જળબિલાડી : સસ્તન વર્ગના મસ્ટેલિડસ કુળનું જળચારી પ્રાણી. પાણીમાં વધારે સમય રહેવાના સ્વભાવને કારણે તે જળબિલાડી તરીકે ઓળખાય છે. બિલાડીની જેમ તેનું શરીર લાંબું અને નળાકાર સ્વરૂપનું હોય છે. પૂંછડી લાંબી અને શક્તિશાળી હોય છે. તેનો છેડો પાતળો હોય છે. ઉપાંગો નાનાં, જ્યારે આંગળી જાલવાળી હોય છે. મસ્તક ચપટું અને પહોળું હોય છે. ચહેરો સાંકડો હોય છે. રુવાંટી જળરોધક અને લીસી હોય છે.

જળબિલાડીની, દરિયાઈ જળબિલાડી (Enhydra), નદીની જળબિલાડી (Otter-lutra), દક્ષિણ અમેરિકાની મહાકાય (giant) જળબિલાડી (pteroneura), આફ્રિકાની નહોરવિહોણી જળબિલાડી (aonyx), નાના નહોરવાળી એશિયાની જળબિલાડી (amblonyx) અને આફ્રિકાની જળબિલાડી (paraonyx) આમ 6 પ્રજાતિ છે.

જળબિલાડી

આ બધી પ્રજાતિમાં lutra મુખ્ય પ્રજાતિ છે. તેના શરીરની લંબાઈ 55–100 સેમી., પૂંછડીની લંબાઈ 30–55 સેમી. અને વજન 4.5–15 કિલોગ્રામ સુધી હોય છે. તેની કુલ અગિયાર જાતિઓ જોવા મળે છે. તેના મુખની અંદર આવેલ 36 દાંત  દંતસૂત્ર પ્રમાણે ગોઠવાયેલા હોય છે. તેની પૂંછડી લાંબી, સ્નાયુબંધવાળી અને લચીલી હોય છે, છેડો ક્રમશ: સાંકડો થતો જાય છે. અગિયાર જાતિમાં 6 જાતો વિશ્વના વિવિધ પ્રદેશોની નદીઓમાં જોવા મળે છે જેમાં આપણે ત્યાં જોવા મળતી મુખ્ય જાતિનું વર્ણન જોઈએ.

યુરેશિયન સરિતા જળબિલાડી (Lutra lutra) : તેના શીર્ષની પાર્શ્વ બાજુ, કાનની કિનારી અને ગળું સફેદ હોય છે. સાબરમતી નદીમાં પણ Lutra lutra જોવા મળે છે. મુખ્યત: નદી કે સરોવરમાં અને તેના કિનારાનાં જંગલોમાં વાસ કરતી હોય છે જેથી સંજોગો પ્રમાણે સહેલાઈથી પાણી દ્વારા સ્થાનાંતર કરી શકે છે. ઉપરાંત, તે સ્થિર જળાશય, પૂરથી ભરાતાં સરોવર, નીચા પ્રદેશોમાં આવેલાં તળાવો અને વહેતા પાણીમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે 200 મીટર અંતર કાપે છે. પણ, વિશેષ પ્રસંગે, જેમ કે આહારની અછત વેળા રાત્રિના સમયે એક જળાશયમાંથી બીજા જળાશયમાં અંશત: પાણીમાં અને અંશત: ભૂમિ ઉપર એમ લાંબા અંતરનો પ્રવાસ પણ કરે છે. તે સામાન્ય સંજોગોમાં ઊર્ધ્વપ્રવાહની દિશાએ તરતી હોવાથી અનેક કિલોમીટરનું અંતર સહેલાઈથી કાપી શકે છે. પાણીની અંદર 6થી 8 મિનિટ સુધી રહી શકે છે. આંખની વિશિષ્ટ રચના પાણી અને હવાના વિવિધ વક્રીભવન(refraction)ને અનુકૂલન પામેલી હોય છે અને પાણીની અંદર આવેલી વસ્તુ કે જીવોને સ્પષ્ટપણે નિહાળી શકે છે. સામાન્યત: નર અને માદા સ્વતંત્ર શિકાર કરતાં હોય છે. જોકે માદા બચ્ચાં સાથે અથવા તો બીજી માદાઓના સમૂહમાં બચ્ચાં સાથે પણ શિકાર કરતી હોય છે. જળબિલાડીનો ખોરાક માછલી છે. યુરોપમાં મત્સ્ય જળબિલાડી (fish otter) તરીકે પણ તે ઓળખાય છે. માછલી ઉપરાંત જળકૂકડી, બતક જેવાં જળચર પક્ષીઓ અને તેમનાં ઈંડાં તથા જલશાર્દૂલમૂષકને પણ ખોરાક રૂપે ગ્રહણ કરે છે. ધ્યાનસ્થ થઈને સહેલાઈથી પાણીનાં ઊંડાણમાં પ્રવેશી ત્યાં ફરતી માછલીને દાંત વડે પકડીને આરોગે છે.

