જલોદભિદ વનસ્પતિઓ (hydrophyte/aquatic plants) : સમુદ્ર, તળાવ, સરોવર, નદી, વહેણ વગેરે કોઈ પણ પ્રકારના જળાશયમાં ઊગતી વનસ્પતિઓ. મીઠા કે ખારા પાણીમાં રહેતી કે ઉપર તરતી વનસ્પતિના અનેક પ્રકારો છે. તે વિવિધ કદની હોય છે. એકકોષી સૂક્ષ્મજીવીથી માંડીને મોટાં પોયણાં તેમજ સમુદ્રમાં ઊગતી 30 મી. લંબાઈ ધરાવતી લીલ સુધીની વનસ્પતિસૃષ્ટિના દરેક મુખ્ય સમૂહમાં તે જોવા મળે છે. લીલ, શેવાળ, હંસરાજની જાતની વનસ્પતિઓ ઉપરાંત મુખ્યત્વે તો અનેક પ્રકારની સપુષ્પી વનસ્પતિઓ પણ જળાશયોમાં જોવા મળે છે. જલજ વનસ્પતિઓના જલજ નિવસનતંત્રમાં મહત્વનું પાસું ખોરાક ઉત્પાદક તરીકેનું છે. તેની ઉપર જળચર તૃણાહારી પ્રાણીઓ નભતાં હોય છે. વિશેષ તો તેમની પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમિયાન ઉત્પન્ન થયેલો પ્રાણવાયુ જળચર પ્રાણીઓ શ્વસન માટે લે છે. પાણીમાં પ્રાણવાયુની આથી ઊણપ વરતાતી નથી. જલજ વનસ્પતિઓ પાણીમાં રહેલાં ખનિજો પણ શોષે છે અને પાણીમાં આ ખનિજોની સાંદ્રતા જાળવી રાખે છે. જલજ વનસ્પતિઓ જળચર કીટકો, માછલાંનો ખોરાક બની રહે છે જેનું ભક્ષણ માંસાહારી માછલીઓ દ્વારા થાય છે. માંસાહારી માછલીઓનું ભક્ષણ પક્ષીઓ દ્વારા થઈને અન્નશૃંખલા રચાય છે. વળી ત્યાં આવેલાં જલજ ઘાસ, ચીયો(reeds and sedges)નો ઉપયોગ પક્ષીઓ માળા બાંધવા માટે પણ કરે છે. ઉપરાંત નાનાં સસ્તન પ્રાણીઓ પણ આ વનસ્પતિઓમાં રહે છે.

એકકોષી સૂક્ષ્મ લીલ પાણીમાં તરતી હોય છે અથવા અન્ય વનસ્પતિઓ કે પ્રાણીઓ ઉપર રહેતી હોય છે. અન્ય વનસ્પતિઓ તેમનાં વિતરણ અને રહેઠાણ પ્રમાણે ચાર વર્ગોમાં વહેંચાય છે : (i) પાણીમાં મુક્ત રીતે તરતી કે પાણીમાં નિમગ્ન; (ii) પર્ણો તરતાં હોય પરંતુ મૂળ પાણીમાં સ્થાપિત હોય, ઉ.ત., પોયણાં; (iii) પાણીમાં નિમગ્ન વનસ્પતિ જેનાં મૂળ, પ્રકાંડ અને પર્ણો પાણીમાં જ રહે છે. પુષ્પો સપાટીએ આવે છે. (iv) પાણીમાંથી બહાર આવતી વનસ્પતિ : ચીપો, ઘાસ, ઘાબાજરિયું જેનાં મૂળ તળિયે રહેલાં હોય છે પરંતુ પ્રકાંડ અને પર્ણો પાણીની બહાર આવે છે. પાણીમાં પ્રાણવાયુની ઊણપ હોય છે તેથી જલજ વનસ્પતિઓમાં વાયુકોટરો તથા વાતપેશી જોવા મળે છે. આ કોટરોમાંથી વાતવિનિમય થાય છે.

જુદા જુદા રાસાયણિક ઘટકો ધરાવતાં જળોમાં મીઠાં પાણી, આલ્કલીય, સલૂણી (ખારી), કૅલ્શિયમયુક્ત કે કૅલ્શિયમ વગરના તેમજ દરિયાકાંઠા વિસ્તારમાં ક્ષારયુક્ત (સલ્ફેટ, ક્લૉરાઇડ) પાણીમાં આ વનસ્પતિઓ ઊગી શકે છે.

વિવિધ વનસ્પતિસમૂહોમાં એકકોષી સૂક્ષ્મજીવી – ડેસ્મિડ, ડાયેટમ્સ; તંતુમય – સ્પાયરોગાયરા, વસાહતી લીલ  –વોલ્વોક્સ, નાઇટ્રોજન સ્થાપન કરતી તંતુમય લીલ – એનાબીના વગેરે અનેક પ્રકારની લીલ જળાશયોમાં જોવા મળે છે. કારા અને નાઇટેલા પથ્થરો ઉપર વળગેલી હોય છે.

