જગમોહન, ‘સૂરસાગર’ ‘ગીતિરત્ન’

January, 2012

જગમોહન, ‘સૂરસાગર’ ‘ગીતિરત્ન’ (જ. 6 સપ્ટેમ્બર 1918, કૉલકાતા; અ. 3 સપ્ટેમ્બર, 2003, મુંબઈ) : હિંદી સુગમ સંગીતના વિખ્યાત ગાયક તથા સ્વરરચનાકાર. પિતા જતીન્દ્રનાથ મિત્રના પચીસ વરસની વયે થયેલા અવસાન પછી એક મહિને જન્મેલા જગમોહનનું મૂળ વતન માલાગ્રામ. મૂળ નામ જગન્મય. બંગાળના રાજકુટુંબના દિગંબર મિત્રના પારિવારિક વંશજ એવા જગમોહનની નિસર્ગદત્ત સંગીતપ્રતિભા દાદા વિધુભૂષણ અને કાકા પંચાનન મિત્રના સંગીતશ્રવણના કારણે શિશુવયથી પાંગરવા માંડી. મૅટ્રિક્યુલેશન સુધી અભ્યાસ પણ સંગીતની તાલીમ ઉસ્તાદ ઝમીરુદ્દીન માસ્ટર ગામા, ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય અને રવીન્દ્ર સંગીતના જાણકાર નિષ્ણાત દિલીપકુમાર રૉય પાસેથી લીધી. 1937થી ઑલ ઇન્ડિયા રેડિયો પર કાર્યક્રમ આપવાની શરૂઆત કરી. એ જ વરસે અખિલ બંગાળની શાસ્ત્રીય ગાન સ્પર્ધામાં પ્રથમ નંબરે આવ્યા. 1939માં હિઝ માસ્ટર્સ વૉઇસ કંપની દ્વારા, મહાકવિ નઝરુલ ઇસ્લામે લખેલા અને એમણે જ સ્વરબાંધણી કરી આપેલા ગીત ‘શાઓન રાતે જદિ સ્મરણ આસે મોરે’ની ઝંઝા મલ્હાર રાગ પર આધારિત ગીતની એમની પ્રથમ રૅકર્ડ બહાર પડી. એ જ અરસામાં એક હિંદી ગીત ‘મુઝે ન સપનોં સે બહલાઓ’ મુખડાવાળા કવિ ફૈયાઝ હાશમીએ લખેલા અને આજપર્યંત જગમોહનની ઓળખસમા બની રહેલા હિંદી ગીતની રૅકર્ડ બહાર પડી. રવીન્દ્રનાથ ટાગોરના ઘનિષ્ઠ પરિચયમાં આવ્યા. એમનાં ગીતોની પોતે કરેલી સ્વરબાંધણી અને ગાયકી વડે પ્રભાવિત કર્યા. એમણે ગાયેલાં બે રવીન્દ્રગીતોની રૅકર્ડ 1940માં બહાર પડી.

પૌરુષસભર, મધુર કંઠ અને શાસ્ત્રીય તાલીમને કારણે બંગાળમાં અને બંગાળ બહાર અપાર લોકપ્રિયતા અર્જિત કરનાર આ નવયુવાન ગાયક તરફ ફિલ્મ ઉદ્યોગનું લક્ષ ગયું અને 1942માં તેમણે ‘પાથેર પથ’ ફિલ્મમાં કાનનદેવી સાથે બે દ્વંદ્વગીતો ગાયાં અને એ જ વરસે બંગાળમાં બનતી હિંદી ફિલ્મ ‘ભક્ત કબીર’માં હિમાંશુ દત્ત- (‘સૂરસાગર’)ના સંગીતનિર્દેશનમાં ‘અબ રામ ભજે’ ગીત ગાવાની તક મળી. બંગાળમાં બનેલી ‘હૉસ્પિટલ’ (1943), ‘સુબ્હાશામ’ (1944), ‘મેઘદૂત’ (1945) અને હિંદી ભાષામાં ‘જમીન-આસમાન’ ‘કૃષ્ણલીલા’ અને ‘પહેચાન’ ફિલ્મોમાં સંગીત આપ્યું. આ ઉપરાંત બંગાળીમાં એમનાં ‘ચિઠ્ઠી’ અને અન્ય બિનફિલ્મી ગીતો પણ અપાર લોકપ્રિયતાને પામ્યાં હતાં. 1945માં બંગાળના ભટપલ્લિ પંડિત સમાજ તરફથી અતિ પ્રતિષ્ઠિત ગણાતા ‘સૂરસાગર’નો ઇલકાબ એમને એનાયત થયો.

