જળોદર (ascites) : પેટની પરિતનગુહા(peritoneal cavity)માં મુક્ત રીતે પ્રવાહીનું એકઠું થવું તે. તેનાં મુખ્ય કારણોમાં ક્ષય (tuberculosis) અને યકૃતકાઠિન્ય(cirrhosis of liver) છે. યકૃતના બીજા રોગો તથા મૂત્રપિંડ, હૃદય તથા અન્ય અવયવોના કેટલાક રોગોમાં પણ જળોદર થાય છે.
પેટમાંના પરિતનગુહા નામના પોલાણમાં ચેપ લાગે ત્યારે તેને કારણે પરિતનગુહામાં પ્રવાહી ઝરે છે અને તે જળોદર કરે છે. ક્ષયરોગમાં થતું જળોદર આ રીતે ઉદભવે છે. જો પેટમાંથી હૃદય તરફ લોહી લઈ જતી અધ: મહાશિરા(inferior vena cava)માં કે આંતરડામાંથી યકૃતમાં લોહી લઈ જતી નિવાહિકા શિરામાં (દા.ત., યકૃતકાઠિન્ય) અવરોધ આવે તો પરિતનગુહામાંની કેશવાહિનીઓમાં જળદાબ (hydrostatic pressure) વધે છે અને તેથી તેમાંનું પ્રવાહી પરિતનગુહામાં ઝમે છે અને જળોદર કરે છે. લોહીની નસોમાં પ્રોટીન ઘટે તોપણ લોહીનો આસૃતિદાબ ઘટવાને કારણે પરિતનગુહાની કેશવાહિનીઓમાંથી લોહીમાંનું પ્રવાહી બહાર નીકળે છે. તેવી જ રીતે મૂત્રપિંડના રોગો કે આલ્ડોસ્ટીરોનની અધિકતાથી શરીરમાં સોડિયમ આયનો અને પાણીનો સંગ્રહ થાય તોપણ કેશવાહિનીઓમાં જળદાબ વધે છે અને જળોદર થાય છે. પરિતનગુહામાંનું લસિકાજલ (lymph) વક્ષીય લસિકાનળી (thoracic duct) દ્વારા હૃદયમાં લોહી લઈ જતી શિરાઓમાં ઠલવાય છે. તેનો અવરોધ થવાથી પણ જળોદર થાય છે. આંતરડાં જેવા પોલા અવયવ કે કોઈ ઘન અવયવમાંની પ્રવાહી ભરેલી પોટલી જેવી કોષ્ઠ (cyst) જો ફાટે તો તેમાંનું પ્રવાહી પરિતનગુહામાં ઠલવાઈ જળોદર કરે છે.
સારણી 1
જળોદરનાં મુખ્ય કારણો
(અ) મુખ્યત્વે જળોદર રૂપે જોવા મળતા વિકારો | ||
1 | પરિતનગુહા(peritoneal cavity)ના રોગો : ક્ષય, કૅન્સર | |
2 | નિવાહિકા શિરા(portal vein)માં અવરોધ : યકૃતકાઠિન્ય,
નિવાહિકા શિરામાં લોહીનું ગંઠાવું (રુધિરગઠનતા (thrombosis) નિવાહિકાદ્વારમાંની મોટી થયેલી લસિકાગ્રંથિઓ (lymph nodes) |
|
3 | અધ: મહાશિરા(inferior vena cava)માં અવરોધ :
રુધિરગઠનતા, મધ્યવક્ષ (mediastinum) તથા હૃદયના આવરણ (પરિહૃદ્કલા, pericardium)ના રોગો |
|
4 | અંડપિંડમાં ગાંઠ : મિગ(Meig)નું સંલક્ષણ | |
5 | વક્ષીય લસિકા નળી(thoracic duct)માં અવરોધ | |
6 | પેટમાંના પોલા અવયવનું ફાટવું | |
(અ) શરીરમાં બધે થતા સોજા અથવા વ્યાપક જળશોફ
(generalised anasarca)ના ભાગ રૂપે થતું જળોદર |
||
1 | દીર્ઘકાલી હૃદય-નિષ્ફળતા (congestive cardiac failure) | |
2 | મૂત્રપિંડીશોફ સંલક્ષણ (nephrotic syndrome) | |
3 | અપોષણ અને પ્રોટીનની ઊણપ | |
4 | હીમોગ્લોબિનની ઊણપથી થતી તીવ્ર પાંડુતા (anaemia),
લોહીનું કૅન્સર |
|
5 | બહુગુહાશોથ (polyserosistis) |
