જન્મભૂમિ : ગુજરાતી સાંધ્ય દૈનિક. જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, કોટ, મુંબઈ-1થી પ્રગટ થાય છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી ધીરુભાઈ જે. દેસાઈ મુદ્રક અને પ્રકાશક છે. કુંદન વ્યાસ તંત્રી અને રમેશ જાદવ નિવાસી તંત્રી છે. સૌરાષ્ટ્રના સિંહનું બિરુદ પામેલા અમૃતલાલ શેઠે 1934માં ‘જન્મભૂમિ’ની સ્થાપના કરી હતી. મૂળ તો એમણે ‘સન’ નામનું અંગ્રેજી પત્ર પ્રગટ કર્યું હતું પણ તે આર્થિક નિષ્ફળતાને વર્યું. આથી એમણે ‘જન્મભૂમિ’ શરૂ કર્યું. કાઠિયાવાડની રિયાસતી પ્રજાના રજવાડી હકૂમત સામેના આંદોલનના મુખપત્ર તરીકે ‘જન્મભૂમિ’એ લોકચાહના મેળવી. સ્વાતંત્ર્યસંગ્રામનાં અનેક સીમાચિહનોમાં ‘જન્મભૂમિ’ નિમિત્ત બન્યું હતું. બર્માના યુદ્ધમોરચાના તથા આઝાદ હિંદ ફોજની પ્રવૃત્તિઓના જાતમાહિતી-આધારિત વૃત્તાંતો પ્રગટ કરીને અમૃતલાલ શેઠે ‘જન્મભૂમિ’ને માત્ર ગુજરાતી નહિ પણ રાષ્ટ્રીય પત્રકારત્વની તવારીખમાં ગૌરવપ્રદ સ્થાન અપાવ્યું. સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે ‘જન્મભૂમિ’ સતત અને ગાઢ સંપર્કમાં રહ્યું. ‘જન્મભૂમિ’એ આઝાદી પૂર્વેનાં કોમી હુલ્લડો, હૈદરાબાદના કાસિમ રઝવીના રઝાકારોના અત્યાચારો, જૂનાગઢની આરઝી હકૂમત વગેરેનાં વૃત્તાંતો પ્રગટ કર્યાં. ‘જન્મભૂમિ’ને એક પ્રખર રાષ્ટ્રવાદી, નીડર અને પ્રજાભિમુખ પત્ર તરીકે અમૃતલાલ શેઠે વિકસાવ્યું. તેમના અનુગામી તંત્રીઓ વિશેષ કરીને શામળદાસ ગાંધી, સોપાન, હરીન્દ્ર દવેએ આ પરંપરાને જાળવી રાખી.

ટ્રસ્ટીઓ ગાંધીવાદી વિચારસરણીને અનુસરતા હોઈ ‘જન્મભૂમિ’ ગાંધીવાદી વિચારધારાનું સમર્થક બન્યું. ‘જન્મભૂમિ’એ સાહિત્ય અને સંસ્કારપ્રવૃત્તિઓને વ્યાપક પ્રસિદ્ધિ અને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી હોઈ સાહિત્ય અને સંસ્કારજગતમાં આગવું સ્થાન ધરાવે છે.

‘જન્મભૂમિ’ની સાપ્તાહિક આવૃત્તિ ‘જન્મભૂમિ-પ્રવાસી’એ સપ્તાહાંત (વીક-એન્ડ) ગુજરાતી પત્રકારત્વની નવી કેડી કંડારી. મુંબઈ અને મુંબઈ બહાર દૂર દૂર વસતા ગુજરાતીઓને તેનું ઘણું આકર્ષણ હતું. વિજયગુપ્ત મૌર્ય દ્વારા સંપાદિત પાનું એના શિરમોર સમું હતું. આ સાપ્તાહિક આવૃત્તિમાં લોકરુચિને અનુરૂપ લેખ વિભાગોની સાથે સાથે વિચારપ્રેરક સાહિત્યનો પણ સમાવેશ થતો હોઈ સમગ્ર કુટુંબને સ્વસ્થ વાચન એમાંથી મળતું.

સનસનાટીથી દૂર રહેવાની ‘જન્મભૂમિ’ની નીતિ પણ તેને એક આગવું સ્થાન અપાવે છે.

અમદાવાદમાંથી પણ ‘જન્મભૂમિ’નું પ્રકાશન શરૂ કરાયું હતું પણ તેમાં સફળતા ન મળતાં થોડા વખત પછી તે બંધ કરી દેવાયું. ‘જન્મભૂમિ’નું ભગિની પત્ર ‘પ્રવાસી’ સવારના દૈનિક તરીકે મુંબઈમાંથી પ્રગટ થાય છે.

મહેશ ઠાકર