જગ્ગુ, વકુલભૂષણ

January, 2012

જગ્ગુ, વકુલભૂષણ (જ. 1902, છત્રઘોષ, જિ. માંડય કર્ણાટક; અ. 1992) : સંસ્કૃત અને કન્નડ ભાષાના પ્રકાંડ પંડિત. તેમને તેમના અઢાર વર્ષની વયે રચેલા ગદ્યકાવ્ય ‘જયન્તિકા’ ગ્રંથ માટે 1993ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

તેમનું મૂળ નામ જગ્ગુ આલવાર આયંગર હતું. તેમણે ‘જગ્ગુ વકુલભૂષણ’ના નામથી વિવિધ શૈલીઓમાં લગભગ 90 કૃતિઓ રચી છે. તેમાં 24 નાટકો, એક મહાકાવ્ય, બે ગદ્ય કૃતિઓ અને સ્રોતસંગ્રહો છે. તેમણે સંસ્કૃતમાં કાવ્ય, મહાકાવ્ય, ચમ્પૂ, નાટ્ય, સ્તોત્ર વગેરે ભિન્ન-ભિન્ન પ્રકારોમાં વિવિધ છંદોરચનાઓ સાથે કામ પાડ્યું છે; કન્નડમાં પણ તેમણે પર્યાપ્ત સાહિત્યસર્જન કર્યું છે. તેમણે સાહિત્ય અને સાંખ્યયોગનો વિશેષ અભ્યાસ કર્યો હતો. લગભગ 60 વર્ષ સુધી તેમણે બગાલુરુ, મલૂરુ અને મેલુકોટ ખાતે સંસ્કૃતમાં અધ્યાપનકાર્ય કરેલું.

ગદ્યમાં ‘યદુવંશચરિતમ્’ (1957), ‘અદભુત દૂતમ્ મહાકાવ્ય’ (1968),  ‘હયવદનસ્તોત્ર’ અને ‘લક્ષ્મીદંડકમ્’, ‘પ્રસન્ન કાશ્યપમ્’ (1950), ‘મણિહરણમ્’, ‘પ્રતિજ્ઞાકૌટિલ્યમ્’ (1968) તથા ‘અદભુતાંશુકમ્’ જેવી તેમની નાટ્યકૃતિઓનો યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં સમાવેશ થયો છે. તેમણે ‘શાકુન્તલમ્’ અને ‘ઊરુભંગમ્’ જેવાં પ્રખ્યાત નાટકોના આધારે રચેલાં 18 નાટકો, કાવ્ય તેમજ નાટ્યકલાની ર્દષ્ટિએ ઉત્કૃષ્ટ મનાય છે. ‘વકુલભૂષણ રૂપકવિતાનમ્’ નામનો 10 નાટકોનો સંગ્રહ પણ તેમણે તૈયાર કર્યો હતો.

તેમને અનેક માન-સન્માન મળ્યાં છે. 1985માં રાષ્ટ્રપતિ ઍવૉર્ડ, મૈસૂરના મહારાજા તરફથી સુવર્ણ ચંદ્રક અને ‘સંસ્કૃતસેવાસક્ત’ તથા ‘વિદ્યાવિશારદ’ની પદવીઓ પણ તેમને આપવામાં આવી હતી. દેશભરમાંથી તેમને રાજ્યપ્રશસ્તિ તથા કાયમ પુરસ્કાર જેવા અનેક પુરસ્કારો મળ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘જયન્તિકા’ સંસ્કૃત ભાષા પરનું તેમનું અસાધારણ પ્રભુત્વ, તેમનું પ્રખર પાંડિત્ય, સુંદર ભાષાભિવ્યક્તિ અને આકર્ષક કથાગુંફન વગેરેને કારણે પ્રશંસનીય બની છે.

બળદેવભાઈ કનીજિયા