જયસિંહ, સિદ્ધરાજ (જ. 1091; અ. 1142) : અણહિલ્લપુર પાટણનો સુપ્રસિદ્ધ 6ઠ્ઠો ચૌલુક્ય (સોલંકી) રાજવી. તે કર્ણદેવની મહારાણી મયણલ્લા(મીનળ)ને પેટે અવતરેલો હતો. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા પ્રમાણે જયસિંહ 3 વર્ષનો હતો ત્યારે રાજસભાના સિંહાસન ઉપર ચડી બેઠો એને સુમુહૂર્ત ગણી કર્ણે જયસિંહનો રાજ્યાભિષેક (1094) કરેલો અને પોતે સાબરમતીને તીરે આવેલા આશાવલમાં આવ્યો ને ત્યાં વર્ચસ્ જમાવી આશાવલને પશ્ચિમ ભાગે અડીને આવેલી સાબરમતીના કાંઠા સુધીની ખુલ્લી પડેલી (આજના જમાલપુરની) જમીનમાં ‘કર્ણાવતી’ નગર વસાવ્યું. બીજા મંતવ્ય પ્રમાણે તે પુખ્તવયે આશરે સોળ વરસે ગાદીએ બેઠો. આ મંતવ્ય પ્રમાણે તેનો જન્મ આશરે 1078માં થયો હશે. દક્ષિણ ભાગે કર્ણસાગર (આજનું કાંકરિયું), કર્ણેશ્વર (આજના કર્ણમુક્તેશ્વર) મહાદેવનું મંદિર અને નદીના પશ્ચિમ કાંઠે જયંતીદેવીનું મંદિર (આજના સંસ્કાર કેન્દ્રની જમીન ઉપર) તૈયાર કરાવી ત્યાં રહી જીવન ગુજારતો રહ્યો.
મયણલ્લાએ બાળ જયસિંહને ઉછેર્યો, કર્ણના ભત્રીજા દેવપ્રસાદના પુત્ર જયસિંહદેવે પોતાના પુત્રની જેમ જયસિંહને શાસકીય શિક્ષણથી સમૃદ્ધ કર્યો. એ સમયે મંત્રી-પદે સાંતૂ મહેતા નામનો વણિક હતો. જયસિંહના સમયમાં ચૂડાસમાઓની રાજધાની વંથળીમાંથી જૂનાગઢ(એ વખતના સોનરેવાના બંને કાંઠા ઉપરના ગિરિનગર)માં આવી હતી. સૌરાષ્ટ્રમાં ચૂડાસમા રાજવીઓ પ્રબળ હતા તેથી ચૌલુક્યો અને ચૂડાસમાઓ વચ્ચે સંઘર્ષ થયા કરતો. જૂનાગઢના રા’ખેંગારની પ્રતિજ્ઞા હતી કે એક વાર પાટણનો દરવાજો તોડવો. એ રીતે એક વાર તે પાટણ ગયો, ત્યાં એણે પૂર્વ દરવાજો તોડી પાડ્યો અને રાણકદેવી નામની રાજપૂત કન્યાનો સંબંધ જયસિંહ સાથે ગોઠવાયેલો ત્યાં વચ્ચેથી રાણકદેવીને હરી રા’ખેંગાર પરણી ગયો. આ અપમાન અને પ્રભાસની યાત્રાને લગતી બીજી બાબતોને કારણે જયસિંહે જૂનાગઢ ઉપર ચડાઈ કરી. 12 વર્ષ ઘેરો રહ્યો. અંતે ખેંગારના 2 ભાણેજો ફૂટી જતાં ઉપરકોટનું પતન થયું ને ખેંગાર માર્યો ગયો. જયસિંહ રાણકદેવીને કેદ કરી લઈ પાટણ જતો હતો ત્યાં વઢવાણ પાસે રાણકદેવી અચળ રહી ખેંગાર પાછળ સતી થઈ.
દાહોદના 1146ના અભિલેખમાં જયસિંહે સૌરાષ્ટ્ર અને માળવાના રાજવીઓને કારાગૃહમાં નાખ્યાનો નિર્દેશ છે. સૌરાષ્ટ્રના વિજયથી ‘સિદ્ધ ચક્રવર્તી’ બિરુદ એને મળ્યું અને એ ‘સિદ્ધરાજ જયસિંહ’ તરીકે જાણીતો થયો. માળવાના રાજવીને કેદ કર્યાનો નિર્દેશ કુમારપાલના સમયની 1152ની વડનગર પ્રશસ્તિમાં છે. કવિ સોમેશ્વરે જયસિંહે સિંધુરાજને હરાવ્યાનું એના ‘સુરથોત્સવ’ કાવ્યમાં જણાવ્યું છે. એણે કોઈ બર્બરકનો પણ પરાભવ કર્યો હતો. ભિન્નમાલના પરમાર રાજા સોમેશ્વરને જયસિંહે જીતેલું એનું રાજ્ય પાછું આપ્યું હતું.
જયસિંહે ચૌલુક્ય રાજ્યનો સારો વિસ્તાર કર્યો. સાંસ્કૃતિક સિદ્ધિઓ પણ એના સમયમાં ઘણી વધી. ધંધૂકાના મૂળ વતની આચાર્ય હેમચંદ્રસૂરિ અને સોમેશ્વર જેવા મહા વિદ્વાનોને એના સમયમાં પ્રબળ પોષણ મળ્યું હતું. વિવિધ વિષયોના સંસ્કૃત ગ્રંથોની રચનાઓ આ અને બીજા વિદ્વાનોએ એના સમયમાં સાધી. ધર્મ તથા વિદ્યાકલાને ટોચ પર લાવનાર આ રાજવીને માટે પરદુ:ખભંજન વિક્રમાદિત્ય પર હતું તેવું માન લોકોને હતું.
કે. કા. શાસ્ત્રી