જન્મદર : એક વર્ષના ગાળા દરમિયાન એક હજાર વ્યક્તિ દીઠ જન્મેલાં બાળકોની સરેરાશ સંખ્યા દર્શાવતો દર. દા. ત., જ્યારે એમ કહેવામાં આવે છે કે 1992માં વિશ્વમાં જન્મદર 27 હતો ત્યારે વિશ્વની તે વર્ષની એક હજાર વસ્તી દીઠ નવાં જન્મેલાં બાળકોની સંખ્યા 27 હતી. જન્મદર તથા મૃત્યુદરની સંયુક્ત વિચારણા દ્વારા કોઈ પણ દેશની જનસંખ્યામાં થતા ચોખ્ખા ફેરફારો માપી શકાય છે, કારણ કે જનસંખ્યામાં થતી સ્વાભાવિક વૃદ્ધિનો આધાર જન્મદર તથા મૃત્યુદરના સહસંબંધ પર રહેલો છે. કોઈ પણ દેશમાં જનસંખ્યાના વૃદ્ધિદરને અસર કરવામાં જન્મદર ઉપરાંત પ્રજનનદર પણ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ એક વર્ષના ગાળા દરમિયાન એક હજારની જનસંખ્યા દીઠ કેટલાં બાળકો જન્મે છે તે સંખ્યા જો તે દેશનો જન્મદર સૂચવતી હોય તો વર્ષના તે જ ગાળા દરમિયાન ગર્ભધારણ માટે યોગ્ય ઉંમર (15થી 44 વર્ષ) ધરાવતી એક હજાર સ્ત્રીઓ દીઠ, જન્મસમયે જીવતાં હોય તેવાં કેટલાં બાળકો જન્મે છે તે સંખ્યા તે દેશનો પ્રજનનદર સૂચવે છે.
જન્મદર પર મુખ્યત્વે ત્રણ પરિબળો અસર કરતાં હોય છે : (1) આર્થિક, (2) સામાજિક અને (3) શૈક્ષણિક. ત્રીજા વિશ્વના દેશોમાં વધુ બાળકો કુટુંબ માટે અસ્કામત ગણાય છે, જવાબદારી નહિ. નાની ઉંમરથી જ બાળકો કુટુંબના ભરણપોષણને લગતા વ્યવસાયોમાં કમાણીનું સાધન બને છે. દા.ત., ભારત જેવા ખેતીપ્રધાન દેશમાં બાળકો ખેતીકામ, ગૃહઉદ્યોગો અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓમાં સસ્તો શ્રમ પૂરો પાડે છે. સંયુક્ત કુટુંબપદ્ધતિમાં બાળકોના ભરણપોષણ માટે માબાપને એકમ દીઠ બહુ જ ઓછો ખર્ચ કરવો પડે છે. પરિણામે બાળકોની મોટી સંખ્યા ભારરૂપ નહિ પરંતુ આશીર્વાદરૂપ ગણવામાં આવે છે, જે ઊંચા જન્મદરને પ્રોત્સાહિત કરે છે. તે ઉપરાંત આવકની વહેંચણી પણ દેશના જન્મદર પર અસર કરે છે. વિશ્વના ગરીબ ગણાતા દેશોનો અનુભવ બતાવે છે કે જે દેશોમાં આવકની અસમાનતા વિશેષ હોય તે દેશોમાં જન્મદર પણ ઊંચો હોય છે. ‘Poverty breeds population’ એટલે કે ગરીબ પ્રજામાં પ્રજનનનો દર ઊંચો હોય છે. કમાણીના સાધન રૂપે જે વ્યવસાયોનું સંચાલન કૌટુંબિક ધોરણે કરવામાં આવતું હોય તે વ્યવસાયો માટે વધુ બાળકો ધરાવતું મોટું કુટુંબ આર્થિક રીતે લાભદાયી નીવડે છે. ખેતીપ્રધાન દેશમાં પ્રજનનનો દર ઊંચો હોય છે તે માટેનું આ મુખ્ય કારણ છે. જે દેશની કુલ રોજગારીમાં સ્ત્રીઓનું પ્રમાણ ઊંચું હોય તે દેશોમાં પ્રજનનનો અને તેથી જન્મદર નીચો હોવાનો, કારણ કે આવી સ્ત્રીઓ નાનું કુટુંબ વધુ પસંદ કરે છે.
