જલતલસ્થ સજીવો : જલતલસ્થ વિભાગ(benthic division)માંની વનસ્પતિસૃષ્ટિ તથા તેમાં વસતાં પ્રાણીઓ. સમુદ્ર, મીઠા પાણીનાં સરોવર કે તળાવના તલપ્રદેશમાં તટથી માંડી સૌથી વધારે ઊંડાઈ સુધી જોવા મળતા જલીય સજીવોના નિવાસને જલતલસ્થ વિભાગ કહે છે. આ વિભાગમાં વસતા જલતલસ્થ સજીવોમાં લીલ, જીવાણુઓ, ફૂગ, જલીય સપુષ્પ વનસ્પતિ, સ્તરકવચીઓ, જલીય કીટકો, નૂપુરક, મૃદુકાય અને માછલીઓ જેવા સજીવોનો સમાવેશ થાય છે. આ સજીવો તળિયા સાથે ચોંટેલા અથવા વિશ્રામ ભોગવતા કે તલપ્રદેશના નિક્ષેપ(sediment)માં જીવતા હોય છે.
મીઠા પાણીના સરોવરના તટપ્રદેશ(littoral)માં મૂળયુક્ત વનસ્પતિ સંપૂર્ણપણે કે મોટા ભાગે પાણીમાં ડૂબેલી રહે છે. તેમનાં પર્ણો પાતળાં અને અતિવિભાજિત હોય છે તેમજ પાણી સાથે પોષક દ્રવ્યોના વિનિમય માટેનું અનુકૂલન ધરાવે છે. આ વનસ્પતિઓમાં પોટેમોજેટોન, રૂ, સિરેટોફાઇલમ, હાઇડ્રીલા, વેલીસ્નેરિયા, ઇલોડિયા, ઝેનિચેલિયા, એનાકેરિસ, મિરિયોફાઇલમ, નજાસ વગેરેનો સમાવેશ થાય છે. કારા, નાઇટેલા અને ટોલિપેલા વગેરે લીલની જાતિઓ પણ જલતલીય છે. પરિસ્થિતિવિજ્ઞાનની ર્દષ્ટિએ કારા જલતલીય ઉત્પાદક સપુષ્પ વનસ્પતિની સાથે વર્ગીકૃત કરાય છે. તે તટપ્રદેશની અંદરની સીમા સુધી ઊંડા પાણીમાં પણ થાય છે. તટપ્રદેશમાં જોવા મળતી કેટલીક લીલ મૂળયુક્ત વનસ્પતિઓ સાથે ચોંટેલી કે સંકળાયેલ હોય છે. તેમાં ડાયેટોમ, હરિતલીલ, એકકોષી ડેસ્મિડ અને સ્પાયરોગાયરા, ઝિગ્નીમા, ઉડોગોનિયમ, ક્લેડોફોરા અને કારા જેવી તંતુમય (તરતી કે ચોંટેલી) લીલ તેમજ વૉલવૉક્સ, હાઇડ્રૉડિક્ટિયોન જેવાં વસાહતી સ્વરૂપો અને એકકોષી વસાહતી કે તંતુમય નીલહરિત લીલનો સમાવેશ થાય છે.
તળાવ કે સરોવરના તળમાં વિશ્રામ ભોગવતાં કે પ્રચલન કરતાં ઉપભોગીઓમાં વિસર્પી (sprawling), દંતપંખ (odonta) ડિમ્ભક (nymph), ક્રે-ફિશ, સમપાદ (isopad) અને કેટલીક મે-ફ્લાઈના ડિમ્ભકનો સમાવેશ થાય છે. વધારે ઊંડાઈએ જતાં તલપ્રદેશમાં રહેલા કાદવમાં નિવાસ કરનારાં દંતપંખ (odonta) અને અચિરપંખ (Ephemeroptera) છીપ, નૂપુરકો, ગોકળગાય અને કાઇરોનોમિડ તેમજ બીજી દ્વિપંખ (Diptera)ની ઇયળો જોવા મળે છે. પોષણને અનુલક્ષીને જલતલસ્થ પ્રાણીઓના 2 પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) નિસ્યંદનીય પોષકો (filter-feeders); દા.ત., છીપ અને (2) નિક્ષેપ-પોષકો (deposit feeders); દા.ત., ગોકળગાય.
પ્રોફાઉન્ડલ પ્રદેશના તળિયે હીમોગ્લાબિન ધરાવતાં કાઇરોનોમિડ ઇયળો, નૂપુરકો અને સ્ફિરિડી કુળની નાની છીપ જોવા મળે છે.
