જરખ : માંસાહારી (Carnivora) શ્રેણીના હાયેનિડે કુળનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ Hyaena hyaena Linn. અંગ્રેજી : Indian Hyaena. તે કૂતરાની જેમ હંમેશાં નખ બહાર રાખે છે. તેને પગદીઠ ચાર આંગળીઓ હોય છે. બાંધો કૂતરા જેવો. બિલાડીની જેમ મોં પર મૂછ; આગલા પગ સહેજ ઊંચા, પાછળના પગ પ્રમાણમાં ટૂંકા; પૂંછડી ટૂંકી. લંબાઈ આશરે 1.75 મીટર, જ્યારે સરેરાશ ઊંચાઈ 0.75મી. હોય છે. વિચિત્ર પ્રકારે હસવા જેવો અવાજ કાઢે તે જરખની ખાસિયત છે. ગુજરાતમાં તે જોવા મળે છે. ઉત્તર ગુજરાતના તારંગા અને પાલનપુર જેવા પ્રદેશમાં તે વિશેષ જોવા મળે છે. કચ્છમાં પણ જરખ વિપુલ પ્રમાણમાં વાસ કરે છે. ડુંગર પર અને ઊંડી ખીણોમાં તે રહે છે. ઘણી વાર તે ઊંચા ઘાસનો આશરો લઈને ત્યાં છુપાય છે.
જરખ નિશાચર પ્રાણી છે. રાત્રિ દરમિયાન તે ખોરાક શોધવા બહાર નીકળે છે. મરેલાં ઢોર પર અને વાઘ જેવાં પ્રાણીઓએ છાંડેલ ખોરાક પર તે જીવે છે. ખોરાકમાં મુખ્યત્વે હાડકાં જેવા સખ્ત ભાગો તે ખાય છે. જડબાં અને તીક્ષ્ણ દાંતની મદદથી તે ભાગના ટુકડા કરીને ખાય છે અને પચાવે છે. વધેલા ખોરાકને નિવાસસ્થાને લઈ જાય છે. સંજોગવશાત્ તે કૂતરા, બકરું કે વાછરડું જેવાં પ્રાણીઓને મારીને પણ ખાય છે.
શિયાળામાં જરખ પ્રજનન કરે છે. બચ્ચાં ઉનાળામાં જોવામાં આવે છે. માદા બચ્ચાંની સંભાળ લે છે.
જરખનું આયુષ્ય આશરે 16 વરસનું છે.
મ. શિ. દૂબળે