નિદાન : પરિતનગુહા ઘણી મોટી હોવાને કારણે શારીરિક તપાસ દ્વારા જળોદર થયું છે તે જાણવા માટે ઓછામાં ઓછું 1500 મિલિ. જેટલું પ્રવાહી ભરાયેલું હોવું જરૂરી હોય છે. સૂતેલી વ્યક્તિની કેડ બંને બાજુએ એકસરખી રીતે ફૂલેલી હોય અને તેની નાભિ આડી ખેંચાયેલી હોય અથવા ઊભેલી વ્યક્તિના પેટનો નીચલો ભાગ ફૂલેલો હોય તો તે જળોદર થયાનું સૂચન કરે છે. પેટની એક બાજુ આંગળી વડે ઠપકારીએ અને તેની ધ્રુજારી પેટની બાજુ પર હાથ દ્વારા અનુભવી શકાય તો તે પણ જળોદરનું સૂચક ચિહ્ન છે. તેનું કારણ પેટમાં ભરાયેલું પાણી એક છેડેથી બીજે છેડે તે ધ્રુજારી લઈ જાય છે – તે છે. તેને તરલ-ધ્રુજારી (fluid-thrill) કહે છે. સૂતેલી વ્યક્તિમાં પેટમાં સૌપ્રથમ કેડની બંને બાજુ અને ત્યારબાદ નીચલા ભાગમાં પાણી ભરાય છે અને તેથી તેને આંગળી વડે ઠપકારતાં બોદો ધ્વનિ (dull note) ઉત્પન્ન થાય છે. કેડની બંને બાજુ અને પેટનો નીચેનો ભાગ એમ પેટ પરના ઘોડાની નાળના આકારના ભાગમાં આવો બોદો ધ્વનિ ઉદભવતો હોવાને કારણે તેને નાળ-આકારી બોદો ધ્વનિ (horse-shoe shaped dullness) કહે છે. વળી વ્યક્તિ પાસું બદલે ત્યારે જળોદરનું મુક્ત પાણી બીજી બાજુ વહી જાય છે તેથી બોદા ધ્વનિની જગ્યા ખસે છે. તેને ખસતો બોદો ધ્વનિ (shifting dullness) કહે છે. જો પાણી એકદમ ઓછું હોય તો વ્યક્તિને તેના હાથ-પગ પર ઊંધી-ચારે પગે-ઊભી રાખીને ડૂંટીની આસપાસ આંગળી વડે ઠપકારવામાં આવે તો ત્યાં બોદો ધ્વનિ સંભળાય છે. તેને લઘુતાલ (puddle) ચિહન કહે છે. તરલ-ધ્રુજારી, નાળ-આકારી બોદો ધ્વનિ, ખસતો બોદો ધ્વનિ અને લઘુતાલ ચિહનને જળોદર દર્શાવવાનાં મહત્વનાં ચિહનો ગણવામાં આવે છે.
જળોદર જો વધુ હોય તો ડૂંટી ફૂલે છે, ક્યારેક સારણગાંઠ થાય છે, શુક્રગ્રંથિની કોથળીમાં સોજો આવે છે, ફેફસાંની આસપાસ પ્રવાહી ભરાય છે, પેટની આગળની દીવાલ પર પટ્ટા (striae) પડે છે અને પેટના આગળના સ્નાયુ વચ્ચે જગ્યા ઉદભવે છે. અલ્ટ્રાસૉનોગ્રાફી તથા સી.એ.ટી.–સ્કેન દ્વારા પણ પેટમાં પાણી ભરાયેલું છે કે નહિ તે ઘણું વહેલું જાણી શકાય છે.
નિદાનભેદ (differential diagnosis) કરીને જળોદરને પેટને ફુલાવતાં અન્ય કારણોથી જુદું પારખવામાં આવે છે. આ અન્ય કારણોમાં સાદી મેદની જમાવટ, પેટમાં વાયુનો ભરાવો, સગર્ભાવસ્થા, અંડપિંડમાં કોષ્ઠ, વિસ્ફારિત સ્થિરાંત્ર (megacolon) અથવા વાયુથી પહોળું થયેલું મોટું આંતરડું, અવયવોનું તેના સ્થાનેથી ખસી જવું, કરોડસ્તંભમાં વિકૃતિ હોવી, મૂત્રાશયમાં પુષ્કળ પેશાબ ભરાવો, ઘણી મોટી થયેલી બરોળ હોવી વગેરે ગણાવી શકાય.
નિદાનને નિશ્ચિત કરવા માટે અલ્ટ્રાસૉનોગ્રાફી મહત્વનો ભાગ ભજવે છે. પેટનું સાદું એક્સ-રે ચિત્રણ નિદાનસૂચક છે; પરંતુ સંપૂર્ણપણે વિશ્વાસપાત્ર નથી. સોય વડે જળોદરનું પ્રવાહી કાઢવાની ક્રિયાને જળોદર નિષ્કાસન (paracentesis of ascites) કહે છે. તેના દ્વારા દર્દીને રાહત આપી શકાય છે તથા પેટમાં ભરાયેલા પ્રવાહીની તપાસ કરીને તેના કારણનું નિદાન કરાય છે. નિષ્કાસન માટે જરૂર પડ્યે અલ્ટ્રાસૉનોગ્રાફી વડે પ્રવાહીની મુખ્ય ભરાવાની જગ્યા નક્કી કરી શકાય છે. પ્રવાહીનો દેખાવ નિદાન સૂચવે છે (સારણી 2).
