જગાધરી : હરિયાણા રાજ્યના યમુનાનગર જિલ્લામાં આવેલું શહેર. તે 33° 10’ ‘ઉત્તર અક્ષાંશ, 77° 18’ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના નિર્માણમાં ગંગા નદીનો ફાળો અધિક હોવાથી તેને પહેલાં ગંગાધરી તરીકે ઓળખતા, પ્રાચીન સમયમાં પરંતુ અપભ્રંશ થતાં તે આજે જગાધરી તરીકે ઓળખાય છે. જગાધરી નજીક સુધ ગામ આવેલ છે. ઈ. પૂર્વે સાતમી સદીમાં અહીં બૌદ્ધશાળા આવેલી હતી જ્યાં ધર્મનું જ્ઞાન આપવામાં આવતું હતું. જગાધરી શહેરની પાસેથી આજે યમુના નદી વહે છે. તેની પશ્ચિમે જગાધરી રેલવે સ્ટેશન છે. પાકા રસ્તા દ્વારા તે રાજ્યનાં બીજાં શહેરો સાથે સંકળાયેલ છે.

આ શહેર હરિયાણાનું સૌથી મહત્વનું ઔદ્યોગિક શહેર ગણાય છે. પ્રાચીન સમયથી આ શહેર બિનલોહધાતુની ચીજવસ્તુઓ માટે જાણીતું હતું. આજે આ શહેરમાં આશરે 750 કરતાં વધુ લઘુઉદ્યોગો આવેલા છે. કારખાનાંમાં તાંબા, પિત્તળ અને ઍલ્યુમિનિયમનાં વાસણો તેમજ યંત્રો માટેના ‘સ્પૅર પાર્ટ્સ’ બનાવવામાં આવે છે. દીવાસળી અને કાગળ બનાવવાના અનેક એકમો આવેલા છે.

અહીંની શ્રી ગોપાલ પેપરમિલ દર વર્ષે આશરે 15,000 ટન કાગળ ઉત્પન્ન કરે છે અને તેમાં 1500 જેટલા કારીગરો છે. અહીં લાકડાં વહેરવાની અનેક સૉ મિલ આવેલી છે. વસ્તી આશરે 3,07,837 (2022) છે.

નીતિન કોઠારી