જવાબદારી વીમો (કર્મચારીનિષ્ઠા) (fidelity insurance)
January, 2012
જવાબદારી વીમો (કર્મચારીનિષ્ઠા) (fidelity insurance) : કર્મચારીઓની અપ્રામાણિકતાથી માલિકને જે આર્થિક નુકસાન થાય તે ભરપાઈ કરી આપે તેવી વીમા યોજના. અપરાધ સામે રક્ષણ આપતા વીમાના બે પ્રકાર છે : કર્મચારીઓ સિવાયની અન્ય વ્યક્તિઓએ કરેલા અપરાધ જેવા કે ઘરફોડ ચોરી અને લૂંટફાટ સામે રક્ષણ આપવાના વીમા ઉતારવામાં આવે છે; પરંતુ તેમાં સંસ્થાના કર્મચારીઓએ કરેલા અપરાધ સામે રક્ષણ આપવામાં આવતું નથી. કર્મચારીઓ દ્વારા કરાતા અપરાધોમાં કાર્યાલયનાં નાણાંની ઉચાપત અને ધંધાના માલસામાનની ચોરી મહત્વના અપરાધો છે. કર્મચારીઓની અપ્રામાણિકતાથી થતા આ પ્રકારના નુકસાન સામે વફાદારી કે કર્તવ્યનિષ્ઠા (fidelity)નો વીમો ઉતારવામાં આવે છે. માલિક, ભાગીદાર, અધિકારી અથવા નિયામકે કરેલા અપરાધ માટે વીમા કંપની આ પ્રકારનો વીમો ઉતારતી નથી. જવાબદારી વીમો નિશ્ચિત હોદ્દો ધરાવતા કર્મચારીઓ જેવા કે કૅશિયર, બૅંકપટાવાળા, હિસાબનીશ આદિ માટે, અથવા વીમા પૉલિસીમાં નામ વડે દર્શાવેલા નિશ્ચિત સંખ્યાના કર્મચારીઓ માટે અથવા સંસ્થાના બધા કર્મચારીઓ માટે લઈ શકાય છે. તેમાંથી છેલ્લા પ્રકારની પૉલિસી વ્યાપક (blanket) પૉલિસી કહેવાય છે. વીમાનું પ્રીમિયમ સામાન્ય રીતે બાંયધરી આપેલી (guaranteed) રકમના નિશ્ચિત ટકાના દરે લેવાય છે. વીમાનો વ્યાપ તથા પ્રકાર લક્ષમાં રાખીને વીમા કંપની કર્મચારીઓની ભરતીની કાર્યવાહીની તથા નવા કર્મચારી ઉપર રાખવામાં આવતા નિરીક્ષણની વિગતવાર માહિતી વીમો ઉતરાવનાર પાસેથી માગે છે. તે કોઈ પણ કારણ જણાવ્યા વિના વીમો ઉતારવાની ના પાડી શકે છે.
જયન્તિલાલ પો. જાની