જવાબદારીઓ (નાણાકીય) : વ્યાપારી કે ઔદ્યોગિક એકમ માટે વર્ષાન્તે તૈયાર કરેલા સરવૈયામાં એકમે ચૂકવવાપાત્ર હોય તેવા દેવાની વિગતો બતાવતું શીર્ષક. કોઈ પણ વ્યાપારી કે ઔદ્યોગિક એકમ, તેના નાણાકીય વર્ષ દરમિયાન કરેલા વિવિધ નાણાવ્યવહારોનું વર્ષાન્તે એક સરવૈયું તૈયાર કરે છે જેથી તે એકમની નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. આ પ્રકારનું સરવૈયું તૈયાર કરવા માટે, દ્વિનોંધી હિસાબ-પદ્ધતિમાં આ શબ્દપ્રયોગ કરાય છે. સરવૈયામાં, ડાબી બાજુ એકમની ‘જવાબદારીઓ’ જુદાં જુદાં શીર્ષક હેઠળ બતાવવામાં આવે છે અને તેની સામે જમણી બાજુ એકમની અસ્કામતો જુદાં જુદાં શીર્ષક હેઠળ બતાવવામાં આવે છે. જો અસ્કામતો કરતાં જવાબદારીઓ ઓછી હોય તો તે એકમની નાણાકીય સધ્ધરતા સૂચવે છે. વળી આ સરવૈયું ભવિષ્યમાં એકમની વધુ પ્રગતિકારક નીતિ ઘડવા માટે, એકમના સંચાલકમંડળને માર્ગદર્શક બને છે. સમગ્ર રીતે જોતાં, ‘જવાબદારીઓ’ એટલે ભૂતકાળના નાણાવ્યવહારો કર્યા પછી, તેમાંથી ઉદભવતી અદા કરવાની બાકી રહેતી જવાબદારીઓ.
(જે વર્ષનું સરવૈયું બનાવ્યું હોય તે) ચાલુ વર્ષ પછીના વર્ષમાં પણ ચૂકવવાનું ન હોય તેવું દેવું લાંબા ગાળાની જવાબદારી (long-term liability) કહેવાય છે. ચાલુ વર્ષ પછીના વર્ષમાં તેમજ નજીકના ભવિષ્યમાં ચૂકવવાપાત્ર દેવું ‘ચાલુ જવાબદારી’ (current liability) કહેવાય છે. તેમાં માલ કે સેવા ખરીદ કરવાથી થયેલાં દેવાંનો, કર્મચારીઓને વર્ષાન્તે ન ચૂકવાયેલા વેતનનો, ચાલુ વર્ષ માટે ભરવાના કરવેરાનો, જાહેર કરેલા અને ચૂકવવાપાત્ર થયેલા ડિવિડન્ડ વગેરેનો સમાવેશ થાય છે. અનિશ્ચિત પ્રસંગ ઉપર આધારિત અને ભવિષ્યમાં ઉદભવે કે ન પણ ઉદભવે તેવી જવાબદારીને ‘આકસ્મિક (contingent) જવાબદારી’ કહેવાય છે. આવી જવાબદારી હિસાબી ચોપડામાં નોંધવામાં આવતી નથી તેમજ સરવૈયામાં સમાવવામાં પણ આવતી નથી; પરંતુ સરવૈયાની નીચેના ભાગમાં ‘આકસ્મિક જવાબદારીઓ’ શીર્ષક હેઠળ તેની વિગત હોય છે. સરવૈયામાં ડાબી બાજુએ ‘મૂડી (capital)’ શીર્ષક તથા ‘રિઝર્વ’ શીર્ષક પછી ‘જવાબદારી’નું શીર્ષક બતાવવામાં આવે છે.
આવી રીતે વિવિધ નાણાકીય વ્યવહારો ‘જવાબદારીઓ’ રૂપે તેમજ ‘અસ્કામતો’ રૂપે બતાવવામાં આવે છે. ઉપરાંત અમુક ‘જવાબદારીઓ’ તેના શીર્ષક ઉપરથી જ સ્પષ્ટ થાય છે, જેમ કે ‘ગીરો લોન’ જેમાં લોન એ ‘જવાબદારી’ છે જેની સામે કંપનીએ લોન આપનાર સંસ્થા પાસે કંપનીની ‘અસ્કામતો’ ગીરો મૂકેલી હોય છે. આમ ઘણી જવાબદારીઓ જૂથમાં બતાવાય છે. છતાં એ બધી ‘જવાબદારીઓ તેમજ અસ્કામતો’નો સમગ્ર સરવાળો એકમની આર્થિક પરિસ્થિતિનો વર્ષાન્તે સરવૈયા રૂપે ખ્યાલ આપે છે.
ઈન્દુભાઈ દોશી