જરદાલુ : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Prunus armeniaca Linn. (હિં. જરદાલુ, અં. કૉમન ઍપ્રિકૉટ) છે. તે મધ્યમ કદનું, 10 મી. જેટલું ઊંચું, રતાશ પડતી છાલવાળું વૃક્ષ છે; અને ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં  ખાસ કરીને કાશ્મીર, ચિનાબ અને કુલુની ખીણોમાં તથા સિમલાની ટેકરીઓ પર લગભગ 3000 મી.ની ઊંચાઈ સુધી તેનું પ્રાકૃતિકીકરણ (naturalization) થયેલું છે. પર્ણો સાદાં, અંડાકારથી માંડી ગોળ-અંડાકાર કે કેટલીક વાર ઉપ-હૃદયાકાર (sub-cordate) અને 5–9 સેમી. જેટલાં લાંબાં તથા 4–5 સેમી. પહોળાં, ઘટ્ટ ચળકતાં લીલાં હોય છે. પુષ્પો ગુલાબી, સફેદ અને એકાકી હોય છે. માર્ચ–એપ્રિલમાં પર્ણો કરતાં પુષ્પો વહેલાં દેખાય છે. ફળ 5 સેમી. જેટલા વ્યાસવાળું ગોળાકાર, કાચું હોય ત્યારે રોમિલ અને પાકે ત્યારે લગભગ અરોમિલ (glabrous). તેની છાલ પીળાશ સાથે લાલાશ પડતા મિશ્ર રંગવાળી હોય છે. ગર પીળો કે પીળાશ પડતો નારંગી રંગનો અને મીઠો તથા ચપટા કઠણ ઠળિયામુક્ત હોય છે. ઠળિયો સુંવાળી સપાટીવાળો અને એક ધારવાળો હોય છે. મીંજ કેટલીક જાતમાં મીઠી તો અન્ય જાતમાં કડવી હોય છે.

આકૃતિ 1 : જરદાલુ. (અ) પુષ્પ સહિતની શાખા, (આ) ફળ સહિતની શાખા

વિતરણ : જરદાલુ ચીન અને મધ્ય એશિયાઈ પ્રદેશની મૂલનિવાસી વનસ્પતિ છે; જ્યાંથી તેનો ભારત, ઈરાન, ઇજિપ્ત અને ગ્રીસમાં આર્મેનિયા થઈને પ્રસાર થયો છે. ભારતમાં અમેરિકા અને યુરોપની કેટલીક જાતોનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જરદાલુનું દક્ષિણ ભારતમાં સફળ વાવેતર થઈ શક્યું નથી.

દુનિયાના સમીશીતોષણ પ્રદેશોમાં જરદાલુનું વાવેતર થાય છે. તે હિમસંવેદી હોવાથી હૂંફાળા સમશીતોષ્ણ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જરદાલુનું દક્ષિણ ભારતમાં સફળ વાવેતર થઈ શક્યું નથી.

દુનિયાના સમશીતોષ્ણ પ્રદેશોમાં જરદાલુનું વાવેતર થાય છે. તે હિમસંવેદી હોવાથી હૂંફાળા સમશીતોષ્ણ વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જરદાલુનું વ્યાપારિક ઉત્પાદન કરતા દેશોમાં ઉત્તર અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, મોરોક્કો, તુર્કી, ઈરાન, આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. મોટા ભાગનાં ફળો સૂકી, હિમશીતિત (frozen), ડબ્બાબંધ (canned) કે ગર-સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે.

જાતો : જરદાલુની ઘણી જાતો છે. તે પૈકી મહત્વની જાતોમાં કાળું કે જાંબલી જરદાલુ (Prunus dasycarpa syn. P. armeniaca var. dasycarpa), રશિયન કે સાઇબેરિયન જરદાલુ (P. sibirica), જાપાની જરદાલુ (P. mume) અને મંચુરિયન જરદાલુ(P. mandschurica)નો સમાવેશ થાય છે. આ બધી જાતોનાં ફળો P. armeniaca  કરતાં નાનાં અને હલકી કક્ષાનાં હોય છે. કાળી કે જાંબલી જાતનાં કાષ્ઠ અને કલિકા સખત હોય છે. સાઇબેરિયન અને મંચુરિયન જાત આમૅનિયેકા કરતાં વધારે ઠંડી સહન કરી શકે છે. મંચુરિયન જાત 45o સે. તાપમાન સહી શકે છે. જાપાની જાત તેના ફળ ઉપરાંત શોભાની વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે.

