જળઘોડો (Horse fish) : ર્દઢાસ્થિ (Teleostei) અધિશ્રેણી અને Syngnathiformes શ્રેણીનું અસ્થિમીન. આ માછલી વિશ્વવ્યાપી છે. દરિયાના હૂંફાળા પાણીમાં લગભગ સર્વત્ર જોવા મળે છે. શીતોષ્ણ, ઉષ્ણ અને ઉપોષ્ણ દરિયામાં વાસ કરે છે. તે સામાન્યત: પાણીમાં, દરિયાઈ કિનારે, દરિયાઈ ઘાસ કે લીલમાં જોવા મળે છે. મુખ્યત: ભારત, જાપાન, મલેશિયા, ચીન અને દ્વીપસમૂહમાં જોવા મળે છે.

જળઘોડાની અનેક જાતિઓ હિન્દી મહાસાગરમાં છે. તે ઊર્ધ્વોધર અક્ષમાં તરે છે અને પૂંછડીની મદદથી શેવાળ જેવાને લટકીને રહેતા હોય છે. આ પાણીની ધારા સાથે ઘણા કિલોમીટરની મુસાફરી કરી શકે છે. જળઘોડો બદલાતા પર્યાવરણમાં સહેલાઈથી અનુકૂલન પામી શકે છે. તે લઘુતમ તાપમાન એટલે કે શીત ઋતુમાં 6oથી 8o સે. અને મહત્તમ તાપમાન 30o સે. હોય તેવા દરિયાકિનારે રહી શકે છે. તેને પાણીની ખારાશના પ્રમાણની માઠી અસર થતી નથી. પાણીમાં મીઠાનું પ્રમાણ 40 % હોય તેવા સ્થળે પણ તે જોવા મળે છે.

જળઘોડો

આ પ્રાણીના શરીરનો આકાર ઘોડાના શરીરના આગળના ભાગ જેવો હોય છે. અગ્રભાગમાં નળાકાર મુખ, ડોક જેવો પ્રદેશ હોવાથી તે જળઘોડા તરીકે ઓળખાય છે. તેની પૂંછડી પરિગ્રાહી (prehensile) અને મુખ કાટખૂણે આવવાને કારણે લીલવાળા વિસ્તારમાં સહેલાઈથી તરે છે. શરીર લાંબું હોઈને તે વળાંકયુક્ત શીર્ષ, ધડ અને પુચ્છમાં વહેંચાયેલું હોય છે. જાતિ પ્રમાણે તેના શરીરની લંબાઈ 4થી 17 સેમી. હોઈ શકે છે. બહિષ્કંકાલ તરીકે શરીર પર ભીંગડાને બદલે ઉદરપ્રદેશમાં અસ્થિ-પટ્ટીની સાત ઊભી હાર અને પૂંછડી પર ઊભી ચાર હાર આવેલી હોય છે. દરેક પટ્ટીની કિનારી ઊપસેલી હોય છે. તેને સહેલાઈથી ઓળખી શકાય છે. કેટલીક જાતિના જળઘોડાના શરીરની ફરતે તલસ્પર્શી તંતુઓ આવેલા હોય છે. વિશિષ્ટ પ્રકારના ગુચ્છના સ્વરૂપે ઝાલર આવેલી હોય છે. અમુક જાતિમાં પૃષ્ઠમીન પક્ષ (dorsal fin) આવેલી હોય છે. તેને ઉદરમીન પક્ષ અને પુચ્છમીન પક્ષ હોતા નથી. માદામાં એક પુચ્છ મીનપક્ષ હોય છે. અને નરમાં ઈંડાં રાખવા અને સેવવા માટે પૂંછડીના નીચલા ભાગમાં એક પહોળી કોથળી આવેલી હોય છે. તેની શરૂઆતના ભાગમાં નાનું શ્વસનછિદ્ર આવેલું હોય છે.

જળઘોડાની પ્રજનનક્રિયા રસપ્રદ હોય છે. પ્રજનનકાળ દરમિયાન નર અને માદા એકબીજાંની નિકટ રહીને પાણીમાં તરતાં હોય છે. નર પોતાના તુંડ(snout)ભાગથી માદાના ઉદરને સ્પર્શ કરી ઉત્તેજિત કરે છે. આ પ્રક્રિયા માદાનાં ઈંડાં ઉત્પન્ન થઈને નરની પૂંછડીમાં આવેલ કોથળીમાં પ્રવેશ કરે ત્યાં સુધી ચાલતી રહે છે. આ ક્રિયા સામાન્યત: રાત્રી દરમિયાન થાય છે. ઈંડાં સહેલાઈથી કોથળીમાં પ્રવેશી શકે એટલા માટે નર સતત શરીરને આગળ-પાછળ ગતિ કરાવતો રહે છે. સંજોગવશાત્ ઈંડાં કોથળીમાં જો પ્રવેશ ના પામે તો તે પાણીમાં પ્રસરીને નાશ પામે છે. માદા એકસાથે આશરે દસ સેકન્ડમાં 200 જેટલાં ઈંડાં નરની સેવનકોથળીમાં દાખલ કરે છે. ઈંડાંના સેવનને અંતે બચ્ચાં બહાર નીકળે છે અને નરની દેખરેખ હેઠળ ખોરાક મેળવે છે.

જળઘોડાની અનેક જાતિઓમાં બે મુખ્ય છે : એક Hippocampus kuda કદમાં મોટી છે. તેના શરીરની લંબાઈ 16 સેમી. હોય છે. માનવની જેમ તેનો શીર્ષપ્રદેશ પૃષ્ઠ બાજુએ આવેલો હોય છે. તેની પૂંછડી વક્ષ બાજુએ ગોઠવાયેલી હોય છે. શરીર પર આવેલી અસ્થિપટ્ટિકાઓ તીક્ષ્ણ ધારવાળી કે ધારવિહીન હોય છે, જે દોરી જેવા પ્રવર્ધો કે ત્વચાના ખંડોની રચના કરે છે. તે કાળા કે કથ્થઈ રંગના હોય છે. તેના ઉપર સફેદ કે ઘેરા ભૂખરા રંગનાં ટપકાં હોય છે. ગુજરાતના શેવાળયુક્ત દરિયામાં છીછરા પાણીમાં જ તે જોવા મળે છે.

નાનામાં નાની જાત Hippocampus guttulatus તરીકે જાણીતી છે. તે ઉત્તર સમુદ્રમાં જોવા મળે છે. ફ્લોરિડા અને કેરિબિયન સમુદ્રના છીછરા પાણીમાં પણ જોવા મળે છે. તેનું કદ 4 સેમી. જેટલું હોય છે. રચનામાં તે બીજી જાતિઓ સાથે સામ્ય ધરાવે છે.

નયન કે. જૈન