જરાયુ (placenta) : સ્ત્રીકેસર(pistil)ની વક્ષસીવને અંડકો(જે ફલન બાદ બીજમાં પરિણમે છે.)ના ઉદભવનું સ્થાન. પ્રજનન માટે રૂપાંતરિત થયેલા પર્ણને સ્ત્રીકેસર કહે છે. બીજાશયમાં જરાયુ કે જરાયુઓનો ઉદભવ અને તેમની ગોઠવણીને જરાયુવિન્યાસ (placentation) કહે છે. સપુષ્પ વનસ્પતિઓના વર્ગીકરણમાં જરાયુવિન્યાસનું અત્યંત મહત્વ છે. બીજાશયની દીવાલની ધાર જ્યાં જોડાય ત્યાં વક્ષસીવને જરાયુ ઉત્પન્ન થાય છે, જેના પર અંડક ઉદભવે છે. આ પ્રકારના જરાયુવિન્યાસને ધારાવર્તી(marginal) જરાયુવિન્યાસ કહે છે (દા.ત., વાલ, વટાણા, ગુલાબ); પરંતુ દ્વિ કે બહુયુક્ત સ્ત્રીકેસરી સ્ત્રીકેસરચક્રમાં તેની ગોઠવણી વિવિધ રીતે થયેલી હોય છે.
જુદાં જુદાં સ્ત્રીકેસરોની ધારો જ્યાં જોડાય ત્યાં બીજાશયની અંદરની દીવાલ પર જરાયુઓ ઉદભવે તો ચર્મવર્તી (parietal) જરાયુવિન્યાસ કહે છે (દા.ત., કોળું, પપૈયું). સ્ત્રીકેસરોની ધારો બીજાશયની અંદરની તરફ વળીને જોડાય તો કેન્દ્રસ્થ અક્ષ બને; આ અક્ષ પર જો જરાયુઓ ઉદભવે તો તેને અક્ષવર્તી (axial) અને જરાયુવિન્યાસમાં બનતા પડદા અપકર્ષ પામે તો તેને મુક્ત કેન્દ્રસ્થ (free central) જરાયુવિન્યાસ કહે છે (દા.ત., લૂણીની ભાજી, ડાયન્થસ). જો જરાયુ બીજાશયના તલપ્રદેશમાં ઉદભવે તો તેને તલસ્થ જરાયુવિન્યાસ કહે છે (દા.ત., સૂર્યમુખી). જો બીજાશયની અંદરની કિનારીએ કે તેના પડદા પર જરાયુઓ વીખરાયેલાં હોય તો તેને બહિ:સ્થ જરાયુવિન્યાસ કહે છે (દા.ત., પોયણું). તલસ્થ જરાયુવિન્યાસ સૌથી વધારે ઉદવિકાસ પામેલો ગણાય છે.
બળદેવભાઈ પટેલ