જગમોહન

1950ના અંતમાં વી. શાંતારામના મરાઠી ચિત્રના બંગાળી ડબિંગનાં કેટલાંક ગીતો રૅકર્ડ કરવા મુંબઈ આવ્યા. તબિયતના કારણે ફરી કૉલકાતા જઈને વળી એક વાર ભારતીય વિદ્યાભવનનો સંગીત કાર્યક્રમ આપવા મુંબઈ આવ્યા અને ‘ફિલ્મીસ્તાન’ કંપનીમાં સંગીત દિગ્દર્શક તરીકેની નોકરી સ્વીકારી. એ નોકરી એમણે છ માસમાં જ છોડી અને ફિલ્મોમાં ગાવા ઉપરાંત બિનફિલ્મી ગીતો ગાવા તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. હિંદી ફિલ્મજગતમાં એમણે એકમાત્ર ફિલ્મ ‘સરદાર’(1955)માં સંગીત આપ્યું. ફિલ્મોમાં ગાવાનું એમના રુચિતંત્રને પ્રતિકૂળ જણાતાં એમણે ફિલ્મી જગત છોડ્યું. ત્યારે બિનફિલ્મી ગીતોની માંગ પણ રહી નહોતી. 1956માં એમનું છેલ્લું ગીત ‘યે માના કી તુમસે ન મિલ પાયેંગે હમ’ મુંબઈમાં રૅકર્ડ થયું. એ પછી સદંતર તેઓ સંગીતની મહેફિલો, મંચીય કાર્યક્રમો અને ઑલ ઇન્ડિયા રેડિયો પર ગાવામાં વ્યસ્ત રહ્યા. તે નિમિત્તે તેમણે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ, કૅનેડા જેવા દેશો ઉપરાંત સ્વદેશમાં પ્રવાસ ખેડ્યો. ગુજરાતમાં કવિ ઉમાશંકર જોશી સાથેના સ્નેહ-સંબંધને લીધે તથા અન્ય કાર્યક્રમોને માટે અવારનવાર આવતા રહ્યા.

બિનફિલ્મી ક્ષેત્રે પરંપરિત પ્રકારોમાં ગીતો રેકર્ડ થતાં હતાં ત્યારે પોતાની આગવી છટાથી ગાઈને તેમણે હિંદીમાં સુગમ સંગીત પ્રચલિત કર્યું. એમણે ફિલ્મોમાં ગાયેલાં ગીતોમાંથી ‘મેઘદૂત’(1945)ના ‘ઓ બરસા કે પહેલે બાદલ’ ગીતે લોકપ્રિયતાનું શિખર હાંસલ કર્યું. તેમનાં બિનફિલ્મી હિંદી ગીતો તો લગભગ દરેક પેઢીના સ્મરણમાં રહ્યાં છે. ‘દિલ દેકર દર્દ લિયા’, ‘દિલકો હૈ તુમસે પ્યાર ક્યૂં’, ‘યે ચાંદ નહીં તેરી આરસી હૈ’ જેવાં ગીતો એમાંના માત્ર નમૂનારૂપ છે. મહાત્મા ગાંધીના સૂચનથી માત્ર છ મિનિટના ગાળાનું તેમણે ગાયેલું ‘સપ્તકાંડ રામાયણ’ લોકપ્રિય છે. લખનૌના નૃત્યકાર-સંગીતકાર શંભુ મહારાજ સાથે તેમણે ‘બાબુલ મોરા’ દિવસો લગી શીખીને તેમના એ ગીત પૂરતા ગુરુભાઈ કે. એલ. સાયગલ કરતાં જુદા અંદાજથી ગાઈને જુદો જ ચાહકવર્ગ ઊભો કર્યો. તેમણે લગભગ પાંચસો જેટલાં બંગાળી અને તેટલાં જ હિંદી ગીતો ગાઈને ભારતીય સંગીતને સમૃદ્ધ કર્યું છે. હાવરા પંડિત સમાજે એમને ‘ગીતિરત્ન’ની પ્રતિષ્ઠિત ઉપાધિ એનાયત કરી છે. તેમના અમદાવાદ ખાતેના ચાહકોએ વિખ્યાત ગઝલ-ગાયક પંકજ ઉધાસના અધ્યક્ષપણા નીચે સંગીતસેવા અર્થે 1992માં ‘જગમોહન ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી અને એ જ વર્ષે અમદાવાદ મહાનગરપાલિકાએ તેમનું નાગરિક-સન્માન કર્યું હતું.

રજનીકુમાર પંડ્યા