જગૂડી, લીલાધર (જ. 1 જુલાઈ 1944, ઢાંગણ ગામ, ટેહરી, ગઢવાલ, ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશના જાણીતા કવિ, પ્રાધ્યાપક અને સંપાદક. તેમને તેમના હિંદી કાવ્યસંગ્રહ ‘અનુભવ કે આકાશ મેં ચાંદ’ માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.
તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી છે. તેમણે 1961-62માં ગઢવાસ રેજિમેન્ટમાં સૈનિક તરીકે અને 1966થી 1980 સુધી શાળા તથા કૉલેજોમાં પ્રાધ્યાપક તરીકેની કામગીરી અદા કરી છે. વળી ઉત્તરપ્રદેશના માહિતી અને જનસંપર્ક વિભાગના નાયબ નિયામકનો કાર્યભાર પણ તેમણે સંભાળ્યો છે. હાલ તેઓ ‘ઉત્તરપ્રદેશ’ માસિકના મુખ્ય સંપાદક છે.
તેમણે 9 કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમાં ‘શંખમુખી શિખરો પર’ (1964), ‘નાટક જારી હૈ’ (1972), ‘ઇસ યાત્રા મેં’ (1974), ‘ઘબરાયે હુએ શબ્દ’ (1981), ‘અનુભવ કે આકાશ મેં ચાંદ’ (1994) અને ‘ગ્યારવીં દિશામેં સાતવીં ઋતુ’(1997)નો સમાવેશ થાય છે. પ્રૌઢશિક્ષણ સંબંધી 2 પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમને મળેલ અન્ય પુરસ્કારો અને સન્માનોમાં રઘુવીર સહાય સન્માન, ભારતીય ભાષા પરિષદનો શતદલ પુરસ્કાર, ઉત્તરપ્રદેશ હિંદી સંસ્થાનનો નામિત પુરસ્કાર અને આકાશવાણી રાષ્ટ્રીય પુરસ્કારનો સમાવેશ થાય છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘અનુભવકે આકાશ મેં ચાંદ’માં સામાજિક ચિંતન, વિવિધરંગી પ્રકૃતિનાં સંસ્મરણો તથા વિવિધ ર્દષ્ટિકોણથી રજૂ થયેલાં માનવભાવોનાં મોહક ચિત્રો જોવા મળે છે. તેમની કાવ્યશૈલીમાં સુઘડતા અને ચાહકતા છે.
બળદેવભાઈ કનીજિયા