જન્મદર પર દેશનું સામાજિક માળખું પણ અસર કરે છે. વિશ્વના જે દેશોમાં સંયુક્ત કુટુંબપ્રથા હજુ અસ્તિત્વમાં છે ત્યાં જન્મદર ઊંચો રહેવાનો, કારણ કે સંયુક્ત કુટુંબપ્રથામાં બાળકોની મોટી સંખ્યા કુટુંબ માટે ભારરૂપ ગણાતી નથી. તેવી જ રીતે જે દેશોમાં બાળલગ્નપ્રથા ચાલુ છે તથા જે સમાજમાં લગ્ન સાર્વત્રિક અને અનિવાર્ય ગણાય છે તે સમાજમાં પણ જન્મદર ઊંચો રહેવાનો. વિશ્વના ઘણાખરા ઓછા વિકસિત દેશોમાં કુટુંબનું મોટું કદ સામાજિક દરજ્જો તથા સામાજિક સલામતી પૂરાં પાડનાર પરિબળોમાં અગત્યનું પરિબળ ગણાય છે.
જે સમાજમાં નિરક્ષરતા વ્યાપક હોય તે સમાજમાં રૂઢિગત પરંપરાઓ, તર્કશૂન્ય માન્યતાઓ, જડ રિવાજો, અંધશ્રદ્ધા જેવી બાબતોનું પ્રાધાન્ય હોય છે. આવા સમાજમાં સ્ત્રીઓનો દરજ્જો પણ નીચો ગણાય છે. પુરુષની કામવાસના સંતોષવી એ જ જાણે કે સ્ત્રીઓનો સાચો ધર્મ છે. આવો સમાજ ‘નાનું કુટુંબ તે સુખી કુટુંબ’ આ સૂત્ર અપનાવતો નથી. આવા સમાજમાં બાળકનો જન્મ મનુષ્યના કર્મને અધીન નહિ; પરંતુ ઈશ્વરની ઇચ્છાને અધીન ગણવામાં આવે છે.
ભારત જેવા ધર્મપરાયણ દેશમાં ઉપર દર્શાવેલ 3 પ્રકારનાં પરિબળો ઉપરાંત સમાજમાં પ્રસરેલી ધાર્મિક માન્યતાઓ તથા શ્રદ્ધાઓ પણ ઊંચા જન્મદર માટે કારણરૂપ બને છે. દા. ત., હિંદુ ધર્મમાં મરણોત્તર ક્રિયા દ્વારા મરેલા માણસના આત્માને શાંતિ બક્ષવા માટે પુત્રપ્રાપ્તિ અનિવાર્ય ગણવામાં આવે છે. પરિણામે પુત્રની ઝંખના વધુ તીવ્ર હોય છે. આવા સમાજમાં પુત્રનું સ્થાન પુત્રી કરતાં ઊંચું ગણવામાં આવે છે. ‘પુત્રી તો પારકાની’ આ ખ્યાલથી એક જમાનામાં ભારત જેવા દેશોમાં તેને મિલકતમાં ભાગ માગવાના અધિકારથી વંચિત રાખવામાં આવતી હતી. હિંદુ ધર્મ ગર્ભપાતને બાળહત્યા ગણે છે. આ બધાંને લીધે પણ ધર્મપરાયણ દેશોમાં જન્મદર ઊંચો હોય છે. મુસલમાન ધર્મમાં બહુપત્નીપ્રથાને લીધે તથા ગર્ભનિરોધક સાધનોના ઉપયોગના ધર્મપ્રેરિત વિરોધને કારણે ઇસ્લામ ધર્મના અનુયાયીઓમાં જન્મદરનું પ્રમાણ ઊંચું હોય છે.
