જળગાંવ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો. ભૂતકાળમાં તે પૂર્વ ખાનદેશ નામથી ઓળખાતો હતો. તાપી નદીની મધ્ય ખીણમાં આવેલો આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં 20oથી 21o ઉ. અ. તથા 75oથી 76o-28’ પૂ. રે.ની વચ્ચે પ્રસરેલો છે. તેની ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં ઔરંગાબાદ જિલ્લો, પૂર્વમાં નાશિક જિલ્લો તથા પશ્ચિમ દિશામાં ધુળે જિલ્લાની સીમાઓ આવેલી છે. તે દખ્ખનના સપાટ પ્રદેશનો એક ડુંગરાળ તથા જંગલવ્યાપ્ત ભાગ છે. તેની ઉત્તરમાં સાતપુડા, નૈર્ઋત્યમાં હટ્ટી તથા દક્ષિણમાં અજંટા પર્વતમાળાઓ છે. જિલ્લાનો વિસ્તાર 117.65 ચોકિમી. છે. જિલ્લા વસ્તી 42,24,442 (2011). શહેરની વસ્તી 4,60,468 (2011) છે, જેમાં અનુસૂચિત જાતિના 9.25 % તથા અનુસૂચિત જનજાતિના 9.84 % લોકો છે. વસ્તીના 30.01 % ખેડૂતો અને 31.88 % ખેતમજૂરો છે બાકીના અન્ય વ્યવસાયોમાં જોડાયેલા છે. જિલ્લાની ચોકિમી. દીઠ વસ્તીની ગીચતા 271 છે. વસ્તીના 73 % ગ્રામવિસ્તારમાં તથા 27 % શહેરી વિસ્તારમાં વસે છે. સાક્ષરતાનું પ્રમાણ 64.30 % છે. સામાન્ય હવામાન સૂકું છે. સરેરાશ વરસાદ 710 મિમી. પડે છે.

ખેડાણ હેઠળની કુલ જમીનના 62 %માં ખાદ્યપેદાશો તથા 16 %માં શેરડી અને તેલીબિયાં જેવા રોકડિયા પાકો થાય છે. ફળફળાદિ તથા શાકભાજી વવાય છે. સિંચાઈ હેઠળની કુલ જમીનના 76 %ને કૂવાઓમાંથી અને બાકીની 24 % જમીનને પૃષ્ઠભાગ પરનાં અન્ય સાધનોમાંથી સિંચાઈનું પાણી ઉપલબ્ધ થાય છે. ખેતીના મુખ્ય પાકો બાજરી, ઘઉં, ચોખા, ચણા, તુવેર, અડદ અને મગ છે.

જિલ્લાનાં કુલ મોટા ભાગનાં ગામડાં તથા શહેરોનું વીજળીકરણ થઈ ચૂક્યું છે. જિલ્લામાં 8190 કિમી. રસ્તાઓ છે જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગોનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાંથી પસાર થનાર મધ્ય તથા પશ્ચિમ રેલવેના માર્ગોની લંબાઈ 350 કિમી. છે અને તેના પર કુલ 42 રેલમથકો છે.

પ્રમુખ ઔદ્યોગિક ઉત્પાદનમાં ખાંડ, રાસાયણિક દવાઓ, કાપડ, કૃત્રિમ રેશમ, સૂતર, ફટાકડા, પ્લાસ્ટિકની વસ્તુઓ અને સિમેન્ટ નોંધપાત્ર છે.

જિલ્લામાં રુગ્ણાલયો, દવાખાનાંઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પરિવાર કલ્યાણ કેન્દ્રો છે. જિલ્લામાં પૂર્વપ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ તથા મહાવિદ્યાલયો છે.

1916માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિલૉસૉફી આ જિલ્લાના અમળનેર નગરમાં છે. જિલ્લામાં બાંધકામ માટે વપરાતાં પથ્થર, ચૂનો અને રેતી જેવાં ગૌણ ખનિજો ઉપલબ્ધ છે.

તાપી જિલ્લાની મુખ્ય નદી છે, જે જિલ્લામાં 160 કિમી. લંબાઈ ધરાવે છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ 6 તાલુકાઓમાં વહે છે. 160 કિમી. લંબાઈ ધરાવતી ગિરણા નદી 4 તાલુકાઓમાંથી પસાર થઈ તાપી નદીમાં ભળે છે. જિલ્લાની અન્ય નદીઓમાં વાઘ (લંબાઈ 88 કિમી.), અગ્નાવતી (લંબાઈ 107 કિમી.), અંજની (લંબાઈ 72 કિમી.), બોરી (લંબાઈ 56 કિમી.), ગિરના (લંબાઈ 54 કિમી.) તથા મોર (લંબાઈ 48 કિમી.) નોંધપાત્ર છે. તાપી, બોરી તથા ગિરના નદીઓ પર સિંચાઈ માટેના પ્રકલ્પો વીસમી સદીના આઠમા દાયકામાં હાથ ધરવામાં આવેલા છે.

