જયસિંઘાણી, શ્યામ [જ. 12 ફેબ્રુઆરી, 1937 ક્વેટા, બલૂચિસ્તાન (હાલ પાકિસ્તાનમાં)] : જાણીતા સિંધી નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, કવિ અને સંપાદક. તેમને તેમના નાટ્યસંગ્રહ ‘ઝિલઝિલો’(1998) માટે 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે.
તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. (ઑનર્સ) થયા. તેમણે જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ, મુંબઈમાંથી ફોટોગ્રાફીના અભ્યાસક્રમમાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવેલો. સિવિલ ડ્રાફ્ટમેનશિપમાં ડિપ્લોમા પ્રાપ્ત કરેલો. તેમણે 1987-88 દરમિયાન ત્રૈમાસિક ‘રચના’નું સંપાદન તથા 1990-91 અને 1993 તથા 1995માં મહારાષ્ટ્ર રાજ્ય સિંધી સાહિત્ય અકાદમીના વાર્ષિક પત્ર ‘સાહિત્યકાર’નું સંપાદન કર્યું હતું. તેઓ ફોટોગ્રાફિક સોસાયટી ઑવ્ ઇન્ડિયા અને ઑથર્સ ગીલ્ડ ઇન્ડિયા સાથે સંકળાયેલા હતા.
તેમણે 2 નવલકથાઓ, 6 વાર્તાસંગ્રહ, 3 કાવ્યસંગ્રહો, 1 નાટ્યસંગ્રહ, 2 ચૂંટેલી ટૂંકી વાર્તાઓના સંગ્રહો, 2 ચૂંટેલાં કાવ્યોનો સંગ્રહ અને 1 વિવેચનાત્મક નિબંધસંગ્રહ આપ્યાં છે. ‘નાગો આસમાન’ (1967), ‘ઠોંગો’ (1970), અને ‘મેલા જો સફર’ (1983) તેમના વાર્તાસંગ્રહો છે. અને ‘કાચા ધાગા’ (1966), ‘ખાહિયા જે ચૌતરફ’ (1976) તેમની નવલકથાઓ છે. તેમણે સુંદર સિંધી વાર્તાસંગ્રહ ‘ખંડહર’, ‘ઉફકા જી દુરી’ અને ‘મુહાજા’ કાવ્યોનું સંપાદન કર્યું છે. તેમણે સી.ટી. ખાનોલકરની મરાઠી નવલકથા ‘ચાની’નો સિંધીમાં અનુવાદ પણ કર્યો છે. શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના માનવસંસાધન વિકાસ મંત્રાલય અને મહારાષ્ટ્ર સિંધી સાહિત્ય તરફથી તેમને અનુક્રમે 1981, 1986 અને 1990માં પુરસ્કૃત કરવામાં આવ્યા છે. 1995માં તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી અનુવાદ-પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ઝિલઝિલો’ 7 નાટકોનો સંગ્રહ છે. કુદરતના પરિપ્રેક્ષ્યમાં માનવજીવનનું અનોખું ચિત્રણ તેમાં કરાયું છે. માનવીની એકલતા અને તેમાંથી સર્જાતી કરુણ ઘટના – એ તેનું પ્રધાન વિષયવસ્તુ છે. ગતિ અને ક્રિયાની અતિ સૂક્ષ્મ વિગતો રજૂ કરવામાં તેઓ સફળ રહ્યા છે.
બળદેવભાઈ કનીજિયા