જરદાલુની વિવિધ કૃષિ જાતો : હિમાલયમાં જુદી જુદી ઊંચાઈએ સફળતાપૂર્વક ઉછેરવામાં આવે છે. ‘ન્યૂલાર્જ અર્લી’, ‘શિપ્લે અર્લી’, ‘ચર્માઘઝ’, ‘ટર્કી’, ‘મૂરપાર્ક’, ‘કૈશા’, ‘સેન્ટ અમ્બ્રોઇસ’ અને ‘રૉયલ’ ઉત્તરપ્રદેશના પહાડી વિસ્તારોમાં; ‘કૌશા’, ‘ન્યૂ કૅસલ’, ‘સફેદ પરચિનાર’ અને ‘લડાખી’ હિમાચલ પ્રદેશમાં ઉગાડવામાં આવે છે. ‘ચર્માઘઝ’નો ગર મીઠો હોય છે.

વાવણી : ઉનાળામાં મધ્યમસરનું તાપમાન ધરાવતા વિસ્તારોમાં 850-1700 મી.ની ઊંચાઈએ જરદાલુ સારી રીતે થાય છે. જરદાલુને છિદ્રાળુ, હલકી છતાં ફળદ્રૂપ, સારા નિતારવાળી ગોરાડુ જમીન વધારે માફક આવે છે. જંગલી જરદાલુ, આડૂ કે સતાલુ (Peach) (Prunus persica) કે માયરોબેલન પ્લમ (P.carasibera)ના મૂલકાંડ (rootstocks) પર ‘T’ કે ઢાલ (Shield) કલિકારોપણ દ્વારા પ્રસર્જન કરવામાં આવે છે. પાનખર કે વસંતઋતુની શરૂઆતમાં તૈયાર થયેલી કલમોને 6–8મી.ના અંતરે વાવવામાં આવે છે. રોપણ પછી શરૂઆતનાં વર્ષોમાં ખાસ કરીને સૂકી ઋતુમાં પિયત આપવામાં આવે છે. જરદાલુની ખાતરની જરૂરિયાત આડૂ જેવી જ હોય છે. વૃક્ષોની  છાંટણી રૂપાંતરિત મુખ્ય-અગ્રપ્રરોહ-પદ્ધતિ (central leader system) પ્રમાણે કરવામાં આવે છે. તેની શાખાઓની અતિશય વૃદ્ધિ થતી હોવાથી વધારાના પ્રરોહોની અને નવી વૃદ્ધિ ટૂંકાવવા માટે યોગ્ય છાંટણી થવી જરૂરી હોય છે. ફળનો બેસારો વધારે હોય ત્યારે દરેક શાખા પર બે કે ત્રણ ફળો રહે તે રીતે છાંટણી કરવામાં આવે છે. છાંટણી કરેલા પાકનાં ફળોનો સારો વિકાસ થતાં તે વધારે મોટાં ફળો આપે છે.

રોગો અને જીવાત : જરદાલુના કાષ્ઠને Nectaria cinnabarina  દ્વારા ‘પ્રવાલ-ટપકાં(coral spot)નો રોગ થાય છે. પાનનો બદામી ડાઘનો સડો Phyllosticta prunicola દ્વારા, અંત:કાષ્ઠનો પોચો સડો Polyporus hispidus દ્વારા અને બદામી ગેરુ Puccinia pruni-spinosae દ્વારા થાય છે. Pseudomonas sp. નામના બૅક્ટેરિયા દ્વારા ગુંદરાર્તિ (gummosis)  કે પ્રવ્રણ (canker)નો ગંભીર રોગ થાય છે. મુખ્ય થડ, ડાળીઓ અને ફળો પર પ્રવ્રણ ઉત્પન્ન થાય છે અને ગુંદરનાં મોટાં ટીપાંનો સ્રાવ થાય છે. ચેપ લાગે કે તુરત જ રોગિષ્ઠ કાષ્ઠને બાળી નાખવાથી આ રોગનું નિયંત્રણ કરી શકાય છે.’

Emperorrhinus defoliator નામના ધનેડાની જાતિ જરદાલુને ગંભીર નુકસાન પહોંચાડે છે. ચેફર ભૃંગ, Anomala polita પ્રરોહ અને પર્ણોને નુકસાન કરે છે. Lymantria obfuscata નામના ફૂદાની ઇયળ કેટલીક વાર સમગ્ર વૃક્ષનું વિપત્રણ (defoliation) કરે છે. સૂકાં ફળો પર આક્રમણ કરતા કીટકોમાં કરવત જેવા દાંતવાળા ભૃંગ (Oryzaephilus surinamensis) અને કૅલ્સિડ (Eurytoma samsonwi)નો સમાવેશ થાય છે. જરદાલુ પર આતપદાહ(sunscald)ની ખરાબ અસર થાય છે.

