જલકાચ (water glass) : પરિવર્તી સંઘટનવાળો સોડિયમ સિલિકેટ અથવા દ્રાવ્યકાચ. તેના સ્ફટિક જેવા રંગવિહીન ગઠ્ઠા સફેદથી ભૂખરા સફેદ રંગના હોય છે તથા કાચ જેવા દેખાય છે. તેને પાણીમાં ઓગાળતાં સિરપ જેવું ઘટ્ટ પ્રવાહી બને છે. તેનાં કેટલાંક સ્વરૂપો અતિ અલ્પ દ્રાવ્ય તથા કેટલાંક અદ્રાવ્ય પણ હોય છે. વધારે પાણી કરતાં થોડાક પાણીમાં તે વધુ ઝડપથી ઓગળે છે. દબાણ હેઠળ પણ તે પાણીમાં સારી રીતે ઓગળી જાય છે. તેનાં દ્રાવણો જળવિભાજનને લીધે પ્રબળ આલ્કલીય હોય છે. જલકાચનાં જુદાં જુદાં સ્વરૂપો માટે રાસાયણિક સૂત્રો Na2SiO3, Na6Si2O7 તથા Na2Si3O7 છે. કેટલાક જલકાચ ખનિજ તરીકે પણ મળી આવે છે.
ક્વાર્ટ્ઝનું સોડિયમ હાઇડ્રૉક્સાઇડ કે સોડા ઍશ સાથે ગલન કરતાં અથવા ક્વાર્ટ્ઝને દબાણ હેઠળ કૉસ્ટિક સોડા સાથે ગરમ કરવાથી જલકાચ મળે છે. Na2CO3 (સોડા ઍશ) અને SiO2નું ભઠ્ઠીમાં ગલન કરતાં મળતી નીપજોમાં Na તથા Siનું પ્રમાણ 4:1થી 1:4 સુધી હોય છે. Na2SiO3 સૂત્ર સોડિયમ મેટાસિલિકેટ દર્શાવે છે. Na તથા Siના 3.2થી 4ના પ્રમાણવાળા પદાર્થને જલકાચ કહે છે. જલકાચ સૂકા પાઉડર તરીકે, અસ્ફટિકી જથ્થા તરીકે અથવા સિરપ જેવા પ્રવાહી સ્વરૂપે વેચાય છે. વ્યાપારિક ઉદ્યોગ માટેના જલકાચમાં Na2SiO3 સાથે વિવિધ પ્રમાણમાં SiO2 હોય છે. જેમ જેમ તેમાં SiO2 ઉમેરાતો જાય તેમ તેની આલ્કલીયતા ઘટે છે.
જલકાચના ઉપયોગો : સરાણનો પથ્થર તથા અપઘર્ષક ચક્રો બનાવવા તે બંધકારક તરીકે વપરાય છે. કાચ કે ચિનાઈ માટી માટે તે સિમેન્ટ તરીકે તથા કેટલાક ઔદ્યોગિક તેમજ છાપકામના પ્રક્રમોમાં વપરાય છે. સિલિકા જેલ તથા આસંજક બનાવવા, ધાતુ સાફ કરવા, પ્રક્ષાલક ઉદ્યોગમાં, સાબુ-ઉદ્યોગમાં પૂરક તરીકે (સાબુનું વજન વધારવા), લાકડાને અગ્નિરોધક તેમજ જલરોધક બનાવવા, ઉષ્મારોધક સિમેન્ટ બનાવવા, પેપર તથા કાપડઉદ્યોગમાં પરિરક્ષક આવરણ તથા જ્વાળા અવરોધક તરીકે પણ તે વપરાય છે. અગાઉ યુરોપમાં જલકાચનું દ્રાવણ (40 % Na2Si3O7) ઈંડાંની જાળવણી માટે ઘરગથ્થુ વપરાશમાં લેવાતું હતું.
જ. પો. ત્રિવેદી