જનીનપ્રરૂપ અથવા જનીન પ્રકાર (genotype) : સજીવના કોઈ એક આનુવંશિક લક્ષણ માટે જવાબદાર જનીનબંધારણ. તે એક કે તેથી વધારે રંગસૂત્રસ્થાને આવેલાં વિકલ્પી જનીનોનો સેટ છે. પ્રજનકોમાંથી પ્રાપ્ત થયેલ આ જનીનો સંતાનોના શરીરના દરેક કોષમાં જોવા મળે છે. સજીવોની લાક્ષણિકતા આવાં જનીનપ્રરૂપોને આભારી છે. જોકે પર્યાવરણની અસર હેઠળ આ લાક્ષણિકતામાં ફેરફારો થઈ શકે છે. રાસાયણિક, બંધારણાત્મક, બાહ્ય દેખાવ કે વર્તણૂકની ર્દષ્ટિએ ર્દશ્ય અભિવ્યક્તિને લક્ષણપ્રરૂપ કે સ્વરૂપ પ્રકાર (phenotype) કહે છે.
સજીવોનાં વિશિષ્ટ લક્ષણોમાં પણ ભિન્નતા રહેલી છે. દાખલા તરીકે વટાણાના બીજનો રંગ પીળો હોય કે લીલો. બીજની સપાટી લીસી કે કરચલીયુક્ત હોય ત્યારે જો બીજના યાર્દચ્છિક નમૂના (random sampling) લેવામાં આવે, તો પીળા રંગનાં બીજનું પ્રમાણ લીલા રંગનાં બીજ કરતાં વધારે માલૂમ પડે છે. તેથી બીજના પીળા રંગને પ્રભાવક (dominant) તરીકે, જ્યારે લીલા રંગને પ્રચ્છન્ન (recessive) લક્ષણ તરીકે ગણવામાં આવે છે. સામાન્યપણે કોઈ પણ લક્ષણ માટે કારણભૂત એવાં બે જનીનો હોય છે. વટાણાનાં બીજના રંગ સાથે સંકળાયેલાં જનીનોને Y અને y તરીકે ઓળખાવી શકાય. તેથી વટાણાના કોષમાં YY, Yy, અને yy સ્વરૂપે ત્રણ જનીનપ્રરૂપો આવેલાં હશે; પરંતુ YY અને Yy જનીન ધરાવતાં બીજ રંગે પીળાં હોવાથી બીજનાં લક્ષણપ્રરૂપો માત્ર બે પ્રકારનાં જોવા મળે છે. પીળાં (YY, Yy) અને લીલાં (yy).
યાર્દચ્છિક સંગમની અસર હેઠળ, પ્રજોત્પાદન થતાં તે પેઢીમાં આવેલ જનીનીય આવૃત્તિ (gene frequency) આગલી પેઢીમાં રહેલ આવૃત્તિની અસર હેઠળ ઉદભવતું હોય છે. તે જનીનપ્રરૂપના આવર્તનની સાથે સંકળાયેલું નથી.
રા. ય. ગુપ્તે