સમુદ્રના તળિયે વસતા સજીવોને સમુદ્રતલસ્થ સજીવો કહે છે. સમુદ્રતલસ્થ ઉપભોગી પ્રાણીઓના 2 પ્રકાર પાડવામાં આવ્યા છે :
(1) અધિ–પ્રાણીસમૂહ (epifauna) : સમુદ્રતલની સપાટી પર કાં તો ચોંટેલાં અથવા સપાટી પર મુક્તપણે પ્રચલન કરી શકતાં પ્રાણીઓને અધિ-પ્રાણીસમૂહ કહે છે. આંતર-ભરતી (intertidal) પ્રદેશમાં તેઓ સૌથી વધારે પ્રમાણમાં હોય છે.
(2) અંત:-પ્રાણીસમૂહ (infauna) : સમુદ્રતલ ખોદીને તેમાં દર બનાવીને રહેતાં પ્રાણીઓને અંત:-પ્રાણીસમૂહ કહે છે. તેઓ ઉપ-ભરતી (subtidal) પ્રદેશમાં અને તેથી નીચેના પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં વિકાસ પામેલાં હોય છે.
સમુદ્રતલમાં થતા 1 મિમી. કરતાં મોટા સજીવોને મહા-નિતલસ્થ સજીવો(macrobenthos) કહે છે. તેમાં બહુલોમી કૃમિ, પરશુપાદ (pelecypod), એન્થોઝોઅન, શૂળચર્મી, વાદળી, ઍસિડિયન અને સ્તરકવચીનો પ્રભાવ જોવા મળે છે. અર્ધ-નિતલસ્થ સજીવો(meiobenthos)નું કદ 0.1 મિમી.થી 1.0 મિમી. સુધીનું હોય છે. તેમાં બહુલોમી, પેલીસીપૉડ, કોવપૉડ, ઑસ્ટ્રેકોડ, ક્યુમેસિયન, સૂત્રકૃમિ, ટર્બેલેરિયન અને ફોરામિનિફેરનનો સમાવેશ થાય છે. સૂક્ષ્મ-નિતલસ્થ સજીવો (microbenthos) 0.1 મિમી.થી નાના હોય છે. તેમાં જીવાણુઓ, ડાયેટૉમ્સ, સિલિયેટ, અમીબા અને કશાધારી (flagellate)નો સમાવેશ થાય છે.
સમુદ્રતટની નજીક ઉત્પાદકો તરીકે બહુકોષી દરિયાઈ તૃણકો જોવા મળે છે; મોટે ભાગે તેઓ ખડક સાથે અથવા છીછરા પાણીના સખત તળ સાથે સ્થાપનાંગ (holdfast) વડે જોડાયેલ હોય છે. અલ્વા, એન્ટરોમૉફા, કોર્લેપા, બ્રાયોપ્સીસ, સ્યુડોબ્રાયોપ્સીસ જેવી હરિતલીલ; ઍક્ટોકાર્પસ, સરગાસમ, લેમિનારિયા, ફ્યુક્સ, મેક્રોસિસ્ટીસ, લેસોનિયા, પોસ્ટેલેસીઆ, સિસ્ટોસેઇરા, ઝોનારિયા, કોર્ડા, કટલારિયા અને નીરીઓસિસ્ટીસ જેવી બદામી હરિતલીલ; ગોનીઓટ્રાઇકમ, બેન્ગીઆ, પોરફીરા, નેમેલિયોન, સિરામિયેમ, પૉલિસાઇફોનિયા, ડિલીઝેરિયા, પ્લોકેમિયમ, કોરેલીના, લિથોથેમ્બિયોન, ગેલીડિયમ, ગ્રેસીલારિયા અને રહોડીમેનિયા જેવી લાલ હરિતલીલ જોવા મળે છે. લાલ હરિતલીલ સૌથી વધારે ઊંડાઈએ જોવા મળે છે. બદામી હરિતલીલ અને લાલ હરિતલીલમાં ક્લૉરોફિલ ઉપરાંત, બદામી અને લાલ રંગનાં રંજકદ્રવ્યો હોય છે. આ રંજકદ્રવ્યો લીલાશ પડતા પીળા પ્રકાશનું શોષણ કરે છે, તેના કારણે પ્રકાશ વધારે ઊંડાઈએ પહોંચે છે.
