જગજીવનરામ (જ. 5 એપ્રિલ 1908, ચંદવા, જિ. શહાબાદ, બિહાર; અ. 6 જુલાઈ 1986) : ભારતના અગ્રગણ્ય રાજનીતિજ્ઞ, સમાજસુધારક, સ્વાતંત્ર્યસેનાની તથા દેશના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન. તેઓ અંત્યજ ગણાતી ચમાર જ્ઞાતિમાં જન્મ્યા હતા. તેમના કાકા લશ્કરમાં હતા. પિતા શોભીરામ લશ્કરની હૉસ્પિટલમાં સામાન્ય નોકરી કરતા હતા. ગામ બહાર પચરંગી માહોલમાં કામ કરવાથી કુટુંબને નવો દરજ્જો મળે તે અપેક્ષા સ્વાભાવિક છે. શોભીરામ સંસ્કારી સમાજના સંબંધથી પૂજાપાઠ કરતા તેથી તેમણે પોતાની જ્ઞાતિમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. પુત્ર જગજીવનરામ સારું શિક્ષણ મેળવે એવી એમની અભિલાષા હતી. જગજીવનરામે કૉલેજનું ઇન્ટરમીડિયેટ સુધીનું શિક્ષણ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં અને બી.એસસી. (1931) સુધીનું શિક્ષણ કૉલકાતામાં લીધું.
જગજીવનરામ વિદ્યાર્થી હતા ત્યારે ઉત્તર ભારતમાં આર્યસમાજ અને ગાંધીજીના વિચારોનો સમાજસુધારણા ક્ષેત્રમાં ઘણો પ્રભાવ હતો. ઉત્તરપ્રદેશના સત્તરમી સદીના ભક્તકવિ રવિદાસ જે પોતે ચમાર
જ્ઞાતિના હતા તેમનો પ્રભાવ ત્યાંના હરિજનોમાં ઠીક ઠીક હતો. જગજીવનરામ આ વાતાવરણમાં ઊછર્યા. ઉપરાંત બનારસમાં પંડિત મદનમોહન માલવિયાની પ્રગતિશીલ વિચારસરણી તેમણે આત્મસાત્ કરી. હરિજનોના ઉત્થાન માટે સમાજસુધારણા અને શિક્ષણ મહત્વનાં છે તેવું તેઓ માનતા થયા. કૉલકાતામાં તેમણે રવિદાસ સભાની સ્થાપના કરી અને હરિજનોમાં જાગૃતિ માટે પ્રયત્નો કર્યા. શરૂઆતમાં દારૂબંધી અને મરેલા જાનવરનું માંસ નહિ ખાવા માટેનો પ્રચાર કર્યો. તેઓ માનતા કે આપણા સમાજની અસ્પૃશ્યતા જેવી બદીઓ ભારતીય સમાજ અને તત્વજ્ઞાન સાથે સુસંગત નથી. આ વિકૃતિઓ પરદેશીઓ દ્વારા આવી છે. સૌપ્રથમ 1933માં તેઓ બિહાર હરિજન સેવક સંઘના મંત્રી બન્યા. 1935માં કાનપુરમાં ‘ડિપ્રેસ્ડ ક્લાસીસ યુનિટી કૉન્ફરન્સ’ મળી તેના તે સેક્રેટરી બન્યા. ત્યારબાદ બિહાર પ્રદેશમાં આવી પરિષદનું આયોજન કર્યું. ગાંધીજીની વિચારસરણી સાથે કૉંગ્રેસના માળખામાં રહી હરિજન ઉત્થાનનું કાર્ય આજીવન સ્વીકાર્યું.
કૉલકાતામાં ભણતા હતા ત્યારે જ તેઓ કૉંગ્રેસની પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. 1928માં કૉંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો. 1937માં બિહાર વિધાનસભામાં ચૂંટાયા અને કૉંગ્રેસ પ્રધાનમંડળમાં સંસદીય સચિવ બન્યા. 1940માં બિહાર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના મંત્રી બન્યા. ગાંધીજીના આદેશ મુજબ 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો અને ધરપકડ વહોરી લીધી. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ 14 માસ માટે જેલ ભોગવી. 1946ના પ્રથમ વચગાળાના કેન્દ્રીય પ્રધાનમંડળમાં મજૂર ખાતું સંભાળ્યું. ત્યારપછી સ્વતંત્ર ભારતમાં જુદાં જુદાં કેન્દ્રીય પ્રધાનમંડળોમાં મજૂર, સંરક્ષણ, અન્ન અને ખેતી વગેરે મંત્રાલયોની જવાબદારી સંભાળી. જમીનસુધારણાના અસરકારક અમલ વગર હરિજનોના પ્રશ્નો ઉકેલી શકાશે નહિ એવું તે માનતા. કારણ કે મોટા ભાગના હરિજનો જમીનવિહોણા ખેતમજૂર છે. સ્વતંત્રતાના આંદોલન વખતે અને ત્યારબાદ તેમણે હરિજનો અને પછાત વર્ગોના પ્રશ્ન પર ખાસ ધ્યાન આપ્યું હતું.
1969માં જ્યારે કૉંગ્રેસ વિભાજિત થઈ ત્યારે જગજીવનરામ ઇન્દિરા ગાંધી સાથે રહ્યા અને કૉંગ્રેસ પ્રમુખ બન્યા. 1971ની લોકસભા અને 1972ની વિધાનસભાઓની ચૂંટણીમાં કૉંગ્રેસની રણનીતિ અને લોકનીતિ ઘડવામાં તેમનું પ્રદાન અતિ મહત્વનું રહ્યું. 1977માં ‘કટોકટી’ બાદ, તેમણે ઇન્દિરા ગાંધીની કૉંગ્રેસ છોડી દીધી, ‘કૉંગ્રેસ ફૉર ડેમોક્રસી’ પક્ષની સ્થાપના કરી અને પાછળથી જનતા મોરચામાં જોડાયા.
1977માં કેન્દ્રમાં મોરારજી દેસાઈના વડાપ્રધાનપદે જે સરકારે દેશનું સુકાન સંભાળ્યું તેમાં જગજીવનરામ નાયબ વડાપ્રધાન બન્યા હતા (1977–79). તેઓ ‘બાબુજી’ના હુલામણા નામે જાણીતા હતા.
લોકસભાના હાલના (2012) સ્પીકર મીરાંકુમાર તેમનાં પુત્રી થાય છે.
ઘનશ્યામ શાહ