જળો (leech) : નૂપુરક (Annelida) સમુદાયનું હિરુડીનિયા વર્ગનું પ્રાણી. તે ભેજવાળી જગ્યા કે મીઠાં જળાશયોમાં રહી બાહ્ય-પરોપજીવી જીવન પસાર કરે છે. કેટલીક જળો સમુદ્રનિવાસી હોય છે. મીઠાં જળાશયોમાં વાસ કરતી જળો ગોકળગાય અને અન્ય કૃમિઓનું ભક્ષણ કરવા ઉપરાંત માછલી, કાચબા જેવાનું લોહી ચૂસે છે. ઢોર અને માણસ જેવાં સસ્તનો પણ તેનો ભોગ બને છે. દરિયાઈ જળો માછલી અથવા કાચબા જેવાને ચોંટી લોહી ચૂસતી હોય છે.
તેનું સહેજ ચપટું શરીર 34 ખંડોમાં વહેંચાયેલું હોય છે. તે કાળા, ભૂરા કે લાલ રંગની હોય છે. કેટલીક જળો 1 સેમી. જેટલી ટૂંકી હોય છે, જ્યારે કેટલીક 30 સેમી. લાંબી હોય છે. પ્રત્યેક જળો છેડે સ્નાયુવિક ચૂસક ધરાવે છે, જ્યારે ઘણી જળો મુખને ફરતે એક બીજું ચૂસક ધરાવતી હોય છે.
જળોને ખોરાક લેવા માટે 2 પ્રકારનાં અંગો જોવા મળે છે. કેટલીકમાં નળાકાર અંગ જેવી સૂંઢ (proboscis) હોય છે. તે સખત બનીને યજમાનની પેશીમાં પ્રવેશી ખોરાકને ચૂસે છે. બીજા પ્રકાર (દા.ત., Hirudo medicinalis)માં ચપ્પુ આકારનાં ત્રણ જડબાં આવેલાં હોય છે. યજમાનને ખબર પણ નથી હોતી કે પોતાના શરીરમાંથી લોહી ચૂસવામાં આવે છે. વળી લાળરસમાં હિરુડિન નામનું એક દ્રવ્ય આવેલું છે, જે યજમાનનું લોહી જામી જતું અટકાવે છે. અન્નમાર્ગનો મોટો ભાગ અન્નસંગ્રહાલયમાં રૂપાંતર પામેલો હોય છે. તેના પાર્શ્વ છેડે કોથળીઓ આવેલી હોય છે. ચૂસેલ લોહીનો તેમાં સંગ્રહ થાય છે. આ લોહીરૂપ ખોરાકના સંપૂર્ણ પાચન માટે કેટલીક વાર 200 જેટલા દિવસો લાગે છે.
Hirudo medicinalis જળોનો ઉપયોગ તબીબી ઉપચાર માટે કરવામાં આવતો. ખાસ કરીને ઓગણીસમી સદીમાં માનસિક ઉપચાર, ચામડી અને ગાંઠના રોગોમાં તથા બગડેલ લોહી ચૂસવા જળોનો ઉપયોગ કરવામાં આવતો. સંધિવા અને ઉટાંટિયા જેવા રોગોની સારવાર માટે પણ જળો વપરાતી. હાલમાં પણ દૂષિત રક્તને શરીરમાંથી બહાર કાઢવામાં આયુર્વેદ ચિકિત્સાના ભાગ રૂપે જળોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિકિત્સામાં પગ જેવા અંગમાં આવેલ રક્તવાહિની સાથે જળોનો સંપર્ક સાધવામાં આવે છે. પરિણામે પોતાના ચૂસકની મદદથી તે ત્યાં ચોંટી જાય છે અને લોહી ચૂસે છે. રક્તપ્રાશનથી જળો લાંબી અને જાડી બને છે. આવી રીતે રક્ત પીધેલ હાલતમાં ત્યાંથી જળોને ઉખેડી લેવામાં આવે છે. પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં જળાશયોમાં જળો મોટી સંખ્યામાં હોય છે અને મનુષ્ય તેમજ ઢોર માટે ઉપદ્રવકારક નીવડે છે.
જળોનો ઉપદ્રવ અટકાવવા સિટ્રૉનેલ્લા, સિનામોન જેવું તેલ પગને ફરતે ચોળવામાં આવે છે. આસામ, મિઝોરમ જેવા પ્રદેશોમાં જંગલમાં ફરનાર લોકો મીઠાના દ્રાવણમાં પલાળેલી કાપડની ચીંદરી લાકડીને બાંધે છે; જળો ચોંટેલ ભાગમાં તે ઘસવાથી જળો ત્યાંથી તરત જ છૂટી પડે છે.
રા. ય. ગુપ્તે
બળદેવપ્રસાદ પનારા