જત : કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વસતી એક વિશિષ્ટ જાતિ. જત લોકો ઑક્સસ નદી ઉપર વસતા હતા. તેમનો જર્ત્રિકો તરીકે ઉલ્લેખ થયો છે. કચ્છનો જર્ત્રદેશ તરીકે ઉલ્લેખ થયો છે. તે તેમના કચ્છના વસવાટને કારણે હશે. ઈ. પૂ. 150થી 100 દરમિયાન તેઓ કુશાણો સાથે આવ્યા હતા. તેઓ પ્રથમ બલૂચિસ્તાનમાં બોલનઘાટ પાસે કીકાનમાં વસ્યા હતા. અહીંથી તેઓ સિંધમાં અને પછી કચ્છમાં ફેલાયા હતા. છઠ્ઠી સદી દરમિયાન હૂણોએ હરાવ્યા પછી જત લોકો કચ્છમાંથી સ્થળાંતર કરીને બહેરીન ટાપુમાં વસ્યા હતા. 662માં બગદાદના આરબ આક્રમણનો સામનો કરવામાં કીકાનના જતોએ સાથ આપ્યો હતો. સાતમી અને આઠમી સદી દરમિયાન જત લોકો ગુજરાત ઉપરાંત ઈરાનમાં વસ્યા અને વહાણોના માલમ તરીકે ઈરાન વગેરે દેશોમાં કામ કરતા હતા. ચીનના નૌકાસૈન્યે દીવની મુલાકાત લીધી ત્યારે જત લોકો તેમનાં વહાણોમાં સુકાની હતા. આ જત અને મેડ ચાંચિયાઓને કારણે મહંમદ બિન કાસિમે સિંધ ઉપર ચડાઈ કરી હતી (711). આ ચડાઈ વખતે તેને સીવીસ્તાનના 4000 જતોએ મદદ કરી હતી. 834માં જત લોકોના કાફલાએ ટાઇગ્રિસ નદીના કિનારાના પ્રદેશ ઉપર હુમલો કર્યો હતો. બગદાદના ખલીફે સમગ્ર તાકાતથી તેમનો સામનો કર્યો હતો. જત ચાંચિયાઓ નદીમાર્ગે પ્રવેશે નહિ તે માટે ઈરાને ટાઇગ્રિસ નદીમાં અડચણો ઊભી કરી હતી. આ દરમિયાન જત લોકો રાતા સમુદ્રમાં આવેલ સોકોટ્રામાં વસ્યા હતા. આ જતો ક્રમશ: સિંધ અને કચ્છમાં સ્થળાંતર કરીને વસ્યા હતા. હાલ કચ્છના બન્નીમાં તેઓ વસે છે અને મુખ્યત્વે પશુપાલન ઉપર આધાર રાખે છે. તેઓ સૌરાષ્ટ્રમાં કે અન્યત્ર સારી ઓલાદનાં બળદો, વાછરડાં વગેરે વેચે છે. કચ્છ ઉપરાંત બનાસકાંઠાના સાંતલપુર તાલુકામાં અને સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં તેમનો વસવાટ છે. બનાસકાંઠાનો વારાહી આસપાસનો સાંતલપુર તાલુકામાં આવેલો પ્રદેશ મોટી જતવાડ તરીકે અને દસાડા તાલુકાનો બજાણા, વણોદ આસપાસનો પ્રદેશ નાની જતવાડ તરીકે ઓળખાય છે. સુરેન્દ્રનગર જિલ્લાનું ખેરવા ગામ ‘જતના-ખેરવા’ તરીકે ઓળખાય છે. વારાહી, બજાણા અને વણોદમાં આઝાદી પૂર્વે તેમની જાગીરો કે નાનાં રાજ્યો આવેલાં હતાં. આ જતોએ મહંમદ બેગડાના સમયમાં ચાંપાનેરના ઘેરામાં ભાગ લીધો હતો. હાલ આ જતોનો મુખ્યત્વે ખેતી અને પશુપાલનનો ધંધો છે. જત સ્ત્રીઓનું બન્નીનું ભરતકામ પ્રસિદ્ધ છે તેમજ તેની દેશ અને પરદેશમાં નામના છે. ગુજરાત-કચ્છના જતો મુસ્લિમ છે. શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ચોમાસા પૂર્વે ઘાસચારાની શોધમાં તેઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરે છે અને ચોમાસું બેસતાં પાછા ફરે છે.
શિવપ્રસાદ રાજગોર