જમા તથા ઉધાર-ચિઠ્ઠી : જમાચિઠ્ઠી (credit note) : ખરીદીના હિસાબની સરભર અંગે વેપારી તરફથી મોકલાતી નોંધ. વેચાણ કરેલો માલ ગ્રાહક કોઈ કારણસર વિક્રેતાને પરત કરે ત્યારે વિક્રેતા તરફથી ગ્રાહકને મોકલવામાં આવતો દસ્તાવેજ. તેને જમાચિઠ્ઠી કહે છે; તે ચિઠ્ઠી મુજબની રકમ વિક્રેતાના હિસાબી ચોપડામાં ગ્રાહક ખાતે જમા થાય છે. વળી નીચેનાં કારણોસર પણ જમાચિઠ્ઠી લખવામાં આવે છે : (1) ગ્રાહકને વધુ રકમનું ભરતિયું મોકલવામાં આવ્યું હોય, (2) હિસાબી ગણતરીમાં ભૂલ હોય, (3) ગ્રાહકને વળતર આપવાનું હોય.
જમા–ચિઠ્ઠીનો નમૂનો
ગુજરાત એમ્પોરિયમ કાપડના વેપારી |
નં. ડી – 33 આણંદ |
|
તારીખ | વિગત | રકમ (રૂ.) |
2008 સપ્ટેમ્બર 1 | સાડી નં. 25, દર સાડીના રૂ. 200ના ભાવે પરત મળી. | 5000 |
ભૂલચૂક લેવીદેવી |
ગુજરાત એમ્પોરિયમ વતી, (સહી) મૅનેજર |
ઉધાર-ચિઠ્ઠી : ખરીદી કરનાર વેપારી ઉધાર ખરીદેલા માલ પૈકી કેટલોક માલ વિક્રેતાને પરત કરે ત્યારે ખરીદનાર તરફથી વિક્રેતાને મોકલવામાં આવતો પત્ર કે ચિઠ્ઠી. ઉધાર-ચિઠ્ઠીમાં – (1) માલ પરત કરનાર વેપારીનું નામ, (2) માલ અંગેની ચોખ્ખી રકમ, (3) માલ અંગેની સંપૂર્ણ વિગત, (4) માલ પરત કરવાનું કારણ દર્શાવવામાં આવે છે.
ઉધાર–ચિઠ્ઠીનો નમૂનો
સી.કે. ઍન્ડ સન્સ |
નં. ડી/66 વિદ્યાનગર |
|
તારીખ | વિગત | રકમ (રૂ.) |
2008 સપ્ટેમ્બર 10 |
કાપડ મીટર 200, દર મીટરના
રૂ. 10ના ભાવે, નુકસાની હોવાથી પરત કર્યું. |
2000 |
ભૂલચૂક લેવીદેવી |
સી. કે. ઍન્ડ સન્સ વતી, (સહી) મૅનેજર |
ઉધાર-ચિઠ્ઠી નીચેના સંજોગોમાં મોકલવામાં આવે છે : (1) ખરીદેલ માલ નુકસાનીવાળો હોય, નમૂના મુજબ ન હોય કે હલકા પ્રકારનો હોય તેથી માલ પરત કર્યો હોય; (2) ખરીદેલ માલ કરતાં વિક્રેતાએ ભૂલથી વધુ રકમનું ભરતિયું મોકલ્યું હોય; (3) હિસાબની ગણતરીમાં ભૂલ થવાથી ખરીદનારે વધુ રકમ વિક્રેતા ખાતે જમા કરી હોય; (4) ખરીદનારે ખાલી બારદાન વગેરે પરત કર્યાં હોય તેથી વિક્રેતા પાસેથી કોઈ રકમ વસૂલ લેવાની નીકળતી હોય.
ઉધાર-ચિઠ્ઠી જેટલી રકમની હોય તેટલી રકમ ખરીદનારના હિસાબી ચોપડામાં વિક્રેતા ખાતે ઉધારવામાં આવે છે.
ચંદ્રકાન્ત સોનારા