જમીનધારાની સુધારણા

કૃષિક્ષેત્રના પરિવર્તન માટેનું અગત્યનું પાસું. આર્થિક રીતે આગળ વધેલા દેશોનો ઇતિહાસ દર્શાવે છે કે કૃષિક્રાંતિ માટે યંત્રવૈજ્ઞાનિક અને સંસ્થાકીય બન્ને પ્રકારનાં પરિવર્તન જરૂરી છે. સાધનના રોકાણમાંથી વધુ પ્રાપ્તિ થાય તેવી ઉત્પાદક પદ્ધતિઓ શોધાવી જોઈએ અને ખેડનારને અપનાવવા માટે જરૂરી વૃત્તિ અને શક્તિ ધરાવતો હોવો જોઈએ.

જમીનધારો જમીનની માલિકીના અધિકારને સ્પર્શે છે. જમીનની માલિકી એક અધિકાર નથી, તે અધિકારોનો સમૂહ છે. જમીન પ્રાપ્ત કરવાનો અધિકાર, તેને વારસામાં આપવાનો અધિકાર, જમીનને વેચવાનો ને ગીરે મૂકવાનો અધિકાર, તેના પર શ્રમ કરવાનો અને તેને ગણોતે આપવાનો અધિકાર, જમીનનું દાન કરવાનો અધિકાર, – આવા અનેક અધિકારોનો તેમાં સમાવેશ થાય છે. આ અધિકારો સમાજની ને રાજ્યની સ્વીકૃતિને કારણે ટકી રહે છે ને માણસો તે ભોગવી શકે છે. સ્વાભાવિક રીતે જ જમીન અંગેના અધિકાર અબાધિત હોઈ શકે નહિ. પરાપૂર્વથી સંમતિ આપતી વખતે સમાજે ને રાજ્યે તેના પર મર્યાદાઓ મૂકી છે ને આ મર્યાદાઓમાં રહીને માણસ પોતાના જમીન પરના અધિકારોને ભોગવે છે. આ મર્યાદાઓ ક્યારેક સામાજિક પ્રણાલિકાઓ ને કાનૂનોનું રૂપ પણ લેતી હોય છે.

સ્વાતંત્ર્ય બાદ ભારતની પ્રજાએ ને તેના પ્રતિનિધિરૂપ રાજ્યે સામાજિક ન્યાય સાથે આર્થિક વિકાસ સાધવાનું લક્ષ્ય સ્વીકાર્યું ત્યારે તેના અનુસંધાનમાં ઇતિહાસપ્રાપ્ત જમીનમાલિકીની વ્યવસ્થાને બદલવાનુંય જરૂરી બન્યું. આ ર્દષ્ટિએ સરકારે જે પ્રયત્ન કર્યા તેને સંક્ષેપમાં જમીનધારાની સુધારણા તરીકે ઓળખાવી શકાય.

ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુઘલ સલ્તનત પાસેથી જમીનમાલિકીની સ્થાનિક વિવિધતા ધરાવતી અનેક પ્રકારની વ્યવસ્થા વારસામાં મળી હતી. તેમાં રાજ્ય સર્વોચ્ચ જમીનદારના સ્થાને હતું. જમીનદારો, જાગીરદારો અને ઇનામદારો પોતાની રાજકીય તેમજ વહીવટી જવાબદારીઓ અદા કરે, રાજ્યના મહેસૂલને ઉઘરાવનાર તરીકે કામ કરે તે શરતે પોતાની જમીન ધારણ કરતા હતા. હકીકતમાં તેઓ તેમને ફાળવવામાં આવેલી જમીનના માલિક થઈ ગયા. કેટલીક જમીન તેઓ પોતે ખેડતા. આ સિવાયની જમીન તેઓ ભાગે ખેડવા આપતા. આ વર્ગમાંથી જ જમીન ધરાવતી પ્રબળ ઉમરાવશાહી ઉદભવી ને ગ્રામીણ સમાજમાં તેણે ઊંડાં મૂળ નાખ્યાં. જમીન ખેડનાર ખેડૂતને કેટલાક પ્રણાલિકાગત હક હતા ને પોતે ખેડતા હતા તે જમીનના તેઓ લગભગ માલિક જેવા હતા. તે આ જમીન પર કબજાનો કે ભોગવટાનો અધિકાર ધરાવતા હતા અને તેમનો આ અધિકાર હસ્તાન્તરણીય હતો. પ્રણાલિકા દ્વારા સાંથ મુકરર થતી હતી ને સામાન્ય પરિસ્થિતિમાં તે વધારાતી નથી.

બ્રિટિશ શાસકોએ આ પ્રથા અપનાવી ને તેમાં સુધારાવધારા કર્યા. તેમણે જમીનમાલિકીની વ્યવસ્થા અંગે જે પ્રયોગો કર્યા તેમાં તેમનો મુખ્ય હેતુ મહત્તમ જમીનમહેસૂલ મેળવવાનો હતો. તેમણે જમીનદારી ને રૈયતવારી પ્રથાઓ દાખલ કરી ને ખરેખર ખેડનારના પ્રણાલિકાગત અધિકારોનો છેદ ઉડાડ્યો. હરાજી દ્વારા વધુમાં વધુ જમીનમહેસૂલ આપવાનું સ્વીકારનારને જમીન આપવાના પ્રયોગ પછી બંગાળમાં મહેસૂલ ઉઘરાવનારાઓએ 1793 પછી કાયમી જમાબંધી સ્વીકારી. જમીનમાલિકી હક આપવામાં આવ્યા ને સરકારમાં જમા કરવાનું મહેસૂલ કાયમ માટે નિશ્ચિત કરી આપવામાં આવ્યું. જમીનદારો ખેડૂત પાસેથી વધુમાં વધુ કેટલી સાંથ લઈ શકે તે અંગેની કોઈ જોગવાઈ કરવામાં આવી નહોતી. ખેડૂતના ભોગવટાના અધિકારનેય રક્ષણ અપાયું નહોતું.

પંજાબ, વાયવ્ય પ્રાંત ને આંધ્રમાં મહાલવારી પદ્ધતિ તેમણે દાખલ કરી. તેમાં માલિકીહક તો ખેડૂતનો રહેતો પરંતુ જમીનમહેસૂલ ભરવાની જવાબદારી સામૂહિક રીતે ગામની રહેતી.

