જગન્નાથન, કે. વી. (જ. 11 એપ્રિલ 1906, કૃષ્ણનારાયણપુરા, તમિળનાડુ, અ. 4 નવેમ્બર 1988) : પ્રશિષ્ટ તમિળ સાહિત્યના અને શૈવ ભક્તિસાહિત્યના સર્જક અને વિદ્વાન. તેમણે ટૂંકી વાર્તા, ભ્રમણવૃત્ત અને કવિતાના સર્જન ઉપરાંત ભક્તિસાહિત્ય વિશે નિબંધો લખ્યા છે. તેમના પ્રશિષ્ટ સાહિત્ય પરના નિબંધો અને પ્રાચીન વીરોનાં રેખાચિત્રોનો સંગ્રહ ‘વિરાર ઉલગમ્’(1965)ને 1967નો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે; તો ‘પવલ મલ્લિકાઈ’ અને ‘કલ ઇગ્નન થીગમ્’ (1940) ટૂંકી વાર્તાના સંગ્રહોને રાજ્યકક્ષાના ઍવૉર્ડ મળ્યા છે.
કે. વી. જગન્નાથને મદ્રાસ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તમિળ સાહિત્યના વિખ્યાત વિદ્વાન ડૉ. યુ. વી. સ્વામીનાથ આયર સાથે તે આરંભથી જ જોડાયેલા હતા; તરુણાવસ્થાથી જ લેખનપ્રવૃત્તિ શરૂ કરી, ત્રેવીસમે વર્ષે ‘કલાઇમગલ’ના તંત્રી બન્યા હતા. તેઓ વાર્તાઓમાં જૂની રૂઢિઓને નવો સ્વાંગ આપીને આલેખે છે. લોકસાહિત્યના અભ્યાસ વિશે તેમણે ‘નદોદિ ઇલક્કિયમ્’ (1944), ‘કુલન્દઈ ઉલગન’ (1952) જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમણે ‘મલઈ અરુવિ’ (1958) સંગ્રહમાં લોકગીતોનું સંપાદન કર્યું છે. લોકગીતો આરંભના તમિળ સાહિત્યના પરિચય માટેનો મુખ્ય આધાર છે. ધાર્મિક રચનાઓ અને કૃતિઓ સાથે તેમનું નામ સંકળાયેલું હોવાથી તેમને ‘વાગીશ કલાનિધિ’, ‘શૈવ ભૂષણમ્’ જેવાં બિરુદોથી નવાજવામાં આવ્યા છે. તેમણે પ્રાચીન પ્રશિષ્ટ સાહિત્યનાં સૌંદર્ય અને સમૃદ્ધિ સામાન્ય જનસમાજ સમક્ષ ઉદઘાટિત કરી આપ્યાં છે, તેથી એક પંડિત તરીકે તેમનું બહુમાન કરવામાં આવ્યું છે. તે તમિળની પ્રશિષ્ટ કૃતિઓ પર રસપ્રદ અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપનાર પ્રભાવક વક્તા પણ છે. તમિળ સાહિત્ય અને સંસ્કૃતિ, તેમજ ધાર્મિક કૃતિઓ પર પરદેશોમાં તેમણે વ્યાખ્યાનો આપેલાં છે.
અનિલા દલાલ