શકતી નથી.

રોગિષ્ઠ છોડ કંટી નીકળે ત્યાં સુધી ઓળખી શકાતો નથી; પરંતુ કંટી નીકળતાં છોડની કંટી પર નાજુક મખમલનું સફેદ આવરણ જણાય છે, જેમાં ફૂગના કાળી ભૂકી જેવા બીજાણુઓ હોય છે. આ નાજુક આવરણ કંટી બહાર નીકળતાં પવન લાગવાથી તૂટી જાય છે અને બીજાણુઓ હવામાં ફેલાય છે. ઠંડું ભેજવાળું વાતાવરણ અંડાશયમાં ફૂગના પ્રવેશ માટે અનુકૂળ રહે છે.

પ્રતિકારક ઉપાય : (1) રોગપ્રતિકારક જાતોની વાવણી કરવી. (2) આ ફૂગ બીજજન્ય હોવાથી પારાયુક્ત દવા સાથે સર્વદેહી દવા વાઇટાવેક્સનો પટ આપી વાવણી કરવી.

લણણી અને ઉત્પાદન : વાવણી પછી લગભગ ચાર મહિનામાં જવ લણણી માટે તૈયાર થાય છે. છોડ ખેંચીને કે દાતરડા વડે કાપણી કરીને તેને ખળામાં અઠવાડિયું કે તેથી વધારે દિવસો સૂકવવામાં આવે છે. ત્યાર બાદ ઝૂડીને ઊપણવામાં આવે છે. પિયત અને બિનપિયત પાકનું સરેરાશ ઉત્પાદન લગભગ 250 કિગ્રા-1160 કિગ્રા./હેક્ટર જેટલું થાય છે. અનુકૂળ પરિસ્થિતિમાં જવની કેટલીક સુધારેલી જાત દ્વારા 3215 કિગ્રા./હૅક્ટર જેટલું ઉત્પાદન થાય છે. પિયત પાકનું ઉત્પાદન બિનપિયત પાક કરતાં 47 %થી 132 % જેટલું વધારે થાય છે.

રાસાયણિક બંધારણ : ભારતીય જવનું સરેરાશ રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : પાણી 12.5 %, પ્રોટીન 11.5 %, ઇથર નિષ્કર્ષ 1.3 %, ખનિજ દ્રવ્ય 1.5 %, રેસો 3.9 %, કાર્બોદિતો 69.3 %, કૅલ્શિયમ 0.03 %, ફૉસ્ફરસ 0.23 %, આયર્ન 3.7 મિગ્રા./100 ગ્રામ. વધારે પ્રોટીન ધરાવતા જવનો આહાર તરીકે અને વધારે સ્ટાર્ચયુક્ત જવનો માલ્ટનમાં ઉપયોગ થાય છે. બે-હરોળવાળી જવની જાત છ-હરોળવાળી જવની જાત કરતાં વધારે સ્ટાર્ચ ધરાવે છે. જવનો સ્ટાર્ચ ઘઉંના સ્ટાર્ચ સાથે ગાઢ સામ્ય ધરાવે છે.

જવમાં ચાર પ્રકારનાં પ્રોટીન હોય છે : આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન, પ્રોલેમિન (હોર્ડીન) અને ગ્લુટેનિન (હોર્ડેનિન). હોર્ડેનિન ઝીઇન સાથે સામ્ય ધરાવે છે. કુલ પ્રોટીનમાં આવશ્યક ઍમિનોઍસિડોનું પ્રમાણ (16.0 ગ્રા. નાઇટ્રોજને) આ મુજબ છે : આર્જિનિન 4.5 ગ્રા., હિસ્ટિડિન 1.8 ગ્રા., લાયસિન 2.4 ગ્રા., ટ્રિપ્ટોફેન 1.1 ગ્રા., લ્યુસિન 5.5 ગ્રા., આઇસોલ્યુસિન 3.8 ગ્રા., વેલાઇન 5.1 ગ્રા., ફિનિલએલેનિન 5.7 ગ્રા., થિયૉનિન 3.6 ગ્રા. અને મિથિયૉનિન 1.0 ગ્રા.

શુષ્કતાને આધારે જવમાં ખનિજ-ઘટકો આ પ્રમાણે છે : K2O, 0.6-0.9 %, N2O 0.1-0.3 %, CaO 0.07-0.15 %, MgO 0.2 %, P2O5 0.8-1.2 %, S 0.02 અને SIO2 0.5-0.9 % અલ્પતત્વો : Al 0.7  મિગ્રા., Fe 4-9 મિગ્રા., Mn 12 મિગ્રા., Cu 0.2-0.6 મિગ્રા. અને Zn 2-3 મિગ્રા./100 ગ્રા. તાજા જવના દાણામાં આયોડિન 18 માઇક્રોગ્રા./કિગ્રા. મળી આવે છે. તાજા જવના દાણામાં વિટામિન A 71 આઈ.યુ. થાયેમિન 500-650 માઇક્રોગ્રા., રાઇબૉફ્લેવિન 90-140 માઇક્રોગ્રા., નાયેસિન 7 મિગ્રા., કોલાઇન 96-125 મિગ્રા., પૅન્ટોથેનિક ઍસિડ 395-620 માઇક્રોગ્રા., વિટામિન E 1.7-2.1 મિગ્રા./100-ગ્રા., અને ફૉલિક ઍસિડ તથા વિટામિન D પણ હોય છે. વિટામિન Eની ક્ષમતા કુલ ટોકોફેરોલ દ્રવ્ય કરતાં ઓછી હોય છે.

મોતી જવ : જવના દાણા પરની ફોતરી અને બહારના સ્તરો ક્રમિક અપઘર્ષણ (abrasion) દ્વારા દૂર કરતાં મોતી જવ મળે છે. તેને ગોળ જવ પણ કહે છે. 100 કિગ્રા. જવમાંથી 35 કિગ્રા. જેટલા ગોળ જવ પ્રાપ્ત થાય છે.

ઉપયોગો : જવના દાણા મુખ્યત્વે પશુદાણ અને પરાળ (ભૂસું) પશુ-આહાર તરીકે વપરાય છે. તેનો ખોરાક તરીકે કે માલ્ટ પ્રાપ્ત કરવા પણ ઉપયોગ થાય છે. ઘણા ખેડૂતો લીલા ચારા માટે પણ જવનું વાવેતર કરે છે. માનવ-આહારમાં તેના લોટને સામાન્યત: ઘઉંના અને ચણાના લોટ સાથે મિશ્ર કરી રોટલીઓ બનાવવામાં આવે છે. જવનો ‘સાત્ત્તુ’ સ્વરૂપે પણ મોટા જથ્થામાં ઉપયોગ થાય છે. પાકા અને કાચા જવના દાણા ભૂંજી અને દળીને સાતુ બનાવવામાં આવે છે. સાતુનો ઉપયોગ ઠંડા પીણા તરીકે થાય છે. ઊંચી કક્ષાના જવનો માલ્ટન, મોતી જવ અને નવજાત શિશુઓનો આહાર બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં જવનો ઉપયોગ લોટમાં 64 %, સાતુમાં 12 %, પશુઆહારમાં 22 % જેટલો અને માલ્ટન તથા મોતી જવ બનાવવામાં 1 % જેટલો થાય છે.

જવ સુપાચ્ય અને શામક (demualcent) છે; તેથી તેનો અશક્ત અને રોગોપશામક (convalescent)ના આહારમાં ઉપયોગ કરવામાં આવે છે. તેનું દળીને અને શેકીને તૈયાર કરેલું ભૈડકું અજીર્ણમાં લાભદાયી છે. શામક ચિકિત્સામાં તથા તાવના વિકારો, છાતીના પટલોના સોજાઓ, અતિસાર અને આંતરડાના શ્લેષ્મી (catarrhal) વિકારોમાં જવનું પાણી આપવામાં આવે છે. મધ સાથે જવનું પાણી શ્વાસનળીના કફમાં અને બાવળના ગુંદર સાથે મૂત્રાશય અને મૂત્રમાર્ગની બળતરામાં અપાય છે. પર્ણની ભસ્મ શીતળ પીણામાં વપરાય છે. સાંઠાની ભસ્મ અપચામાં ઉપયોગી છે. જવમાંથી ‘જવખાર’ નામનું ઔષધ બને છે.

આયુર્વેદ અનુસાર જવ સ્વાદે મધુર-તૂરા, શીતવીર્ય, લેખનકર્તા, વિપાકે તીખા, જઠરાગ્નિ વધારનાર, રુક્ષ, સ્વર ઉત્તમ કરનાર, મેધાકર, વર્ણ અને કાંતિને સ્થિર કરનાર, બળપ્રદ, વાયુ અને મળવર્ધક છે. તે કફ, ખાંસી, શ્ર્વાસ, મેદ, વાત, તૃષા, ઊરુસ્તંભ, ત્વચારોગ, રક્તવિકાર અને કંઠરોગમાં ઉપયોગી છે. તે મૂત્રપિંડ, પથરી અને મૂત્રના રોગ ઉપરાંત મેદનાં દર્દોમાં લાભપ્રદ ઔષધ ગણાય છે.

તેનો ઉપયોગ તરસ, દાહ અને રક્તપિત્ત શમાવવા માટે, ગર્ભ સ્થિર થાય તે માટે, મધુપ્રમેહ, મચકોડ અને અસ્થિભંગની સારવારમાં તથા પથરી અને પેશાબની અટકાયતમાં કરવામાં આવે છે. તેની ઔષધમાત્રા સવારે અને રાત્રે 50 મિગ્રા. – 100 મિગ્રા. જેટલી રખાય છે.

બળદેવભાઈ પટેલ

ભગવતસિંહ જાદોન

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