સમય સાથે સરકારને આ પ્રથાને કારણે વધતી જતી મહેસૂલની આવક ન મળી એટલે કાયમી જમાબંધી પદ્ધતિ ત્યજી દેવાઈ અને જમીનદારને જમીનમહેસૂલ ભરવા માટે જવાબદાર ગણવાનુંય સરકાર માટે ઓછું ને ઓછું સ્વીકાર્ય બન્યું. ઓગણીસમી સદીના આરંભમાં ચેન્નાઈ અને મુંબઈમાં રૈયતવારી પ્રથાનો સ્વીકાર કરવામાં આવ્યો. આ જમીનમાલિકીની વ્યવસ્થા સરકારને સ્થિર, ફાયદાકારક જણાઈ. તેમાંથી જમીનમહેસૂલ પણ વધતા જતા પ્રમાણમાં મળી શકે એમ હતું ને ખેતઉત્પાદન પણ આ વ્યવસ્થામાં કાંઈક અંશે સ્થિર બનતું હતું.

આ રીતે અપનાવવામાં આવેલી જમીનમાલિકીની વ્યવસ્થા સામંતશાહી કે અર્ધસામંતશાહી પ્રથાના પ્રકારાન્તર જેવી હતી. ભારતની સામંતશાહી ગુલામો કે કૃષિદાસ(serf)ના પાયા પર નહિ પરંતુ જમીનદારને સાંથ આપનાર ને પ્રણાલિકાગત કેટલીક સેવા આપનાર, દેખીતી રીતે સ્વતંત્ર ખેડૂતો પર રચાયેલી હતી. તેથી મોટા પાયા પર કોઈ પણ જાતના રક્ષણ વિનાની ગણોતિયા પદ્ધતિ ફેલાઈ. નાના જમીનમાલિકોને જમીનવિહોણા કરવામાં શાહુકારોએ પણ મોટો ભાગ ભજવ્યો. તેમણે જમીન પર ધિરાણ કર્યું, હિસાબોમાં ગોલમાલ કરી, ભારે વ્યાજ લીધું, દેવાદાર ઋણ અદા ન કરી શક્યો ત્યારે તેની જમીન તેમણે હસ્તગત કરી.

બ્રિટિશ શાસન દરમિયાન 1885ના બંગાળના ગણોતધારા જેવા જમીનધારાની સુધારણાનાં કેટલાંક પગલાં લેવાયાં પરંતુ તેની પાછળ ઉત્પાદન વધારવાની કે સામાજિક ન્યાયની ર્દષ્ટિ નહોતી. પોતાનો રાજકીય પ્રભાવ સુરક્ષિત રહે તથા બ્રિટિશ માલ ખરીદવાની ગ્રામીણ પ્રજાની શક્તિ એકદમ ઘટી ન જાય એટલું જ શાસકો જોવા માગતા હતા.

આ રીતે ઉદભવેલા ગ્રામ-સમાજમાં મોટા જમીનદારો ને અર્ધસામંત ગણાય તેવા જમીનમાલિકોનું પ્રભુત્વ હતું. જમીનદાર-ગણોતિયા ધરાવતી વર્ગરચના, જ્ઞાતિપ્રથા, જુનવાણી પ્રણાલિકાઓ ને વિચાર – આ સર્વ તેનાં લક્ષણ હતાં. ઉત્પાદનપદ્ધતિની સુધારણા માટે તેમાં ખાસ અવકાશ નહોતો. પુરાણી ઢબે ખેતી થતી હતી, શ્રમશક્તિનો મોટા પાયે દુર્વ્યય થતો હતો અને ખેતીમાંથી ઉદભવતી બચત બિન-ઉત્પાદક માર્ગે વેડફાતી હતી. એક તરફ પરાવલંબી જમીનદારો ને જમીનમાલિકોનો વર્ગ ઉદભવ્યો હતો, જમીનોની માલિકી તેના હાથમાં કેંદ્રિત થતી જતી હતી; બીજી તરફ જમીન મેળવવા વલખાં મારતા ભૂમિહીનોની સંખ્યા સતત વધતી જતી હતી. જમીન ખેડનાર માણસ ભારે સાંથ ચૂકવતો હતો, તે સાવ અરક્ષિત હતો, ગમે ત્યારે જમીનમાલિક કે જમીનદાર તેની પાસેથી જમીન છીનવી લઈને બીજાને સોંપી શકતો હતો. કરજનોય ભારે બોજો તેને શિરે હતો.

સ્વાતંત્ર્ય વખતે કૃષિસમાજ બીજા પાસે ખેતી કરાવતા જમીનદાર કે જમીનમાલિક, પોતાની માલિકીની જમીનને સ્વતંત્ર રીતે ખેડનાર ખેડૂત, ગણોતિયા અને ભૂમિહીન ખેતમજૂરનો બનેલો હતો.

સ્વાતંત્ર્યસમયે જમીનમહેસૂલની 3 વ્યવસ્થાઓ અસ્તિત્વમાં હતી : 1. જમીનદારી પદ્ધતિમાં જમીનદાર મહેસૂલ ભરવા માટે જવાબદાર હતો ને જમીનમહેસૂલની રકમ કાયમ માટે ઠરાવવામાં આવી હતી. 2. મહાલવારી પદ્ધતિમાં જમીનમાલિકી હકો ખેડૂતને અપાયા હતા પણ જમીનમહેસૂલ ભરવાની જવાબદારી સામૂહિક રીતે ગામની હતી. 3. રૈયતવારી પ્રથામાં જમીનમાલિકીના હક ખેડૂતને અપાયા હતા, જમીનમહેસૂલ તે ભરતો હતો ને જમીનમહેસૂલ સર્વે નંબરવાર નક્કી કરવામાં આવતું હતું ને સમયાન્તરે ક્યારેક 30 વર્ષે, ક્યારેક 40 વર્ષે તે પુનર્નિર્ધારણને પાત્ર હતું.

રાષ્ટ્રીય આગેવાનો ને પ્રબુદ્ધ જનતા આ પરિસ્થિતિ દેશની આર્થિક પ્રગતિના માર્ગમાં મુખ્ય અવરોધ છે એવા તારણ પર આવ્યાં હતાં. સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે ગ્રામીણ આર્થિક સંબંધોને પુનર્વ્યવસ્થિત કરવાની ને વિકાસ માટે અનુકૂળ બનાવવાની તક તેમને પ્રાપ્ત થઈ.

સ્વતંત્ર ભારતમાં જમીનધારાની સુધારણા અંગેની નીતિનો વિકાસ થયો છે તેના પર એક તો કૉંગ્રેસની નૅશનલ પ્લાનિંગ કમિટીએ 1945માં કરેલી ભલામણોનો પ્રભાવ રહ્યો છે. રાજ્ય અને ખરેખર જમીન ખેડનાર વચ્ચેના તમામ વચગાળાના વર્ગોને ઉચિત વળતર આપીને દૂર કરી રાજ્યે જમીનમાલિકીના હક પ્રાપ્ત કરવા જોઈએ એવી કમિટીએ મુખ્ય ભલામણ કરી હતી. જમીનધારા અંગેની સર્વાંગી વિચારણા કૉંગ્રેસની ‘અગ્રેરિઅન રિફૉર્મ્સ કમિટી’એ 1949માં કરી. એના અભિગમનો પ્રભાવ પછીની નીતિ પર નોંધપાત્ર રહ્યો છે. ‘કુમારપ્પા કમિટી’એ મૂડીવાદી ખેતી તેમજ રાજ્યહસ્તક ખેતી બન્નેનો અસ્વીકાર કર્યો હતો અને સ્વતંત્ર ખેડૂત દ્વારા થતી ખેતીના પાયા પર ગ્રામીણ સમાજ રચવાની તેણે ભલામણ કરી હતી. બળદની જોડ દ્વારા ખેડી શકાય તેટલી જમીનને તે (ખેડાણ ને માલિકી માટેનો) આર્થિક રીતે પોષણક્ષમ એકમ (economic holding) કહે છે. આવા 3 આર્થિક એકમ કરતાં વધુ જમીન જેમની પાસે હોય તે જમીન રાજ્યે લઈ લેવી જોઈએ અને તેની પુનર્વહેંચણી કરવી જોઈએ એવું તેનું મંતવ્ય હતું. બીજી રીતે કહીએ તો આ કમિટી ત્રણ આર્થિક એકમની ટોચમર્યાદા મૂકવાનું સૂચવે છે.

ભારત સ્વતંત્ર થયું ત્યાર પછી આરંભાયેલું મહત્વનું મૂળગામી સંસ્થાગત પરિવર્તન તે જમીનધારાની સુધારણા છે. તેનાં મુખ્ય અંગ આ પ્રમાણે છે : (1) ખેડૂત અને રાજ્ય વચ્ચેના જમીનદાર જેવા વચગાળાના વર્ગોની નાબૂદી; (2) જમીન ખરેખર ખેડનારને સલામતી બક્ષતા ગણોતધારા; (3) જમીનમાલિકી પર ટોચમર્યાદા મૂકી ફાજલ પડતી જમીનની પુનર્વહેંચણી; (4) ખેતમજૂરની સ્થિતિની સુધારણા; (5) ખેડનાર પાસેની જમીન અનેક નાનાં નાનાં ખેતરોમાં વહેંચાયેલી હોય છે તેનું એકત્રીકરણ; (6) જમીનની માલિકી ને ખેડહકને લગતાં સરકારી દફતરોમાં ખરેખર પ્રવર્તતી ને રોજબરોજ બદલાતી સ્થિતિની યોગ્ય નોંધ.

જમીનધારાની સુધારણા ભારતના બંધારણમાં મુખ્યત્વે રાજ્ય સરકારોના કાર્યક્ષેત્રમાં આવે છે. કેન્દ્ર સરકાર અવારનવાર પ્રગતિની સમીક્ષા કરે છે ને ભવિષ્યમાં શું કરવાનું છે તે અંગે એકરૂપતા સાધવાની ર્દષ્ટિએ માર્ગદર્શન આપે છે. આ કારણને લીધે કાનૂનો ને તેમના અમલમાં રાજ્યોએ નોખી નોખી સ્થિતિ અખત્યાર કરી છે તેવું જોવા મળે છે.

જમીનદારીનાબૂદી

જમીનદારી ને કાયમી જમાબંધીની પ્રથામાં રાજ્ય જમીનમહેસૂલ ભરવાની જવાબદારી જમીનદાર પર મૂકતું હતું ને જમીનમહેસૂલની રકમ કાયમ માટે નિશ્ચિત કરવામાં આવતી હતી.

બ્રિટનમાં જમીનદારોએ પોતાની જમીન મૂડીવાદી ધોરણે નફા માટે કામ કરતા ખેડૂતોને ગણોતે આપી અને તેમણે વાડાબંધીથી જમીનવિહોણા બનેલા ખેતમજૂરોની મદદથી આ જમીન પર આધુનિક ખેતી વિકસાવી. ભારતમાંય આ વિકાસક્રમ આરંભવાના હેતુથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બ્રિટિશ શાસકોએ પોતાને પરિચિત જમીનદારી દાખલ કરી હોય એ બનવાજોગ છે; પરંતુ ભારતમાં તેનાં પરિણામ જુદાં આવ્યાં. જમીનદાર ને જમીન ખરેખર ખેડનાર વચ્ચે વચગાળાના માણસોની એક શૃંખલા અહીં ઊભી થઈ. વચલા માણસો નીચેના માણસો પાસેથી સાંથ લેતા અને ઉપરનાને આપતા ને બે વચ્ચેના તફાવતને પોતાની આવક તરીકે મેળવતા. આ પરિસ્થિતિ માટે વધતી વસ્તી અને અન્ય વ્યવસાયોનો અભાવ જવાબદાર હતો. જમીનદાર ને વચગાળાનો વર્ગ પરાવલંબી ને આવકને મોજશોખમાં ઉડાવનાર બન્યો. ખેતીની સુધારણામાં તેણે રસ ન દાખવ્યો. કશી તકલીફ લીધા વિના આવક મેળવવાનું તેના માટે અહીં શક્ય હતું. આ સર્વનો ભાર જમીન ખેડનાર છેલ્લા માણસ પર હતો. ખેતીની સુધારણા કરવાની તેની શક્તિ કે વૃત્તિ નહોતી. પેટિયા સિવાયની બધી આવક કે ઉત્પાદન તે ઉપરના માણસોને આપતો હતો. ખેતીની સુધારણામાં રાજ્ય પણ રસ ધરાવતું નહોતું. તેને જમીનમહેસૂલમાંથી મળતી આવક સ્થિર હતી. ખેતીના વિસ્તારનો કે સુધારણાનો કોઈ લાભ તેને મળતો નહિ. જમીનદારી વ્યવસ્થા આ રીતે અન્યાયી ને અકાર્યક્ષમ હતી. તેની નાબૂદી અંગે સૌ એકમત હતા. તેને દૂર કરવાનું કામ પ્રમાણમાં ઝડપથી થયું. અસર પામનાર વર્ગે ન્યાયાલયનો આશરો લીધો ખરો પણ કાયદા સુધારીને સરકારે રસ્તો સરળતાથી કાઢ્યો.

1950ના દસકાના પૂર્વ ભાગમાં દેશની 40 % જમીન પર ફેલાયેલી જમીનદારી પ્રથાને દૂર કરવાના સરકારના પ્રયત્નને કારણે લગભગ 2 કરોડ ખેડૂતોને લાભ થયો. તેઓ સરકારના સીધા સંપર્કમાં આવ્યા. જમીનદારોના હાથમાંની ખરાબાની (wasteland) જમીનની માલિકી પણ રાજ્યને મળી. બંધારણીય માર્ગે આ પરિવર્તન આવ્યું. એટલે સરકારને જમીનદારોને રૂ. 670 કરોડનું કુલ વળતર ચૂકવવું પડ્યું.

કાયદાની છટકબારીઓનો લાભ લઈને જૂના જમીનદારો ઘરખેડ માટે જમીનદારી હેઠળની જમીનનો ગણનાપાત્ર ભાગ પોતાની માલિકી નીચે રાખી શક્યા હતા. છતાં જમીનદારીની નાબૂદી સ્વાતંત્ર્ય પછીની મોટી સિદ્ધિ છે તેની ના કહી શકાય નહિ. થોડુંઘણું કામ આ અંગે બાકી રહ્યું છે ને તે માટે મુખ્યત્વે ન્યાયાલયોમાં દાખલ કરવામાં આવેલા દાવા જવાબદાર છે. આંધ્રપ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસા ને પશ્ચિમ બંગાળમાં કેટલીક ઇનામી જમીન ને જાગીરોના અવશેષ હજી ચાલુ રહ્યા છે.

ગણોતધારા

જમીનદારી હતી ત્યાં જમીનદારો ગણોતિયા મારફતે ખેતી કરાવતા હતા. રૈયતવારી પ્રથામાં પણ જમીનમાલિકો જાતે પોતાની જમીન પર ખેતી કરવાને બદલે ગણોતિયાને તે સોંપી દેતા ને તેની પાસેથી મળતી સાંથની આવકમાંથી નિરાંતે બેઠાડું જીવન ગાળતા. ગામમાં કામ માગનાર ઘણા હતા ને વળી તેમની સંખ્યા વધતી જતી હતી. અન્ય વ્યવસાય હાથવગો નહોતો એટલે ખેડવા માટે જમીન મેળવવા માલિકોની બધી શરતો સ્વીકારવા માણસો તૈયાર થતા. ગણોતિયો સાંથ તરીકે જમીનમાલિકને આધભાગ આપતો. તેનાં કુટુંબીઓ જમીનમાલિકનાં અનેક નાનાંમોટાં કામ કરતાં. ગણોતિયાને જમીનમાલિક ગમે ત્યારે કાઢી મૂકી શકતો.

પંચવર્ષીય યોજનાઓમાં ગણોતિયાને રક્ષણ આપવા 4 માર્ગદર્શક સિદ્ધાંત સૂચવવામાં આવ્યા હતા : (1) સાંથ એકંદર ઉત્પાદનના 15 થી ​14 ભાગ કરતાં વધવી ન જોઈએ. (2) ગણોતે સોંપાયેલી તમામ જમીન માલિક પરત લઈ શકે નહિ. ગણોતિયો જમીન પર કાયમનો કબજો ધરાવશે. આમાં અપવાદ રાખવામાં આવ્યા હતા ખરા. (3) ગણોતિયાને તેની પાસેના માલિક દ્વારા પાછી ન લઈ શકાય તેવી જમીન પર માલિકીહક આપવા. (4) જમીનદાર/જમીનમાલિક ગણોતિયાના સંબંધને સમાપ્ત કરવો.

આજે નાગાલૅન્ડ, મેઘાલય અને મિઝોરમ સિવાયનાં તમામ રાજ્યોએ ગણોતધારા પસાર કર્યા છે. ચોક્કસ મુદતથી ગણોતિયા તરીકે કામ કરતો હોય તેને રક્ષણ આપવામાં આવે છે. ગણોતિયાને તે ખેડતો હોય તે જમીન પરથી જમીનમાલિક યથેચ્છ રીતે કાઢી મૂકી શકતો નથી. જમીનમાલિક ગણોતિયા પાસેથી કેટલી સાંથ લઈ શકશે તેની ઉપલી મર્યાદા રાજ્યે ઠરાવી છે અને કાયદામાન્ય રીતે ગણોતિયાને તે દૂર કરે ત્યારે જમીન પર કરેલી સુધારણા માટે વાજબી વળતર આપવાને માટેય જમીનમાલિક બંધાયેલો છે. ગણોતધારાએ ગણોતિયાને ત્રણ ‘એફ’ (fair tenure, fair rent, fair compensation) આપેલ છે એમ આથી કહેવાયું છે.

વળી, ઘણાં રાજ્યોમાં ચોક્કસ તારીખે પોતે જે જમીન મુકરર મુદતથી ખેડતો હોય તે ધોરણે ગણોતિયાને માલિકીહક આપવામાં આવ્યા છે. આ માટે ઠરાવવામાં આવેલ વળતરના હપતા ગણોતિયા પાસેથી રાજ્ય વસૂલ કરે છે ને તે જૂના જમીનમાલિકને ચૂકવે છે. ખેડે તેની જમીન એ સૂત્રને આમ સાકાર કરવામાં આવ્યું છે.

અહીં જમીનમાલિકને ઘરખેડ માટે ગણોતિયાના હાથમાંની જમીન સ્વહસ્તક લેવાનો મર્યાદિત અધિકાર આપવામાં આવ્યો છે. ગણોતધારાઓમાં જમીનમાલિક ને ગણોતિયાના અધિકારો વચ્ચે નાજુક સંતુલન જાળવવાનો રાજ્ય સરકારોએ પ્રયત્ન કર્યો છે. કાયદાઓ એને કારણે સંકુલ બન્યા છે.

વિધવાઓ, લશ્કરના જવાનો, સગીર બાળકો માટે આ કાયદાઓમાં ખાસ જોગવાઈઓ છે. આ વર્ગો પોતે જમીન ખેડી શકે એમ નથી એટલે તેઓ ગણોતિયા રાખી જમીન ખેડાવી શકે છે. આવા કિસ્સામાં ગણોતિયાને કાયદાએ આપેલું રક્ષણ તો રહે જ છે.

ગણોતધારા દ્વારા મળેલા હકોને ગણોતિયા મરજિયાત રીતે જતા કરી શકે છે. વળી, ગણોતકરારના પાલનમાં તે ચૂક કરે, સાંથ બરાબર ન ચૂકવે કે જમીનનું યોગ્ય જતન ન કરે તોપણ તેને ગણોતધારાની જોગવાઈ પ્રમાણે દૂર કરી શકાય છે.

ગણોતધારામાં ગણોતિયાને રક્ષણ આપવામાં આવ્યું છે. પણ ઘણાં રાજ્યોએ જમીન ભાગે ખેડનારનો ગણોતિયાની વ્યાખ્યામાં સમાવેશ કરેલ નથી.

આ કાયદાઓના અમલની ર્દષ્ટિએ રાજ્યો-રાજ્યો વચ્ચે ઘણો તફાવત જોવા મળ્યો છે. પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને કેરળમાં અન્ય રાજ્યો કરતાં આ ર્દષ્ટિએ પ્રગતિ સારી રહી છે.

ગણોતિયાને માલિકીહક ન મળે તે માટે જમીનમાલિકોએ પોતાની જમીનની માલિકી સગીર કે વિધવાના નામે કરી દીધી છે ને ગણોતધારાના અપવાદોનો પૂરો લાભ ઉઠાવ્યો છે. વળી તેમણે ઘરખેડમાં પણ કાયદાનુસાર લઈ શકાય તેટલી જમીન લીધી છે. ઘરખેડની વ્યાખ્યામાં ખેતર પર કામ કરવાની કે ખેતી પર દેખરેખ રાખવાનીય ફરજ જરૂરી મનાઈ નથી. જમીનમાલિકોના આર્થિક તેમજ સામાજિક દબાણ સામે ઝૂકી જઈને ઘણા ગણોતિયાઓએ પોતાને મળનાર માલિકીહકો મરજિયાત રીતે જતા કર્યા છે. જે રાજ્યોમાં ગણોતિયાઓ સંગઠિત છે ને સ્થાનિક કમિટી દ્વારા અમલીકરણ સાથે તેઓને સાંકળવામાં આવ્યા છે ત્યાં કાયદાનો અમલ સારી રીતે થયો છે. સાંથનિયમન પણ કાગળ ઉપર જ રહ્યું છે. એનો આગ્રહ રાખનાર ગણોતિયાને જમીન પરથી એક યા બીજી રીતે હાંકી મૂકવામાં આવે છે. ગણોતિયાને રક્ષિત દરજ્જો મળી ન જાય તેની જમીનમાલિકો પૂરી કાળજી રાખે છે. એક ને એક માણસને લાંબા સમય સુધી તેઓ જમીન સોંપતા જ નથી.

ખેડનારને ખાતરી રહે કે તેની જમીન પરની ખેતસુધારણાના પ્રયત્નનું ફળ તેને પોતાને મળશે એવી પ્રોત્સાહનપૂર્ણ જમીનધારાની વ્યવસ્થા ઊભી કરવાના ઉદ્દેશમાં ગણોતધારા આમ સફળ થયા નથી. વ્યાપક પ્રમાણમાં દેશમાં અરક્ષિત અને પ્રચ્છન્ન ગણોતિયાનો વર્ગ ઊભો થયો છે. કાનૂની રીતે જાતે ઘરખેડની જમીન પર ખેતી કરનાર માલિકના ચાકર તરીકે, વર્ષ માટે રોકાયેલા ખેતમજૂર તરીકે કામ કરનાર માણસ હકીકતે તો કોઈ પણ પ્રકારના કાનૂની રક્ષણ વગર કામ કરનાર ગણોતિયો જ હોય છે. જમીનમાલિકને તે ચોથા ભાગથી શરૂ કરીને પોણા ભાગ જેટલું ઉત્પાદન સાંથ તરીકે ચૂકવે છે. આ પ્રમાણનો આધાર જમીનમાલિક કેટલાં સાધનો ખેતીકામ માટે પૂરાં પાડે છે તેના પર છે. જો તે જમીન સિવાય બીજું કોઈ સાધન ગણોતિયાને ન આપે તો સાંથ ચોથા ભાગ જેટલી રહે. માલિક બધાં સાધન પૂરાં પાડે ને ગણોતિયાએ કે ચાકરે માત્ર મજૂરી જ કરવાની હોય તો સાંથ ઉત્પાદનના પોણા ભાગ જેટલી હોઈ શકે. એક અંદાજ પ્રમાણે દેશની ખેડાતી ત્રીજા ભાગની જમીનને આ પ્રચ્છન્ન ગણોતિયા ખેડે છે.

આ રીતે બીજા મારફત ખેતી કરાવનાર વર્ગમાં વિધવા, સગીર, લશ્કરના નિવૃત્ત જવાન, કાનૂની ર્દષ્ટિએ જમીનને ઘરખેડમાં લેનાર બેઠાડુ વર્ગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગણોતધારાને કારણે કે જમીનની પુનર્વહેંચણીને કારણે જમીનની માલિકી મળી હોય પણ સ્વતંત્ર ખેતી કરવાની શક્તિ કે વૃત્તિ ન હોય તેવા માણસોય પોતાની જમીન બીજાને ખેડવા આપી દે છે.

આ પ્રકારના ગણોત અંગેના લેખિત કરાર હોતા નથી. બધું મૌખિક સમજૂતીના આધારે ચાલે છે. ભારતનાં ગામડાંમાં ખેતી સિવાયનું ખાસ કામ નથી ને કામ શોધનાર ઘણા છે ને વધતા જાય છે એટલે જમીન ખેડવાની ને પેટિયા પૂરતુંય રળવાની તક મળે તે માટે જમીનમાલિકની ગમે તે શરતો સ્વીકારવા માણસો તૈયાર હોય છે. પ્રચ્છન્ન ગણોતિયાના વર્ગનો ઉદભવ આ પરિસ્થિતિનું પરિણામ છે. આ ગરજ ધરાવનાર વર્ગની સોદો કરવાની શક્તિ નહિવત્ છે. ખરેખર ખેતી કરનારને પોતાના અધિકારોની જાણ થાય અને તે આ અધિકારો માટેનો દાવો સબળ રીતે કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. આજની સ્થિતિમાં તો વ્યાપક અનૌપચારિક ગણોતિયા પ્રથાને કારણે ઊભી થતી અસલામતીને કારણે ગણોતિયાને, જમીન ભાગે ખેડનારને કે જમીનમાલિક્ધો ઉત્પાદન વધારવા જમીનમાં રોકાણ કરવાનું પ્રોત્સાહન રહેતું નથી.

બિહાર, તામિલનાડુ, આંધ્ર, પંજાબ, હરિયાણા અને ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં સવિશેષ રીતે, અરક્ષિત અને મૌખિક ગણોતિયાનો વર્ગ ઉદભવ્યો છે.

જમીનમાલિકીની ટોચમર્યાદા

ભારતમાં જમીનમાલિકી અસમાન રીતે વહેંચાયેલી છે. વ્યાપક આર્થિક અસમાનતાનો જ આ એક ભાગ છે. 10 એકર કરતાં ઓછી જમીનની માલિકી ધરાવનાર 86.5 % ગ્રામીણ કુટુંબ 40.5 % જમીન પર કાબૂ ધરાવે છે. બીજી બાજુ 20 એકર ને તેથી વધુ જમીન ધરાવનાર 5 % માલિકોના હાથમાં આશરે 36 % જમીન છે. આ સાથે વસ્તી વધતી જાય છે, અન્ય ક્ષેત્રો પ્રમાણમાં ખીલ્યાં નથી, એટલે તે ગ્રામવિસ્તારોમાં કામ શોધે છે.

આ સ્થિતિમાં વધુ જમીન ધરાવનાર માલિક પાસેથી જમીન લઈ તેને જમીનવિહોણા ગ્રામીણ ગરીબ વર્ગ, ખેતમજૂર, સીમાન્ત ખેડૂત વચ્ચે અગ્રિમતા પ્રમાણે વહેંચવામાં આવે તો ગરીબાઈની સમસ્યાના ઉકેલની દિશામાં નક્કર પગલું લઈ શકાય તેમ છે. ગરીબ આ જમીનમાંથી વધુ રોજગારી અને આવક મેળવી શકે.

ટોચમર્યાદાને લગતા કાયદા 1972ના રાષ્ટ્રીય માર્ગદર્શક સિદ્ધાંતો પ્રમાણે ગોવા અને પૂર્વોત્તર રાજ્યો સિવાયનાં તમામ રાજ્યોએ પસાર કર્યા છે. અહીં પણ ટોચમર્યાદાની સપાટી, તેમાંથી બાકાત રખાતી અપવાદરૂપ જમીનો, જમીનવહેંચણીના લાભાર્થીઓનો અગ્રિમતાક્રમ આ સર્વમાં વિવિધતા જોવા મળે છે. તેથી ટોચમર્યાદાના કાયદાના અમલનાં પરિણામો રાજ્યવાર નોખાં નોખાં જોવા મળે છે. સહુથી સારું પરિણામ પશ્ચિમ બંગાળમાં મળ્યું છે.

ટોચમર્યાદાને લગતા કાનૂનોની સામાન્ય ત્રુટિઓ જોઈએ : એક તો ટોચની મર્યાદા ઘણી ઊંચી રખાય છે, તેથી ઘણી ઓછી જમીન સરકારને વહેંચણી માટે મળે છે. વળી બગીચા-ઉદ્યોગ, ફળની વાડીઓ, આધુનિક ઢબે ખેડાતાં ખેતરો, દેવસ્થાનની જમીનોને ટોચમર્યાદાના કાયદા લાગુ પડતા નથી. જમીનોની આ ઉપયોગોમાં ફેરબદલી કરીને કાનૂનમાંથી છટકી શકાય છે. માલિકો ટોચમર્યાદાના કાયદા હેઠળ ફાજલ જાહેર થઈ શકે એવી જમીનોની માલિકીનું કુટુંબના સભ્યો વચ્ચે હસ્તાન્તર કરીનેય કાનૂનને નાકામિયાબ બનાવે છે. જમીનો મેળવનાર વર્ગોને ખેતીકામની ફાવટ નથી હોતી અથવા એમને તે માટે જરૂરી બીજાં સાધનો મળે એવી વ્યવસ્થા નથી હોતી ત્યારે તેઓ કાં તો મળેલી જમીન વેચે છે અથવા ગણોતે આપે છે. આમ ન બને તે માટે જમીન મેળવનારને જમીનવિકાસ માટે તેમજ અન્ય સાધનોની ખરીદી વગેરે માટે હેક્ટર દીઠ રૂ. 2500 આપવાની યોજના અમલમાં છે. નવી પ્રાપ્ત થયેલી જમીન પર નાનો ખેડૂત આધુનિક રીતે ખેતી કરી શકે તો જ તે ગરીબાઈની રેખાની ઉપર આવી શકે અને ખેત-ઉત્પાદન વધારી શકે.

ખેતમજૂર

બ્રિટિશ શાસનકાળ દરમિયાન ખેતમજૂરોની સંખ્યા વધી. નવી જમાબંધી પદ્ધતિઓ, ગ્રામોદ્યોગની પડતી, કૃષિવ્યવહારોનું વ્યાપારીકરણ, જનસંખ્યાની ને કામ માગનારાઓની સંખ્યાની વૃદ્ધિ આ સર્વ પરિબળ તેની પાછળ રહ્યાં હતાં. આ પ્રક્રિયા આજે પણ ચાલુ છે. 2001માં તેમની સંખ્યા લગભગ 11 કરોડની હતી.

ગરીબાઈની રેખા નીચે જીવનાર આ વર્ગની આર્થિક સ્થિતિમાં સ્વાતંત્ર્ય પછી થયેલી અર્થતંત્રની કે ખેતીની પ્રગતિને કારણે ઝાઝો ફેર પડ્યો નથી. જમીનધારાની સુધારણાનોય એમને ખાસ લાભ મળ્યો નથી. હરિયાળી ક્રાંતિ થઈ છે તે પ્રદેશોમાં પણ તેમની રોજીમાં ગણનાપાત્ર, એકધારી વૃદ્ધિ થઈ નથી. તેઓ વધુ આવક આપે તેવા વ્યવસાયો માટે તાલીમ મેળવી શક્યા નથી કે નથી તેમની પાસે સંગઠનની તાકાત. તેમની સ્થિતિ સુધારવા રાજ્યે આજદિન સુધી અસરકારક દરમિયાનગીરી પણ કરી નથી.

ખેતમજૂરોની વાસ્તવિક રોજી મોટા ભાગનાં રાજ્યોમાં ઝાઝી વધી નથી. તેમની આવક પેટિયા પૂરતી છે. મજૂરી ઉપરાંત ખેતમજૂરનાં કેટલાંક કુટુંબ જમીનમાંથી તો બીજાં કેટલાંક ગ્રામોદ્યોગમાંથીય થોડી આવક મેળવે છે. તેમાંનાં ઘણાં કુટુંબ દેવામાં જીવે છે. કેટલાક ખેતમજૂર જમીનમાલિક સાથે વેઠિયાની જેમ બંધાયેલા હોય છે.

સરકારે સ્થિતિ સુધારવા ખેતમજૂર માટે 1948થી ન્યૂનતમ વેતનધારો સ્વીકારેલો છે. આ રોજીના દર ઘણી વાર નીચા હોય છે. સમયાન્તરે તે સુધારવામાં આવતા નથી. ન્યૂનતમ વેતનધારાનો અમલ કરવાનું કામ ખેતીમાં ઉદ્યોગ જેટલું સરળ નથી. સમગ્ર દેશમાં પૂરા વર્ષમાં ન્યૂનતમ રોજી ચૂકવાય એ રીતે કાયદાનો અમલ થતો નથી. ઝૂંપડી બાંધવા ગામમાં પ્લૉટ તેમને આપવામાં આવે છે. તેમને માટે પૂરક વ્યવસાય ખીલવવાનો પ્રયત્ન થયો છે. ગરીબાઈની નાબૂદી માટેના તમામ કાર્યક્રમનો લાભ તેમને પણ મળે છે. દા.ત. ગ્રામીણ ક્ષેત્રમાં જુદાં જુદાં નામો નીચે રોજગારી માટેની કેન્દ્ર સરકારની યોજનાઓ અમલમાં મુકાતી રહી છે.

રોજગારીવર્ધક કાર્યક્રમ, ન્યૂનતમ રોજીના કાનૂનનો કડક અમલ, મકાન ને તે માટેની જમીનની ફાળવણી, ફાજલ જમીનની ને ખેતીનાં અન્ય સાધનોની વહેંચણી, તેમની પાસેની જમીનના ટુકડાનું એકત્રીકરણ આ સર્વ ઉપાય જમીન વગરના ખેતમજૂરને, અપૂરતી જમીન ધરાવનાર ખેતમજૂરને અને મળેલી કે પાસેની જમીન ગુમાવનાર ખેતમજૂરને ઉપકારક બની શકે છે.

જમીનના ટુકડાનું એકત્રીકરણ

ભારતમાં મોટા ભાગના ખેડૂતો પાસે ઇષ્ટ કદ કરતાં ઓછી જમીન હોય છે એટલું જ નહિ, આ જમીન અનેક ટુકડામાં વહેંચાયેલી હોય છે. પિતાના અવસાન પ્રસંગે દરેક દીકરાને પિતાની માલિકીની જમીનનો હિસ્સો મળે છે તેથી એકમ નાના થતા જાય છે. આ પ્રક્રિયા અટકાવવાની જરૂર છે.

આ માટે જમીનના ટુકડાના એકત્રીકરણ માટે કાયદા કરવામાં આવ્યા છે. તેમાં દરેક જમીનમાલિકને પોતાની જમીન એકજથ્થે મળે એવો પ્રયત્ન ટુકડાની અદલાબદલી કરીને હાથ ધરવામાં આવે છે. વળી ટુકડાનું ન્યૂનતમ કદ ઠરાવાય છે. તેવા ટુકડાનું વિભાજન થઈ શકતું નથી. એ કદના કે નાના ટુકડાને વેચવો હોય તો સીમ-પડોશીને તે વેચવો પડે છે.

1905થી આ દિશામાં પ્રયત્નો આરંભાયા હતા. આરંભમાં સહકારી એકત્રીકરણ સોસાયટી રચીને ત્યારના પંજાબ ને ઉત્તરપ્રદેશમાં એકત્રીકરણનું કામ હાથ ધરાયું. વડોદરા (1920), મધ્યપ્રદેશ (1928), પંજાબ (1936) ને ઉત્તરપ્રદેશે (1940) કાનૂન કરી મરજિયાત ધોરણે એકત્રીકરણની પ્રક્રિયાની જોગવાઈ કરી. મરજિયાત ધોરણે નહિવત્ કામ થયું. સ્વાતંત્ર્ય બાદ લગભગ તમામ રાજ્યોમાં ફરજિયાત ધોરણે એકત્રીકરણની જોગવાઈ કરતા કાયદા કરવામાં આવ્યા. જોકે એ કાયદાનો અસરકારક અમલ થઈ શક્યો નથી.

એકીકરણની પ્રક્રિયામાં નાના ખેડૂતની ભીતિ છે કે જમીનના ટુકડાની અદલાબદલીમાં તેને અન્યાય થશે. આ ભય દૂર કરવા પર ધ્યાન આપવાની જરૂર છે. એમનો સહકાર આ રીતે વધારી શકાય. એકીકરણ એક વાર થયું એટલે કામ સમાપ્ત થતું નથી. જમીનમાલિકીનું ટુકડામાં વિભાજન થવાની પ્રક્રિયા તો સતત ચાલુ જ રહે છે. એક વાર એકીકરણ થયું હોય ને ખેડૂત અવસાન પામે ને વારસો વચ્ચે જમીન વહેંચાય કે વળી પાછો ટુકડાનો સવાલ પેદા થાય છે. કૃષિસમાજ સમજે કે જમીન વહેંચવી એના કરતાં વારસો વચ્ચે જમીનમાંથી ઉત્પન્ન થતી આવક વહેંચવી વધુ લાભદાયી છે ત્યારે આ સવાલનો ઉકેલ આવે. કાનૂની રાહે આમાં ખાસ રસ્તો નીકળી શકે એમ નથી.

ગામાત કે સાર્વજનિક જમીન ને સાધનસંપત્તિ

ગામાત સાધનસંપત્તિ અને જમીન – ગોચર, ખળાં, વન, તળાવ વગેરે – અંગેનો સવાલ તાજેતરમાં ઉપસ્થિત થયો છે. આ જમીનોનો સૌકોઈ ઉપયોગ કરી શકે છે. ગામના નબળા વર્ગોને આ અધિકારને કારણે ઘણો આર્થિક લાભ થતો હોય છે. તેઓ પોતાનાં ઢોર ત્યાં ચરાવી શકે છે. બળતણ પણ ત્યાંથી મેળવી શકે છે. થોડીઘણી રોજગારી ને આવક પણ તેમાંથી તે મેળવે છે. તેમના આ અધિકાર પણ ભયમાં મુકાઈ રહ્યા છે.

ગામના પ્રભુત્વ ધરાવતા વર્ગો આ જમીન ને સાધનસંપત્તિ પર કબજો જમાવીને ઘણી વાર બેસી જાય છે. ગામના ચકલામાં સાર્વજનિક જમીનનું પ્રમાણ ઘટતું જાય છે. હવે આવી જમીન રાજ્ય સરકારો ઔદ્યોગિક કંપનીઓને ઉદ્યોગના વિકાસ માટે આપે છે; તેથી આવી સહિયારી જમીનનું પ્રમાણ ગ્રામીણ વિસ્તારોમાં ઘટી રહ્યું છે.

અનુસૂચિત જનજાતિ માટે પ્રશ્ન વધુ મહત્વનો છે. તેમાંના મોટા ભાગના જંગલમાં કે જંગલ નજીક રહે છે. જંગલ ને વન્ય પશુપંખીની જાળવણી અંગેની નીતિ ઘડતી વખતે આ જનજાતિના અધિકારોને લક્ષમાં લેવા જોઈએ. તેઓ ઘણી વાર જમીનની સામૂહિક ધોરણે માલિકી ધરાવતા હોય છે. આ જમીનોની માલિકી વેચાણ દ્વારા જનજાતિના ન હોય તેવા માણસોના હાથમાં ન જાય તે પણ જોવાનું છે.

જમીનમાલિકી અંગેનાં દફતર

જમીનમાલિકીના હકો દર્શાવતાં પત્રકો (પાણીપત્રકો) ને દફતરો જમીનધારાની સુધારણાના પાયારૂપ છે. આ દફતરોમાં વાસ્તવિક પરિસ્થિતિનું પ્રતિબિંબ પડતું નથી. જમીનોનો સરવે કરી સર્વના, ખાસ કરીને ગણોતિયા અને ભાગિયાના અધિકારોની સરવેનંબરવાર નોંધ કરવી જરૂરી છે ને તેને સમયાન્તરે સુધારવી આવશ્યક છે.

દરેક મહત્વના રાજ્યમાં જમીનમાલિકીનાં દફતરોને કમ્પ્યૂટરબદ્ધ કરવા માટેની એક પ્રારંભિક યોજના શરૂ કરવામાં આવી છે. આવી 19 યોજના અમલમાં છે, ને તેમની પાછળ યોજનાદીઠ થતા રૂ. 25 લાખના ખર્ચનો બોજો કેન્દ્ર સરકાર ઉઠાવે છે. તહસીલ ને જિલ્લા કક્ષાએ જમીનમાલિકી અંગેના દફતરને – પાણીપત્રકને સ્થાનિક ભાષામાં કમ્પ્યૂટરબદ્ધ કરવાનો અને તેમાં આવતા ફેરફારોની તરત નોંધ કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે. માગે ત્યારે ખેડૂતને તેની નકલ પણ મળી શકશે.

જમીનધારાની સુધારણાનાં વિવિધ અંગોના વિહંગાવલોકનથી તારણ નીકળે છે કે ચારેક દસકામાં અનેક કાયદા કરવામાં આવ્યા છે; પરંતુ ગામના ગરીબવર્ગની ર્દષ્ટિએ તેમનો એકંદર અમલ અલ્પ રહ્યો છે. ગામના ખેતમજૂરને કે સીમાવર્તી ખેડૂતને ખાસ જમીન મળી નથી અને ખરેખર ગણોતિયા તરીકે કામ કરનારને પૂરતું રક્ષણ કે માલિકીહક પ્રાપ્ત થયાં નથી.

એક અભિપ્રાય વ્યક્ત થયો છે કે હવે ગણોતધારા ને ટોચમર્યાદાના કાયદા પર ભાર મૂકવાથી ખેતીક્ષેત્રે યોજકશક્તિ રૂંધાશે અને ગ્રામીણ રોકાણપાત્ર ફાજલ મૂડી/નાણાકીય સાધનો ખેતીની બહાર રોકાશે. ગણોતધારાને કારણે આજે નાના ખેડૂતોને ગણોતે મળતી જમીન નહિ મળે, ખેતીકાર્યના એકમ નાના થશે ને કાર્યક્ષમતા ઘટશે. નાના ખેડૂત કે ખેતમજૂર ખેતી કરવાનું પરવડતું ન હોય ત્યારે પોતાની જમીન ગણોતે આપવાની સ્વતંત્રતા ગુમાવશે.

પરંતુ આ વિચાર સામે દર્શાવવામાં આવે છે કે જમીનધારાની સુધારણાથી આવક ને સત્તાની વહેંચણીમાં સુધારો થશે, પંચાયતી રાજ માટે યોગ્ય પૂર્વભૂમિકા રચાશે ને સબસિડીરહિત સાધનો તથા શાખ પૂરાં પડાશે તો ખેતીના વિકાસનેય પ્રેરક બળ મળી રહેશે. ગામમાં ને ખેતીમાં ગ્રામીણ શક્તિને વધુ જોતરવાની જરૂર છે કેમ કે અન્યત્ર રોજગારીની તકો જરૂરી પ્રમાણમાં વધતી નથી. આ કામ પણ જમીનધારાની સુધારણા દ્વારા થશે. ખેતીમાં કદના લાભ મોટાં ખેતરોને જ મળે છે એ વાતની અનુભવ સાક્ષી પૂરતો નથી. અદ્યતન ખેતીના લાભ નાના કદનાં ખેતરોને પણ મળી શકે છે. આ બધું જોતાં જમીનધારાની સુધારણામાં આગળ ધપવાની જરૂર છે. અલબત્ત, તેને વિકાસ ને ગરીબીનિવારણ માટેના આયોજનના એક અંગ તરીકે અપનાવવાની જરૂર રહે છે.

બદરીપ્રસાદ મ. ભટ્ટ