દ્વિઅંગી વનસ્પતિઓમાં અનેક પ્રકારની શેવાળ તેમજ ત્રિઅંગી વનસ્પતિઓમાં નાઇટ્રોજન સ્થાપન કરતી એઝોલા, માર્સિલિયા, સાલ્વિનિયા તેમજ અન્ય હંસરાજની જાતોનો સમાવેશ થાય છે.

સપુષ્પી વનસ્પતિઓમાં પાણીમાં નિમગ્ન વનસ્પતિઓ પોટેમોજિટોન, હાઇડ્રિલા, નાજાસ, સિરેટોફાઇલમ, વૅલિસ્નેરિયા (જલસર પોલિયા), પોન્ટિડેરિયા, મિરિયોફાઇલમ, એપોનોજિટોન ઇત્યાદિ ગણાવી શકાય. આ વનસ્પતિ પરાગનયન વખતે તેનો સર્પિલ પુષ્પદંડ પાણીમાંથી બહાર કાઢે છે. તેથી તેને જલસરપોલિયા કહેવામાં આવે છે. આ બધી નિમગ્ન વનસ્પતિઓ અત્યંત નાજુક હોય છે તેમજ તેનાં પર્ણો રિબન જેવાં પાતળાં, મુલાયમ હોય છે. તેમાં યાંત્રિક પેશી તેમજ વાહક પેશીઓનો અભાવ હોય છે અથવા તે નહિવત્ વિકસેલી હોય છે.

વુલ્ફિયા અને લૅમ્ના (duck weeds) એકદમ સૂક્ષ્મ અને તરતી સપુષ્પ વનસ્પતિઓ છે.

બીજા પ્રકારમાં કમળ, પોયણાં કે જેનાં મૂળ પાણીમાં કાદવમાં સ્થાપેલાં હોય છે અને પર્ણો પાણીમાંથી બહાર તરતાં હોય છે. પર્ણદંડ વાતપેશી જેવા સ્પંજી હોય છે. પાંદડાં પાણીના પ્રવાહથી ફાટી ન જાય માટે તેના ઉપર ચીકણો તૈલી પદાર્થ આવેલો હોય છે તેનાથી પાણી પાંદડાંને સ્પર્શ કરી શકતું નથી. અન્ય ઉદાહરણમાં જલંકુભી (water hyacinth, Eichhornia cressipes) જેમાં પર્ણદંડો ફૂલેલા હોય છે અને પર્ણોને કુંભ જેવો આકાર આપીને તેને તરતી રાખે છે. અન્ય ઉલ્લેખનીય વનસ્પતિ છે શિંગોડી (Trapa bispinosa / water chestnut) જેની ખેતી થાય છે.

જળાશયોનાં પાણીમાં ક્રમશ: કીચડ-કાદવમાં વધારો થતાં ત્યાં ઘા-બાજરિયું નામની વનસ્પતિ તેમજ ચીપો, સેજિટેરિયા (sagittaria), લિમ્નોફાયટોન (limnophyton), મુંજ ઘાસ વગેરે જોવા મળે છે. ડાંગરનાં ખેતરોમાં એક કીટાહારી (insectivorous) વનસ્પતિ ઊગે છે જે દતિપર્ણ (bladder wort, Utricularia)થી ઓળખાય છે. ઉપરાંત ત્યાં એક ત્રિઅંગી વનસ્પતિ જેને લસણિયો (Isoetes) કહેવામાં આવે છે તે પણ જોવા મળે છે. આનું પ્રકાંડ(કંદ) લસણની કળી જેવું હોય છે.

છેલ્લે બહિર્ગત (emergent) અર્થાત્ પાણીમાં રહીને પાણીમાંથી બહાર નીકળતી વનસ્પતિ છે જેને amphiphyte કે ઉભયજીવી પણ કહી શકાય. આનું ઉદાહરણ નારાવેલ (Ipomea aquatica) છે.

ઉપરાંત ભેજવાળી જગ્યાઓએ ભાંગરો (ઇક્લિપ્ટ), એખરો (હાઇગ્રોફેલા) તેમજ એમાનિયા, પાનલવંગ પણ જોવા મળે છે. નદીકિનારે તથા વહેતા પાણીની આજુબાજુ ઇક્વિસીટમ નામની ત્રિઅંગી વનસ્પતિ પણ જલજ વનસ્પતિનું ઉદાહરણ છે.

આર્થિક રીતે પણ જલજ વનસ્પતિઓ ઉપયોગી છે, દા.ત., પોયણાંની દાંડીનું શાક તેમજ બીજ-પબડી, ડાંગર, થેક, નારાવેલ (ભાજી તરીકે), શિંગોડાં (ખોરાક), ભાંગરો, એખરો વગેરે ઘણી ઔષધિઓ (ઘા-બાજરિયું ઘા રૂઝવવા માટે) તરીકે વપરાય છે. આ ઉપરાંત અનેક પ્રકારની લીલ ખાસ કરીને દરિયાની લીલના ઘણા ઉપયોગો છે. અગર, જેલી ઔષધો તેમજ આયોડિન મેળવવા માટે આ દરિયાઈ લીલનો ઉપયોગ થાય છે. ક્લોરેલા નામની એકકોષી લીલનો ઉપયોગ અવકાશયાનમાં પ્રાણવાયુ ઉત્પન્ન કરવા માટે થાય છે.

અવિનાશ બાલાશંકર વોરા