જળરંગ : ચિત્રકલાનું મહત્વનું માધ્યમ. તેને માટે અંગ્રેજીમાં transparent water colour શબ્દ વપરાય છે. તેમાં પિગ્મેન્ટને ગુંદરથી બાંધવામાં આવે છે અને પાણી ઉમેરી પીંછી દ્વારા વાપરવામાં આવે છે. તૈલ રંગોની શોધ પૂર્વે ઘણા દેશોમાં આ માધ્યમ વપરાતું. આ માધ્યમ કાગળ અને સિલ્ક ઉપર વપરાયું છે. ભારતમાં બંગાળી ચિત્રકારોએ ઓગણીસમી અને વીસમી સદીમાં તેનો સારો એવો ઉપયોગ કર્યો. ચીન દેશમાં ઇન્ક અને વૉશ દ્વારા મોટા કદનાં સ્ક્રૉલ પેઇન્ટિંગ થયાં.

અંગ્રેજી ચિત્રકારો દ્વારા તથા ચીન અને એશિયાઈ દેશોમાં આ માધ્યમ ખૂબ વપરાયું. યુરોપના ચિત્રકારો મોટા ચિત્રના કી સ્કૅચમાં જળરંગનો ઉપયોગ કરતા. ડ્રૉઇંગમાં પણ તેના ઉઠાવ માટે વાપરતા. યુરોપમાં અઢારમી સદીમાં આ માધ્યમનો સારો ઉપયોગ થયો.

જળરંગમાં પારદર્શક અને અપારદર્શક રંગો વપરાય છે. વધુ મહત્વ પારદર્શક રંગોને આપવામાં આવે છે. પારદર્શક જળરંગમાં એક રંગના પટ પર બીજો રંગ ચડાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં નીચેનો રંગ અને કાગળની તેજસ્વિતા રહે છે. આ રીતે રંગને પાણીથી ખૂબ પાતળા કરી વાપરવામાં આવે છે. તેને વાપરવાની બે પદ્ધતિ છે. ભીની સપાટીમાં રંગો સરસ રીતે મળે અને ભળી જઈ સરસ ઉઠાવ આપે ને જ્યારે સૂકી સપાટી પર વિલક્ષણતા સ્પષ્ટ કરી આપે. તેની સામાન્ય રીત એ આછા રંગ પર ઘેરો રંગ ચડાવવાની હોય છે. પૂર્વે એક પદ્ધતિમાં એક જ રંગમાં ચિત્ર તૈયાર કરી તે પર બીજા રંગો ચડાવતા. આજે હવે મુક્ત રીતે તે માધ્યમ વપરાય છે.

ફ્રેસ્કો પદ્ધતિમાં જળરંગનો ઉપયોગ થતો. યુરોપમાં પેઇન્ટીના અંડર પેઇન્ટિંગમાં પણ જળરંગ વપરાતા. ફ્રેસ્કોમાં ચીનમાં જળરંગ સાથે તેના ખાસ પ્રકારનાં બ્રશ તૈયાર થયાં. જળરંગ માટેનાં રંગો અને બ્રશ વિન્સર ઍન્ડ ન્યૂટન કંપની ઉત્તમ કોટિનાં તૈયાર કરે છે.

પાઉલ સનબાય એ એનો જૂનો કલાકાર. તે ઉપરાંત જે. આર. કઝેન્સ, ટૉમસ ગિરટિન, જૉન સેલ કૉટમૅન, જે. એમ. ડબ્લ્યૂ. ટર્નર છે. ટર્નર જળરંગનો ખ્યાતનામ કલાકાર ગણાય છે. આલ્બર્ટ ડ્યુરર, જૅમ્સ, એમ. સી. બે, રે સ્મિથ, જ્હૉન કૉન્સ્ટેબલ, ક્લૉડ લૉરીન, હૉલમૅન હંટ, કવિ-ચિત્રકાર વિલિયમ બ્લેક, ઍન્થની વાનડાયેક કૉપ્લે, વિન્સ્લો હોમર વગેરે કલાકારોએ આ માધ્યમને ઉત્તમ રીતે વાપર્યું છે.

આ માધ્યમમાં બહુ જ ઓછા અર્થાત્ 6થી 12 રંગોથી પણ કામ ચાલે. સાધનો ખૂબ જ ઓછાં, ત્રણથી છ બ્રશ પૂરતાં ગણાય. પરિણામે કલાકારો કુદરતમાં જઈ ર્દશ્યચિત્ર કરવામાં આ માધ્યમનો ઉપયોગ કરે છે. ભારતમાં બંગાળી ચિત્રકારોએ વૉશ મેથડથી જળરંગ દ્વારા ખૂબ સુંદર ચિત્રો કર્યાં. રાજપૂત અને મુઘલ કલામાં જળરંગો ટૅમ્પરા પદ્ધતિથી વપરાયા.

ઓગણીસમી સદીમાં સૅમ્યુઅલ પલમૅટ અને ડી. જી. રોઝેટી નામાંકિત કલાકારો છે. વિન્સલર અને વિન્સ્લો હોમર પણ જાણીતા છે. સીઝાં જે અદ્યતન કલાના પિતા ગણાય છે તેણે જળરંગનું આ માધ્યમ નવીન રીતે વાપર્યું. ક્લી નામના કલાકારે પણ જળરંગમાં અગમ્ય કલા તરફનો અભિગમ અપનાવ્યો ને માધ્યમને ઉન્નત કક્ષાએ રજૂ કર્યું.

જળરંગ વાપરવામાં ટૅકનિકની રીતે કેટલાક મુદ્દા મહત્વના છે. ફલક તરીકે જુદા જુદા પોતવાળા કાગળો વાપરવા. ભારતમાં તેને ખાદી-પેપર કહે છે અને પરદેશમાં કોલ્ડ-પ્રેસ્ડ ઍસિડમુક્ત. રંગો પાતળા વાપરવા. ઝડપથી કામ કરવું જેથી રંગો એકબીજામાં ભળે. મૂળ ચિત્રમાં રંગ પૂરતાં પહેલાં ટુકડા પર રંગ મૂકવો જેથી પરિણામનો ખ્યાલ આવે. જરૂર પડ્યે સ્પંજનો ઉપયોગ કરી કાગળની સપાટી ભીની કરવી. આ માટે સામાન્ય રીતે 25 કાગળનો પેપર બ્લૉક મળે છે અગર સારા જાડા કાગળની સ્કૅચબુક. કલાકારે પોતાને અનુકૂળ કદની સ્કૅચબુક તૈયાર કરાવવી. આ બાબતમાં ટર્નર 10 સેમી.  18 સેમી.ના કદમાં સ્કૅચબુક રાખતો. નાના કદમાં એક જ દિવસમાં તે 10 જેટલાં ચિત્રો કરતો. એ માનતો કે એક મોટા ચિત્ર કરતાં 10 નાનાં કરવાં જરૂરી છે. ફિનિશિંગ વખતે નાનાં બ્રશ અને રંગો ભરવા મોટાં બ્રશ વાપરવાં.

નટુભાઈ પરીખ