લણણી : જરદાલુ સ્વ-ફળદ્રૂપ (Self-fertile) વનસ્પતિ છે. વૃક્ષ 4–5 વર્ષનું થાય ત્યારે ફળ આપવાનું શરૂ કરે છે અને 30-35 વર્ષ સુધી ફળનો બેસારો સારા પ્રમાણમાં રહે છે. લણણી પહેલાં ફળ ખરવાની ક્રિયા ઘણી ગંભીર હોય છે. યોગ્ય રસાયણોના છંટકાવથી ફળપતનની ક્રિયાનું નિયંત્રણ કરી શકાય છે. ફળ તેનો લાક્ષણિક રંગ ધારણ કરે છતાં ગર કઠણ હોય ત્યારે મેથી જુલાઈમાં લણણી કરવામાં આવે છે; જેથી ફળોનું સરળતાથી પરિવહન કરી શકાય. છાંટણી કરેલો પાક વધારે મોટાં ફળો આપે છે. લણણી હાથથી કરવામાં આવે છે. પાકાં ફળો હલાવીને તોડવાથી ફળને ડાઘ પડે છે કે નુકસાન થાય છે.

આકૃતિ 2 : જરદાલુનાં બીજ સહિતનાં સૂકાં ફળો

ઉપયોગ અને રાસાયણિક બંધારણ : જરદાલુનાં ફળોની મોટા પાયે ડબ્બાબંધી (Canning) થાય છે અથવા તેમને સૂકવવામાં આવે છે. ફળોને હિમશીતિત (frozen) કે શર્કરારસિત (candied) કરવામાં આવે છે અથવા તેમનો માવો પણ બનાવવામાં આવે છે. જરદાલુના ગરને રાંધી કપડાં પર પાતળા પડ-સ્વરૂપે પાથરી તેનો વીંટો વાળી સૂકવવામાં આવે છે. આ સ્વરૂપે તે મહત્વનો આહાર બને છે. જંગલી જરદાલુનાં ફળો તેની સંવર્ધિત જાતનાં ફળો સાથે મિશ્ર કરી જામ, મધ અને પાપડ બનાવવામાં આવે છે. જંગલી જરદાલુનાં તાજાં ફળો પણ ખવાય છે.

તેના ઠળિયામાંથી મીંજ કાઢી લઈ તેમાંથી તેલ મેળવવામાં આવે છે. તેનો રાંધવામાં અને સળગાવવામાં ઉપયોગ કરવામાં આવે છે. તેની મીંજ બદામની જેમ જ ખવાય છે. તેનું તેલ બદામના તેલની અવેજીમાં વપરાય છે. તેલ કાઢી લીધા પછી રહેલા અવશેષનો ખાતર કે બળતણ તરીકે ઉપયોગ થાય છે. અવશેષમાંથી પ્રાપ્ત થતું બાષ્પશીલ તેલ કડવી બદામના અવશેષમાંથી મેળવેલા બાષ્પશીલ તેલ જેવું જ હોય છે.

જરદાલુ શર્કરાઓ અને વિટામિન ‘એ’નો સારો સ્રોત ગણાય છે. તે થાયેમિન અને આયર્નની ઠીકઠીક માત્રા ધરાવે છે. તાજાં ભારતીય જરદાલુ 86 % જેટલું ખાદ્ય દ્રવ્ય ધરાવે છે, જેમાં પાણી 85.3 %, પ્રોટીન 1.0 %, મેદ (ઈથર-નિષ્કર્ષ) 0.3 %, રેસો 1.1 %, અન્ય કાર્બોદિતો 11.6 % અને ખનિજદ્રવ્ય 0.7 %; કૅલ્શિયમ 20 મિગ્રા., ફૉસ્ફરસ 22 મિગ્રા., આયર્ન 2.2 મિગ્રા., વિટામિન ‘એ’ 3,600 આઈ. યુ., થાયેમિન 0.04 મિગ્રા., રાઇબૉફ્લેવિન 0.13 મિગ્રા.; નિકોટિનિક ઍસિડ 0.6 મિગ્રા., ઍસ્કૉર્બિક ઍસિડ 6.0 મિગ્રા. અને કૅલરી 53/100 ગ્રા. હોય છે. ફળમાં આયોડિન 0.48 માઇક્રોગ્રામ/100 ગ્રા. હોય છે.

જરદાલુના ગરમાંથી બનાવાયેલો શિશુ-આહાર પોષક હોય છે અને કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને આયર્નનો સારો સ્રોત છે. જરદાલુનું મધ પ્રખ્યાત પીણું ગણાય છે. ફળનું બાષ્પન કરી પાકાં પોચાં ફળોની પૂરી બનાવી તેને ખાંડની ચાસણી અને થોડાક સાઇટ્રિક ઍસિડ સાથે મિશ્ર કરી મધ તૈયાર કરવામાં આવે છે. તેને નારંગી કે અનેનાસ જેવાં ખાટાં ફળોના રસ સાથે પણ મિશ્ર કરી શકાય છે.

સુરેન્દ્ર દવે

બળદેવભાઈ પટેલ