જવનિકા : અમદાવાદની, પાંચમા-છઠ્ઠા દાયકાની એક લોકપ્રિય નાટ્યસંસ્થા. તેની સ્થાપના હરકાન્ત શાહ તથા શશિકાન્ત નાણાવટીએ 1949માં કરી હતી. તેનું ઉદઘાટન ટાઉન હૉલમાં દાદાસાહેબ માવળંકરના હસ્તે તા. 27 ઑગસ્ટ 1949ના દિવસે થયું હતું.
જવનિકાનું સર્વપ્રથમ નાટક હતું જ્યૉર્જ બર્નાર્ડ શૉના ‘ડેવિલ્સ ડિસાઇપલ’ ઉપરથી નિરંજન ભગત અને શશિકાન્ત નાણાવટી- રૂપાંતરિત ‘શયતાનનો સાથી’. નાટકનું દિગ્દર્શન હરકાન્ત શાહે કરેલું.
આ પછી જવનિકાએ પન્નાલાલ પટેલની નવલકથા ‘મળેલા જીવ’, ગુણવંતરાય આચાર્યની નવલકથા ‘રામકહાણી’ તથા ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથા ‘રૂપમતી’ ઉપરથી શશિકાન્ત નાણાવટીએ કરેલ નાટ્યરૂપાંતરો તખ્તા પર રજૂ કર્યાં હતાં. આ ત્રણે નાટ્યરૂપાંતરોનું દિગ્દર્શન હરકાન્ત શાહે કર્યું અને સમર્થ નાટ્ય-નિર્દેશક તરીકે તેમની પ્રતિભા પ્રતિષ્ઠિત બની. આ ત્રણ નાટકોમાંથી ‘મળેલા જીવ’ તથા ‘રૂપમતી’એ તે વેળાની ગુજરાતની રંગભૂમિ ઉપર નવો જ ઇતિહાસ — લોકપ્રિયતાનો અને ટિકિટબારી ઉપરની સફળતાનો — સર્જ્યો. ‘મળેલા જીવ’ અને ‘રૂપમતી’માં પ્લેબૅક-પદ્ધતિનો સફળતાપૂર્વક ઉપયોગ થયો અને ‘રૂપમતી’માં ગુજરાતના તખ્તા ઉપર પહેલી જ વાર બે માળના સન્નિવેશની રચના થઈ. ‘મળેલા જીવ’ તથા ‘રૂપમતી’ના લગભગ સવાસો જેટલા પ્રયોગો ‘હાઉસફુલ’ સાથે થયા એ ગુજરાતી રંગભૂમિ માટે એક નોંધપાત્ર ઘટના લેખાય.
જવનિકાનાં આ નાટકો દ્વારા કલાકાર-કસબીઓનું એક શક્તિશાળી જૂથ પ્રકાશમાં આવ્યું — જેમણે વર્ષો સુધી રંગભૂમિની સેવા કરી છે. આવા કલાકારોમાં દામિની મહેતા, કલા શાહ, કોકિલા શાહ, ચારુ પટેલ, ક્રિનાલાલ કેરસી, લાલકાકા, બંસી શાહ, જયંતી પટેલ, ચેઝરા ક્રિશ્ચિયન, પી. ખરસાણી, મહેન્દ્ર પાઠક, ચંદ્રકાન્ત ઠક્કર, દિવાકર રાવળ વગેરે ઉલ્લેખનીય છે. કસબીઓમાં નટવર પંચાલ (સન્નિવેશ-વિધાયક), પ્રેમ રાવળ (‘રૂપમતી’ના સન્નિવેશ ડિઝાઇનર), મહેરુ ગોહેલ (રંગભૂષા), ત્રંબક પટેલ (ધ્વનિમુદ્રણ), ભાઈલાલ બારોટ (સંગીતનિર્દેશક) વગેરેની પ્રતિભા ઊપસી આવી. આ કલાકાર-કસબીઓએ તે પછીનાં વર્ષો દરમિયાન પણ પોતાની પ્રવૃત્તિ એક યા બીજી સંસ્થામાં જારી રાખી અને નામના પ્રાપ્ત કરી.
આ પછી હરકાન્ત શાહે જવનિકાના નેજા હેઠળ ‘માટીનું ઘર’, ‘હું અને મારી વહુ’, ‘શ્યામલી’ વગેરે સફળ નાટકો આપ્યાં. આ સમય જવનિકાના સુવર્ણકાળનો હતો.
આ પછી હરકાન્ત મુંબઈ સ્થાયી થયા. પણ મધુભાઈ શાહે જવનિકાની નાટ્યપ્રવૃત્તિ ચાલુ રાખી. બીજી હરોળના દિગ્દર્શકો સફળ નાટકો સાથે રંગમંચ ઉપર આવ્યા અને જવનિકાનો ધ્વજ તેમણે ફરકતો રાખ્યો.
આ સમયગાળામાં જવનિકાને ઉપક્રમે રજૂ થયેલાં નાટ્યસર્જનોમાં જયંતીરામ પટેલદિગ્દર્શિત ‘પ્રણયલીલા’, ‘ઉઘાડી બારી’, ‘એક ડાળનાં પંખી’ તથા ‘બૈરાં તે બૈરાં જ’; રતિલાલ ઉપાધ્યાયદિગ્દર્શિત ‘પાછો પ્રેમમાં પરો’ તથા ‘સાપુતારા’; સ્વ. હરીશ પટેલ-દિગ્દર્શિત ‘સુખનાં સુખડ જલે’ તથા ચીનના આક્રમણ ટાણે હિંદુ-મુસ્લિમ ઐક્યની ભાવના પ્રેરતું ‘મજહબ નહીં સિખાતા’, પાકિસ્તાનના આક્રમણ સમયે ‘સળગી સ્વાર્પણજ્વાળા’ (દિગ્દ. રતિલાલ ઉપાધ્યાય); રમેશ ભટ્ટ-દિગ્દર્શિત ‘કેસરચંદન’; કમલ ત્રિવેદી નિર્દેશિત ‘સપનાં ઉઘાડી આંખનાં’; સંત દેવીદાસના જીવન ઉપર ‘પાતાળનાં પાણી’ ઉપરાંત ગુજરાત રાજ્ય માહિતી ખાતાના ઉપક્રમે કુટુંબનિયોજન, અસ્પૃશ્યતાનિવારણ, દહેજના કુરિવાજ, દારૂબંધી વગેરે ઉપર સંખ્યાબંધ પ્રચારનાટકો રજૂ કર્યાં.
મધુભાઈ શાહની કૅન્સરની લાંબી બીમારીની સાથે જવનિકાના તાણાવાણા વેરવિખેર થતા ગયા અને અંતે તેનું વિલોપન થયું.
શશિકાન્ત નાણાવટી