જળકૃત સંરચનાઓ (sedimentary structures) : જળકૃત ખડકોની ઉત્પત્તિ માટેના નિક્ષેપોની જમાવટ દરમિયાન કે તરત જ પછીથી; પરંતુ સ્તરોના દૃઢીભૂત થવા અગાઉ તેમાં જે જે સંરચનાત્મક લક્ષણો તૈયાર થાય છે તેમને ‘જળકૃત સંરચનાઓ’ હેઠળ આવરી લેવાય છે. જળકૃત ખડકની સંરચનાઓ 75% જેટલી સપાટી પર પથરાયેલી છે. આ સંરચનાઓની ઉત્પતિ હજારો વર્ષથી વાતાવરણના બદલાવને કારણે થતી રહે છે. સ્તરરચના સાથે વિશિષ્ટ સંબંધ ધરાવતી સંરચનાઓના વર્ગીકરણની રૂપરેખા નીચે મુજબ આપી શકાય :
1. સ્તરરચનાનાં બાહ્ય સ્વરૂપો : સ્તરોના આકાર, જાડાઈ અને સાતત્યનો તેમાં સમાવેશ થાય છે. સ્તરરચના સ્વયં જળકૃત ખડકસ્તરોમાં જોવા મળતું સર્વસામાન્ય સંરચનાત્મક લક્ષણ છે, જેનો આધાર જે તે સ્તરની જાડાઈ અને ઉપરનીચેના સ્તરોની અપેક્ષાએ તેમાં રહેલી બંધારણીય ભિન્નતા પર રહેલો હોય છે. સ્તરના દળમાં રહેલા ઘટક કણોનો આકાર ઓછાવત્તા પ્રમાણમાં ગોળ કે કોણીય હોઈ શકે છે. સ્તરની જાડાઈ એક જ પ્રકારના દ્રવ્યની નિક્ષેપક્રિયાના સમયગાળા પર આધાર રાખે છે. એકસરખા પર્યાવરણના સંજોગો હેઠળ નિક્ષેપક્રિયા ચાલુ રહે તો એક પછી એક જમાવટ પામતા સ્તરોનું સાતત્ય જળવાય છે અને પ્રસ્તરીકરણ સંરચના ઉદભવે છે.
2. સ્તરરચનાનાં આંતરિક સ્વરૂપો : સ્તરોના દળની અંદર ઘટક કણોની ગોઠવણીથી વિવિધ સંરચનાઓ પ્રવાહપ્રસ્તર, ક્રમિક પ્રસ્તરણ, અશ્મગોઠવણીથી રચાતું ગૂંથણીભર્યું માળખું વગેરે ઉદભવે છે.
3. સ્તરસપાટી અને તલચિહનો : સ્તરોની ઉપર તરફની અને નીચેની સપાટી સાથે સંકળાયેલાં ભિન્ન ભિન્ન પ્રકારનાં ચિહનો તેમજ વિશિષ્ટ આકારોને પણ સંરચનાઓ કહે છે જેવી કે તરંગચિહનો, પ્રાણીઓનાં પાદચિહનો, તેમના હલનચલનથી રચાતા આકારો, પ્રાણીકવચ, અસ્થિ કે વનસ્પતિ ભાગોથી તૈયાર થતા આકારો કે છાપ, વર્ષાબિન્દુછાપ, આતપતડ અથવા પંકતડ, જળપ્રવાહગતિને કારણે અશ્મ કે કણોના ઊછળવાથી અને અથડાવાથી નિર્માતા ખાડા વગેરે. આ પૈકીનાં કેટલાંક લક્ષણો પછીથી લદાતા નિક્ષેપબોજથી દબાઈ કે પુરાઈ જાય છે; પરંતુ મૂળ આકાર મુજબનું માળખું તૈયાર થતું હોય છે.
4. સ્તરોની વિરૂપતા સાથે સંકળાયેલાં લક્ષણો : જામતા જતા સ્તરની ઉપર લદાતા નિક્ષેપબોજથી નીચેના નિક્ષેપ ઉપર વિરૂપતા ઊભી થાય છે, પરિણામે slumping, collapse સંરચના, injection સંરચના, convolute પ્રસ્તરણ જેવાં લક્ષણો તૈયાર થતાં હોય છે.
નિક્ષેપોની જમાવટની જુદી જુદી ક્રિયાપદ્ધતિને કારણે ઉદભવતાં ઉપર દર્શાવેલાં સંરચનાત્મક લક્ષણોને એક અન્ય વર્ગીકરણ દ્વારા પણ રજૂ કરી શકાય છે.
(1) ભૌતિક ક્રિયાપદ્ધતિ (mechanical structures) : કેટલાંક સંરચનાત્મક લક્ષણો જળપ્રવાહોની ગતિ પર આધારિત હોઈ વહન પામતા કણો વિશિષ્ટ રીતે ગોઠવણી પામે છે. આ ક્રિયાપદ્ધતિમાં સ્તરરચના, પડરચના, પ્રવાહપ્રસ્તર, ક્રમિક પ્રસ્તરણ, તરંગચિહનો, સ્લમ્પ સંરચના, લોડકાસ્ટ, ફલ્યૂટ કાસ્ટ, પંકતડ, વર્ષાબિંદુ છાપ વગેરેનો સમાવેશ થાય છે. આ પૈકીનાં કેટલાંક લક્ષણો જે તે સ્થળે પ્રવર્તમાન પર્યાવરણ પર આધારિત રહે છે.
(2) રાસાયણિક ક્રિયાપદ્ધતિ (chemical structures) : રાસાયણિક રીતે દ્રાવ્ય પદાર્થોના અવક્ષેપનથી ઉદભવતાં લક્ષણો જેવાં કે રવાદાર (Oolitic) કે વટાણાકાર (pisolitic) સંરચના, ખનિજયુક્ત પોલાણો લોહ ઑક્સાઇડ કે લોહ કાર્બોનેટ કે મૃદલોહપાષાણ (geode) કે ફૉસ્ફેટના ગઠ્ઠા કે ગાંઠો, દ્રવીભૂત કોટરો, અધોગામી-ઊર્ધ્વગામી સ્તંભો, વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રત્યેકમાં આકારભેદ જોવા મળે છે. આ પ્રકારનાં લક્ષણો મોટે ભાગે ચૂનાખડકો સાથે પરંતુ ક્યારેક રેતીખડક કે શેલ સાથે પણ સંકળાયેલાં જોવા મળે છે.
(3) જીવજન્ય ક્રિયાપદ્ધતિ (organic structures) : પ્રવર્તમાન પર્યાવરણ મુજબ જે તે સ્થળનાં પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા પણ સંરચનાત્મક લક્ષણો તૈયાર થતાં હોય છે. તેમના આખા કે છૂટક ભાગો નિક્ષેપમાં દટાવાથી તેમનું અશ્મીભવન થતું હોય છે અથવા છાપ દ્વારા આકાર-રૂપરેખા જળવાઈ રહે છે. જળ નજીક ખુલ્લી બનતી સ્તરસપાટી પર પ્રાણીઓના હલનચલનથી કીટક-કૃમિમાર્ગો, દર, પોલાણો જેવાં લક્ષણો તૈયાર થતાં હોય છે. ક્યારેક નિક્ષેપો સાથે લીલનું સંકલન થાય તો સ્ટ્રૉમેટોલિથ્સ જેવી રચનાઓ ઉદભવે છે, જે મુખ્યત્વે પ્રોટરોઝોઇક કાળના ખડકસ્તરોમાં જળવાયેલી જોવા મળે છે.
ગિરીશભાઈ પંડ્યા