સારણી 2 જળોદરના પ્રવાહીનો દેખાવ અને શક્ય નિદાન |
||
ક્રમ | પ્રવાહીનો દેખાવ | શક્ય કારણભૂત નિદાન |
1 | ચોખ્ખું (પાણી જેવું) કે આછા
લીલા રંગનું |
યકૃતકાઠિન્ય (cirrhosis) |
2 | આછા પીળા રંગનું
(straw colour) |
ક્ષય, યકૃતકાઠિન્ય |
3 | લોહીવાળું | કૅન્સર |
4 | અપારદર્શક | ચેપજન્ય |
5 | પિત્તવાળું | પિત્તનળીઓમાંથી પિત્તનું ઝમવું |
6 | દૂધ જેવું સફેદ | લસિકાનળીઓમાં અવરોધ |
વળી ચેપ હોય તો જળોદરના પ્રવાહીમાં શ્વેત કોષોનું પ્રમાણ વધુ હોય છે. કૅન્સર હોય તો ઘણી વખત કૅન્સરના કોષો પણ દર્શાવી શકાય છે. ક્ષય, જીવાણુજન્ય ચેપ, કૅન્સર, યકૃતશિરામાં અવરોધ, સ્વાદુપિંડનો રોગ કે અલ્પગલગ્રંથિતા (hypothyroidism) હોય તો તેમાં પ્રોટીનનું પ્રમાણ 25 G/લિટર કે વધુ હોય છે. યકૃતકાઠિન્યમાં પ્રોટીનનું પ્રમાણ તેનાથી ઓછું રહે છે. ઉદરનિરીક્ષા (laparoscopy) પણ નિદાનમાં ઉપયોગી છે.
સારવાર : જળોદરના પ્રવાહીને સોય વડે કાઢવાથી રાહત થાય છે. તેની સારવાર મૂળ રોગ પર આધારિત છે. યકૃતના રોગોમાં વધુ પ્રમાણમાં પ્રવાહી કાઢવાથી ક્યારેક યકૃતરોગજન્ય ગાઢ બેભાન-અવસ્થા (hepatic coma) અથવા સાદી ભાષામાં જેને ‘કમળી’ કહે છે તે થાય છે. તે ક્યારેક જીવનને જોખમી નીવડે છે. મીઠાનો ઓછો ઉપયોગ, પાણી પીવામાં નિયંત્રણ, મૂત્રવર્ધક ઔષધો (diuretics) વડે પેશાબના પ્રમાણમાં વધારો કે નિષ્કાસન દ્વારા જળોદરના પાણીને દૂર કરવાની ક્રિયા વડે જળોદરના પ્રવાહીમાં દિવસના 900 મિલિ.થી વધુ ઘટાડો કરવામાં આવતો નથી. તે નક્કી કરવા માટે રોજ વજન કરવામાં આવે છે અને વજનમાં 1 કિગ્રા. સુધીના ઘટાડાને સુરક્ષિત મર્યાદા ગણવામાં આવે છે. મીઠાના પ્રમાણમાં ઘટાડો કરીને રોજનું 20થી 40 મિલીમોલ જેટલો સોડિયમ આયનોવાળો આહાર સૂચવાય છે. સોડિયમનો ભરાવો કરતી દુખાવા સામે વપરાતી દવાઓનો ઉપયોગ ઘટાડાય છે. મૂત્રવર્ધક તરીકે સ્પાયરોનોલેક્ટોન મહત્વની દવા ગણાય છે. પેટના પોલાણનું પ્રવાહી શરીરની નસોમાં વહી જાય તે માટે ક્યારેક કૃત્રિમ સંયોગનળી (shunt) મૂકી શકાય છે. લેવિનની કૃત્રિમ નળી પરિતનગુહા અને અંત:સ્થ ગ્રીવાકીય શિરા(internal jugular vein)ને જોડે છે. તેને કારણે ચેપ લાગવો, નસમાં લોહી જામવું, ફેફસામાં પ્રવાહી ભરાવું, અન્નનળીમાંની પહોળી નસોમાંથી લોહી વહેવું વગેરે આડઅસરો પણ થાય છે.
સારવારનું પરિણામ મૂળ રોગ પર આધારિત છે. ક્ષય મટતો રોગ છે. અંડગ્રંથિના કૅન્સરમાં દવાઓની ઘણી સારી અસર થાય છે. યકૃત- કાઠિન્યના 10%થી 20% દર્દીઓ 5 વર્ષ જીવે છે.
શિલીન નં. શુક્લ