જિલ્લામાં ચાળીસગાંવ નજીક પાટણાદેવીનું મંદિર, એદલાબાદ તાલુકામાં તાપી અને પૂર્ણા નદીના સંગમ પર ચાંગદેવ મંદિર, કોથળીમાં મુક્તાબાઈનું મંદિર, એરંડોલ પાસે ગણપતિનું પુરાતન મંદિર, ફરકાડેમાં ઐતિહાસિક ઝૂલતા મિનારા, ચોપડા તાલુકામાં ગરમ પાણીના ઝરા, અમળનેર તાલુકામાં રામેશ્વર અને મહાદેવનાં પુરાતન મંદિરો, રાવેર તાલુકામાં સાતપુડા પર્વતશ્રેણીમાં પાલ નામક હવા ખાવાનું સ્થળ વગેરે પર્યટકો માટેનાં આકર્ષણો છે. પાલ ખાતે વન પ્રશિક્ષણ કેન્દ્ર છે. જિલ્લાના કુલ વિસ્તારમાંથી 16.07 % (1.87 લાખ હેક્ટર) જમીન પર જંગલો છે.

જળગાંવ તથા ભૂસાવળ ખાતે દૂરદર્શનનાં લઘુશક્તિ પ્રક્ષેપણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યાં છે. તે પૂર્વે 1976માં જળગાંવ ખાતે આકાશવાણી કેન્દ્ર કામ કરતું થઈ ગયું હતું. જિલ્લામાં ગ્રામપંચાયતો કાર્યરત છે.

મહાભારતના ભીષ્મ પર્વમાં ગોમતી, મંદકા, વિદર્ભા અને રૂપવાહિકાની સાથોસાથ ખંડાનો જે ઉલ્લેખ છે તે ખાનદેશ પ્રદેશ હોવો જોઈએ એવો મત પશ્ચિમના ઇતિહાસકારોએ વ્યક્ત કર્યો છે. ગુજરાતના સુલતાન અહમદ પહેલાએ આ પ્રદેશ પર રાજ કરતા બીજા ફરૂકી રાજા મલિકને ‘ખાન’ની પદવી બહાલ કરી હતી, જેના પરથી આ પ્રદેશનું નામ ‘ખાનદેશ’ પડ્યું. આમ મધ્યયુગથી આ પ્રદેશ આ નામથી ઓળખાતો રહ્યો છે. પ્રશાસનની ર્દષ્ટિએ 1906માં ખાનદેશના બે ભાગલા પાડવામાં આવ્યા – પૂર્વ ખાનદેશ તથા પશ્ચિમ ખાનદેશ. ઑક્ટોબર 1960માં મહારાષ્ટ્ર સરકારે ‘પૂર્વ ખાનદેશ’ નામ બદલીને તેને ‘જળગાંવ જિલ્લો’ એવું નવું નામ આપ્યું.

જળગાંવ શહેર જિલ્લાનું મુખ્ય વહીવટી મથક છે. તે મુંબઈ-નાગપુર માર્ગ પર તથા મુંબઈ-અલાહાબાદ રેલવે માર્ગ પર મુંબઈથી આશરે 418 કિમી.ના અંતરે આવેલું છે. ઓગણીસમી સદી પહેલાં આ નગર કોઈ મહત્વ ધરાવતું ન હતું; પરંતુ 1800 પછી તેના વિકાસની શરૂઆત થઈ અને હવે તે ખાનદેશનું એક મહત્વનું ઔદ્યોગિક, વ્યાપારી તથા શૈક્ષણિક કેન્દ્ર બની રહ્યું છે. તે અજંતાના ‘પ્રવેશદ્વાર’ તરીકે ઓળખાય છે. નાગપુર-કૉલકાતા ધોરી માર્ગ ત્યાંથી 6.5 કિમી. અંતર પર છે. નગરમાં કાપડમિલો, તેલ પીલવાનાં કારખાનાંઓ, જિનિંગ અને પ્રેસિંગ ફૅક્ટરીઓ, વિદ્યુત-નિર્માણ કેન્દ્ર તથા ભારતમાં અન્ય જોવા ન મળતું કેળાંનો લોટ બનાવતું કારખાનું છે. મહારાષ્ટ્ર રાજ્યનું સૌથી મોટું, આણંદ ખાતેની ડેરી પર આધારિત, દૂધ ડેરી કેન્દ્ર આ નગરમાં છે. ત્યાં લગભગ બધી જ શાખાઓનું શિક્ષણ આપતી સંસ્થાઓ છે. ત્યાંની 12 કૉલેજો પુણે યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી પરંતુ હવે ત્યાં સ્વતંત્ર યુનિવર્સિટી સ્થાપવામાં આવી છે. ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા દેવીસીંગ પાટિલ મૂળ જળગાંવનાં વતની છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે