જયશેખરસૂરિ (ચૌદમી સદી ઉત્તરાર્ધપંદરમી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના જૈન સાધુ. અંચલગચ્છના સ્થાપક આર્યરક્ષિતસૂરિની પરંપરામાં મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય. 1364માં આચાર્યપદ પ્રાપ્ત થયું. 1406 સુધીની એમની રચનાઓ મળે છે. ખંભાતની રાજસભાએ એમને ‘કવિચક્રવર્તી’નું બિરુદ આપેલું. ‘જૈન કુમારસંભવ’ નામક પોતાની રચનામાં તેમણે પોતાને ‘વાણીદત્તવર:’ તરીકે ઓળખાવેલ છે. સંસ્કૃત-પ્રાકૃતના પ્રખર જ્ઞાતા આ સાધુકવિના અનેક વિદ્વાન શિષ્યો હતા.
ગુજરાતી ભાષાનું પ્રથમ જ્ઞાનમૂલક રૂપકકાવ્ય ગણાતી 448 કડીના વિસ્તારવાળી ‘ત્રિભુવનદીપક-પ્રબંધ / પરમહંસ પ્રબંધ / પ્રબોધ ચિંતામણિ ચોપાઈ / અંતરંગ ચોપાઈ’ નામક રચના, એમની પોતાની જ મૂળ સંસ્કૃત રચના ‘પ્રબોધચિંતામણિ’ પર આધારિત છે. માયામાં ફસાયેલ જીવાત્મા વિવેકભાન થતાં એમાંથી કેવી રીતે છુટકારો મેળવે છે તેની કથા કહેતા આ પ્રબંધની રચનાશૈલીમાં કવિની ઉચ્ચ કવિપ્રતિભાનાં દર્શન થાય છે.
આ કવિએ રચેલ બે ‘નેમિનાથ-ફાગુ’માંથી 114 દુહામાં રચાયેલ પ્રથમ ‘નેમિનાથ-ફાગુ’ એમાંનાં વર્ણનોને લીધે રસપ્રદ બન્યો છે, જ્યારે બીજો ‘નેમિનાથ-ફાગુ’ પ્રથમ કાવ્યની સાદી ટૂંકી આવૃત્તિ જેવો છે. આ ઉપરાંત તેમણે દ્રુતવિલંબિત છંદમાં ‘અર્બુદાચલ-વિનતિ’, ‘મહાવીર-વિનતિ’, ‘પંચાસરા-વિનતિ’ જેવી વિનતિ, સ્તુતિ, ‘શત્રુંજય ચૈત્ર પ્રવાડી’ અને ‘ગિરનાર ચૈત્ર પ્રવાડી’ જેવી પ્રવાડી તથા ‘નેમિનાથ ધઉલ’ (ધોળ) આદિ પ્રકારની ઘણી રચનાઓ કરેલી છે. ‘શ્રાવક બૃહદતિચાર’ નામની એમની રચનામાં શ્રાવકધર્મનું વિવરણ છે.
આ જૈન સાધુકવિએ સંસ્કૃતમાં ‘પ્રબોધચિંતામણિ’ ઉપરાંત 1380માં 12,000 શ્લોકનો ગ્રંથ ‘ઉપદેશચિંતામણિ’ તથા તેની અવચૂરિ, ‘ધમ્મિલ મહાચરિત’, ‘જૈન કુમારસંભવ’ તથા પ્રાકૃતમાં ‘આત્મબોધકુલક’ વગેરે કૃતિઓ રચેલી છે.
વસંત દવે