જવેરી, કલ્પેશ (જ. 5 જાન્યુઆરી 1958, અમદાવાદ, ગુજરાત) : ભારતના ઓડિશા રાજ્યની ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ.

પિતા સત્યેન્દ્ર (નાનુકાકા) અને માતા લીલાવતી (લીલીબહેન). તેમણે એમ. જી. સાયન્સ કૉલેજમાંથી શિક્ષણ મેળવ્યું અને સ્નાતક થયા. જ્યારે એલએલ.બી.નું શિક્ષણ સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી મેળવીને સ્નાતક થયા. જીવનના 25મા વર્ષે ગુજરાત બાર કાઉન્સિલમાં સનદ મેળવવા નામ નોંધાવ્યું. 1980માં હાઈકોર્ટમાં વકીલાતની કામગીરી શરૂ કરી. 1984માં ગુજરાત હાઈકોર્ટ બાર ઍસોસિયેશન એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય બન્યા અને જૉઇન્ટ સેક્રેટરી તરીકે નિમાયા. 1999માં ગુજરાત હાઈકોર્ટ લૉ લાઇબ્રેરીના સેક્રેટરી તરીકે ચૂંટાયા. તેઓ ભારત સ્કાઉટ અને ગાઇડ સંસ્થામાં વિવિધ પદે ચૂંટાયા હતા. રાષ્ટ્રકક્ષાએ સ્કાઉટ સંસ્થાના અનેક ઍવૉર્ડ મેળવ્યા હતા.

કલ્પેશ જવેરી

તેઓની ઉત્તમ કામગીરીને લક્ષમાં રાખીને રાજ્ય સરકારે તેમને 7 માર્ચ, 2004ના રોજ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી. 22 જૂન, 2005ના રોજ તેમની નિમણૂકને માન્યતા અપાઈ. ગુજરાત હાઈકોર્ટની કામગીરી નોંધપાત્ર ગણાઈ. તેઓના કાર્યકાળ દરમિયાન કુલ કેસો 1,41,000 હતા, તે સંખ્યા ઘટીને 85,000 રહી હતી એટલે કે 56000 કેસોનો નિકાલ કર્યો હતો. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતે તેમની સેવાઓને લક્ષમાં રાખીને 24 ઑગસ્ટ, 2016માં તેમની નિમણૂક રાજસ્થાન હાઈકોર્ટમાં કરવામાં આવી. 18 ઑક્ટોબર, 2016માં ‘લીગલ સર્વિસ ઑથૉરિટી’ના ચૅરમૅન તરીકે નિમાયા. 17 ફેબ્રુઆરી, 2017ના રોજ તેઓએ કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકેનો હોદ્દો મેળવ્યો હતો. તેઓના કાર્યકાળ દરમિયાન રાજસ્થાન હાઈકોર્ટમાં 2500 કેસોનો નિકાલ કર્યો હતો. તદુપરાંત તેઓએ લોક અદાલત, રાજસ્થાનની ખુલ્લી જેલ પદ્ધતિ, પોસ્કો કોર્ટ વગેરેના સંદર્ભમાં ઉત્તમ કામગીરી કરી હતી.

સર્વોચ્ચ અદાલતે 12 ઑગસ્ટ, 2018ના રોજ ઓડિશા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરી. અહીં પણ તેઓએ કાર્યનિષ્ઠાને આધારે 1,48,148 કેસોનો ભરાવો હતો તેમાં 10%નો ઘટાડો કર્યો હતો. તેઓ વયમર્યાદાને કારણે 4 જાન્યુઆરી, 2020ના રોજ 62 વર્ષની વયે નિવૃત્ત થયા.

નિવૃત્તિ પછી ગુજરાત સરકારે ‘Backward Class Commission’ના પ્રમુખ તરીકે નિમણૂક કરી હતી. તેઓએ ઝીણવટભર્યો અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કરેલ તે 8 જુલાઈ, 2022ના રોજ સરકારને સુપરત કરતાં સરકારે તેનો સ્વીકાર કર્યો હતો. આ ઉપરાંત તેઓ M. P. Birla Institute of Fundamental Research, Hindustan Medical Institution, Eastern India Education Institution જેવી અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી અને ચૅરમૅન તરીકે કાર્યરત છે. રાજકોટની ‘Satya Sai Hospital’ સાથે ઘનિષ્ટ રીતે સંકળાયેલા છે. Perlin Charitable Trust દ્વારા થતી પ્રવૃત્તિનો વિકાસ થાય તે માટે તેઓ સાચા માર્ગદર્શક બની રહ્યા છે.

નીતિન કોઠારી