જગમલ મેહર : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટિમ્બાણક (હાલનું ટિમાણા) ગામનો શાસક. એણે ઈ. સ. 1208 (વિ.સં. 1264)માં તળાજા તીર્થમાં બે શિવાલય બંધાવીને એના નિભાવ માટે જમીન આપી હતી એવી વિગત એક તામ્રપત્રમાંથી જાણવા મળે છે. એ તામ્રપત્રમાં એનો ઉલ્લેખ ‘મેહરરાજ’ તરીકે કરવામાં આવ્યો છે. ભીમદેવ 2જાનો મહાઅમાત્ય રાણક ચાચિંગદેવ આ વિસ્તારમાં સત્તા પર હતો ત્યારે તેના સામંત તરીકે જગમલે આ દાન આપ્યું હતું. એની સત્તા ટિમ્બાણક ઉપરાંત ફૂલસર, બાલાક અને કાંબલઉલિ ગામો પર હોવાની શક્યતા છે. એના પિતાનું નામ ચઉંડરા અને દાદાનું નામ મહેરરાજ આન હતું. 1216ના મહુવા (જિ. ભાવનગર)ના એક જૈન પ્રતિમાલેખ પરથી જાણવા મળે છે કે એ વર્ષમાં ટિમ્બાણકમાં મેહરરાજ રણસિંહનું શાસન હતું. એ રણસિંહ જગમલ મેહરનો પુત્ર હોવાનો સંભવ છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી