જમાલ-ઉદ્-દીન અલ-અફઘાની (જ. 1838, અસદાબાદ જિ. કાબુલ; અ. 1897) : દાર્શનિક, લેખક, પત્રકાર, વક્તા અને અખિલ ઇસ્લામી આંદોલનના પુરસ્કર્તા. શિયા લેખકોના મત મુજબ તેમનો જન્મ ઈરાનના અસદાબાદમાં થયો હતો. જન્મસ્થળ અંગે વિવાદ હોવા છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે જમાલ-ઉદ્-દીને તેમની બાલ્યાવસ્થાનો સમય કાબુલમાં વ્યતીત કર્યો હતો.
જમાલ-ઉદ્-દીને ઇજિપ્ત, ઈરાન, ભારત (1880–81) ઉપરાંત ઇંગ્લૅન્ડની મુલાકાત લીધી. તેમણે મુસ્લિમોને યુરોપીય સંસ્કૃતિની અસર અને તેના દ્વારા થતા તેમના શોષણમાંથી મુક્તિ મેળવવા આંદોલન ચલાવવાની હિમાયત કરી. યુરોપીય સત્તાઓની દરમિયાન-ગીરીનો પ્રતિકાર કરવા માટે તેમણે એક જ ખલીફના નેતૃત્વ હેઠળ મુસ્લિમ રાજ્યોનો સંઘ સ્થાપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
ચિંતક તરીકે જમાલ-ઉદ્-દીન ભૌતિકવાદ અને ડાર્વિનના વિકાસવાદના વિરોધી હતા. ઇસ્લામ ધર્મના દર્શન અને ચિંતનના મર્મજ્ઞ હોવા છતાં આ વિષય પર તેમણે વિશેષ લખ્યું નથી. અફઘાનિસ્તાનના ઇતિહાસ પર તેમનું ‘તાતિમત-અલ-બયા’ નામનું પુસ્તક પ્રસિદ્ધિ પામ્યું. તત્કાલીન પરિસ્થિતિના સંદર્ભમાં તેમના રાજકીય અને સામાજિક બનાવો વિશેના લેખો મહત્ત્વના છે. તેમનું મૃત્યુ કૅન્સરથી થયું હતું.
ર. લ. રાવળ