નિતલસ્થ સજીવો માટેનો ખોરાકનો મુખ્ય સ્રોત પ્લવકો (planktons) અને ભૂમિ પરથી આવતા સડતા સેન્દ્રિય પદાર્થો છે. છીછરા પાણીમાં જ્યાં તલપ્રદેશ સુધી પ્રકાશ પહોંચે છે ત્યાં મોટી લીલ અને સપુષ્પ વનસ્પતિઓ અગત્યની છે. પ્રકાશસંશ્લેષી ડાયેટોમ પણ ખોરાક માટેનો મહત્વનો સ્રોત છે. સખત અને રેતાળ આધારતલ પર મુખ્યત્વે વાદળી અને પરશુપાદ (pelecypods) થાય છે. તેઓ સમુદ્રના નિલંબનમાંથી પોષણ મેળવે છે. મૃદુતલમાં બહુલોમી જેવા નિક્ષેપપોષકોનો પ્રભાવ જોવા મળે છે. માછલીઓ, તારામત્સ્ય, ગોકળગાય, શીર્ષપાદ (cephalopods) અને મોટાં સ્તરકવચી મહત્વના ભક્ષકો અને અપમાર્જકો (scavengers) છે.
સમુદ્રતલીય સજીવોની વિવિધતા અને વિપુલતાનો આધાર અક્ષાંશ, ઊંડાઈ, પાણીનું તાપમાન, લવણતા તેમજ આધારતલની પ્રકૃતિ જેવી સ્થાનિક પરિસ્થિતિઓ અને ભક્ષણપ્રવૃત્તિ અને સ્પર્ધા જેવાં જૈવિક પરિબળો પર રહેલો છે. છીછરા પાણીમાં ઝડપથી પરિવર્તન પામતું ભૌતિક પર્યાવરણ જૈવિક પરિબળોનું મહત્વ ઘટાડે છે. અધિ-પ્રાણીસમૂહના પ્રમાણમાં અંત:-પ્રાણીસમૂહનું પર્યાવરણ ઓછું પરિવર્તનશીલ છે.
આંતર-ભરતી પ્રદેશમાં ભૂત-ઝિંગા (Callianassa), બિલકારી સમપાદ(burrowing isopod-chiridotea), બિલકારી ઉભયપાદ (burrowing amphipod – haustorius), બહુલોમી કૃમિ, બાર્નેકલ, સીપ (Ostrea), શંબુ (mussels – Mytilus), સમુદ્રફૂલ (Aiptasia), સમુદ્રગોટા (Orbacia) અને પરવાળાં (Leptogorgia oculina) જોવા મળે છે, જ્યારે ઊંડા કિનારામાં મોલ ક્રેબ (Emerita), બીચ ક્લેમ (Donax) વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
ઉપ-ભરતી પ્રદેશમાં સૅન્ડ ડૉલર (Mellita), બિલકારી ઝિંગા (Ogyris), એસિડિયન (Thyone), હૃદય-છીપ (Cardium), ઑલિવ શેલ (Oliva), રેતી-અરિત્રપાદ, (sand copepod), સી પેન્સી (Renilla) વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
તટજલીય (neretic) રેતમાં વિશ્રામી સ્થિતિમાં Ocypode, Callianassa, Lysiosquilla, Arenaeus, Emerita, Ovalipes, Calappa, Lepidopy, Ogyris, Callinectes, બિલકારી સ્તરકવચી વગેરે જોવા મળે છે. બિલકારી જઠરપાદ (gastropods)માં ઑલિવા, સાઇનમ, પૉલિનીસીસ અને છીપમાં કાર્ડિયમ, ડોનેક્સ તથા વિનસ જોવા મળે છે. તટજલીય પ્રદેશના કાદવમાં બિલકારી જઠરપાદ ટેરેબ્રા, નેઝેરિયસ અને છીપમાં ટેજીલસ અને નેક્રોકેલિસ્ટા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે અહીં સૂર્યપ્રકાશ પાણીની અમુક જ ઊંડાઈ સુધી પહોંચે છે. પાણી અગાધ ઊંડું હોય ત્યાં ફક્ત ઉપભોક્તા જ વસે છે, ઉત્પાદકો નહિ. અહીં પ્રકાશસંશ્લેષણનો દર પણ પાણીની સપાટીથી જેમ ઊંડા ઊતરતા જઈએ તેમ ઘટતો જાય છે. જોકે ક્યારેક ખાસ કરીને લીલ જેવા અમુક ઉત્પાદકોમાં તે પ્રમાણે અનુકૂળ થવા રંજકકણો આવેલા હોય છે; પરંતુ, જેમાં ઊંડા જઈએ તેમ વધારાના પ્રકાશની તીવ્રતા ઘટતી જાય છે અને પ્રકાશ વધારે ઊંડાઈએ પહોંચતો જ નથી.
બળદેવભાઈ પટેલ