શિયાળામાં તે બરફ કે પાણીની સપાટીની નીચે અને જમીનનાં પોલાણમાં રહેતી હોય છે અને ત્યાં બરફની અંદર જ શિકાર કરતી હોય છે.

જાતિ પ્રમાણે જળબિલાડીના પ્રસવકાળમાં વિવિધતા જોવા મળે છે. સામાન્યત: પ્રસવકાળ 9થી 10 મહિનાનો હોય છે; પરંતુ કૅનેડિયન જાતિમાં પ્રસવકાળ 12 મહિના કરતાં પણ વધારે હોય છે. માદા વર્ષમાં સામાન્યત: એક વાર અને વિશિષ્ટ સંજોગોમાં બે વાર 2થી 4 બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાંઓનો જન્મ ઘણુંખરું એપ્રિલથી જુલાઈ માસ દરમિયાન થાય છે. બચ્ચાં 28થી 36 દિવસે આંખો ખોલે છે. ચાર માસ સુધી માત્ર માતાના દૂધ પર નભે છે. બે વર્ષે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરી પ્રજનનક્ષમતા મેળવે છે. માતા અને બચ્ચાં રમત કરીને ક્રિયાશીલ રહે છે.

અન્ય પ્રજાતિની વિવિધ મુખ્ય જાતિઓ નીચે મુજબ છે :

મહાકાય જળબિલાડી (Pteronura brasiliensis) : શરીરલંબાઈ 100થી 150 સેમી., પૂંછડીની લંબાઈ 70 સેમી. તથા વજન 24 કિગ્રા. છે.

પૂર્વી લઘુનખી જળબિલાડી(ઑરિયેન્ટલ સ્મૉલક્લૉડ ઑટર) (Ambloyx cinerea) : શરીરલંબાઈ 61 સેમી., પૂંછડીની લંબાઈ 30.5 સેમી., વજન 2.7થી 5.4 કિગ્રા. હોય છે.

દક્ષિણ ભારત, દક્ષિણ ચીન અને પાલાવાણ તેનું વતન છે.

આફ્રિકી નહોરવિહોણી જળબિલાડી (Aonyx capensis) : શરીરલંબાઈ 95થી 100 સેમી., પૂંછડીની લંબાઈ 55 સેમી., વજન 14થી 23 કિગ્રા. હોય છે. તેનાં ઉપાંગો માનવીના હાથ જેવાં દેખાય છે. આફ્રિકામાં આવેલ ઇથિયોપિયાનું વતની છે.

આફ્રિકી લઘુનખ જળબિલાડી (Paraonyx) : શરીરલંબાઈ 60 સેમી., પૂંછડીની લંબાઈ 35 સેમી., વજન 7 કિગ્રા. તેની ત્રણ જાતિઓ નોંધાયેલી છે જે અનુક્રમે p. microdon, p. philippis (philipp’s) અને p. congica (Congo) તરીકે ઓળખાય છે. તે લાઇબિરિયા, નાઇજિરિયા, કેમેરૂન અને ઝાઇર વિસ્તારમાં જોવા મળે છે.

જળનિવાસી સમુદ્રી જળબિલાડી (enhydra lutris) : શરીરલંબાઈ 120થી 130 સેમી., પૂંછડીની લંબાઈ 30થી 33 સેમી., વજન 25થી 30 કિગ્રા. હોય છે. મુખમાં આવેલ 32 દાંત  દંતસૂત્ર પ્રમાણે ગોઠવાયેલા હોય છે. આ જળબિલાડી મિત્રતાપૂર્ણ, રમતિયાળ અને આકર્ષક હોય છે. પાણીની અંદર વધારે સુંદર દેખાય છે. ઉત્તર પ્રશાંત મહાસાગર, જાપાનથી એલ્યુશિયન દ્વીપસમૂહ સુધી અને કૅલિફૉર્નિયાના દરિયાકિનારે તે જોવા મળે છે.

નયન કે. જૈન