ઉપર દર્શાવેલ પરિબળો ઉપરાંત બાળમૃત્યુનું ઊંચું પ્રમાણ, ઓછો ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણની ધીમી ગતિ, કુટુંબનિયોજન પ્રત્યેનો નકારાત્મક ર્દષ્ટિકોણ, તે માટેનાં સાધનોની માહિતી અને તે સાધનો પ્રાપ્ત કરવાની સુલભતાનો અભાવ જેવાં પરિબળો પણ ઊંચા જન્મદરને પ્રોત્સાહિત કરે છે.
જનસંખ્યા સંક્રમણ(demographic transition)ના સિદ્ધાંત મુજબ વિશ્વના દેશો વસ્તી અને આર્થિક વિકાસના સંદર્ભમાં 3 તબક્કાઓમાંથી પસાર થતા હોય છે : (1) અર્થતંત્ર જ્યારે અલ્પવિકસિત અથવા સ્થગિત હોય છે ત્યારે જન્મદર તથા મૃત્યુદર બંને ઊંચા હોય છે અને તેને પરિણામે જનસંખ્યા સ્થિર હોય છે. ઊંચા જન્મદર માટે મુખ્યત્વે ઓછી આવક, સામાજિક પછાતપણું, ધાર્મિક માન્યતાઓ જેવાં પરિબળો જવાબદાર હોય છે; જ્યારે ગરીબી, રોગચાળો, દુકાળ, સારવારની સગવડોનો અભાવ મૃત્યુદરની ઊંચી સપાટી જાળવી રાખતાં હોય છે. (2) અલ્પવિકસિત દેશ જ્યારે વિકાસ તરફ આગેકૂચ કરે છે ત્યારે આવકની વધતી સપાટી, સુધરતું જતું જીવનધોરણ, સારવારની સગવડોનું વિસ્તરણ, દુકાળ અને રોગચાળા પર નિયંત્રણ, શિક્ષણનો ફેલાવો અને તેને લીધે આરોગ્ય પ્રત્યે વધતી સભાનતાને લીધે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ તબક્કા દરમિયાન જન્મદરમાં નજીવો ઘટાડો નોંધાતો હોય છે, કારણ કે જન્મદર પર અસર કરતાં પરિબળો લાંબે ગાળે જ પરિણામકારક નીવડતાં હોય છે. દા.ત., ઉદ્યોગીકરણ, શહેરીકરણ, સામાજિક માળખામાં તથા વ્યવસ્થામાં ફેરફાર વગેરે. તેને પરિણામે જનસંખ્યામાં નોંધપાત્ર વધારો થતો હોય છે. આ તબક્કાને ‘વસ્તીવિસ્ફોટ’નો તબક્કો કહેવામાં આવે છે. (3) આ તબક્કામાં એક તરફ જન્મદરમાં નોંધપાત્ર ઘટાડો થાય છે તો બીજી તરફ મૃત્યુદર પણ ઘટતો જાય છે. પરિણામે જનસંખ્યામાં શૂન્ય અથવા ક્યારેક નકારાત્મક વૃદ્ધિ પણ થતી હોય છે. જન્મદરમાં ઘટાડો થવા માટે અર્થતંત્રનું ઝડપી ઉદ્યોગીકરણ, શહેરીકરણની પ્રક્રિયાને મળતો વેગ, સમાજવ્યવસ્થામાં તથા આર્થિક ર્દષ્ટિકોણમાં હકારાત્મક ફેરફાર, સ્ત્રીઓને અપાતો ઊંચો સામાજિક દરજ્જો વગેરે જવાબદાર ગણાય છે.
ભારતમાં 1950-51માં જન્મદર લગભગ 40 હતો જે ધીમી ગતિએ ઘટીને 2001માં 25 જેટલો થયો હતો. એ જ સમયમગાળામાં મૃત્યુદર 27થી ઘટીને 8 જેટલો થયો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે