જકાત : ચીજવસ્તુઓની પ્રાદેશિક હેરફેર દરમિયાન તેના પર લેવાતો કર. વિદેશોમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર દેશમાં નાખવામાં આવતા કરને આયાત જકાત, દેશમાંથી વિદેશો ખાતે નિકાસ થતી ચીજવસ્તુઓ પર નાખવામાં આવતા કરને નિકાસ જકાત અને કોઈ ત્રીજા દેશની આયાતી અથવા નિકાસી ચીજવસ્તુઓ દેશની રાષ્ટ્રીય સરહદમાંથી પસાર થતી હોય તેના પર નાખવામાં આવતા કરને હેરફેર પરની જકાત કહેવામાં આવે છે. આ ત્રણે પ્રકારોમાં સૌથી મહત્વની ‘આયાત જકાત’ છે. આથી જકાત એટલે બહુધા આયાત જકાત.

આયાત જકાતના મુખ્ય 3 વિભાગો પાડી શકાય : (1) જકાતના સ્વરૂપને આધારે વિશિષ્ટ જકાત, મૂલ્યાનુસાર જકાત અને મિશ્રિત જકાત રૂપે તેને વર્ગીકૃત કરી શકાય.

() વિશિષ્ટ જકાત : વસ્તુનું વજન અથવા માપ લક્ષમાં રાખી, તેને આધારે ચોક્કસ નાણાકીય રકમ જકાત તરીકે નક્કી કરવામાં આવે છે. તેનો વહીવટ સરળ હોય છે કારણ કે તેમાં વસ્તુની કિંમત નક્કી કરવાની ઝંઝટમાં પડવું પડતું નથી; જકાત સહેલાઈથી નક્કી કરી શકાય છે. જકાત ઉઘરાવવાનું ખર્ચ ઘણું ઓછું હોય છે; પરંતુ તેમાં કેટલીક મુશ્કેલીઓ પણ છે. કંઈક અંશે આ પ્રકારનો કર પ્રતિગામી કે ઓછો બને છે કારણ કે તુલનામાં નીચી કિંમતની વસ્તુઓ પર જકાતનો બોજો વધુ હોય છે અને પ્રજાનો ગરીબ વર્ગ આવી વસ્તુઓની વપરાશ વધુ કરતો હોય છે. કેટલાક કિસ્સામાં વિશિષ્ટ જકાત નક્કી કરવી મુશ્કેલ હોય છે. દા.ત., પ્રાચીન કલાકૃતિ અથવા પ્રાચીન હસ્તપ્રત.

() મૂલ્યાનુસાર જકાત : વસ્તુના મૂલ્યના અમુક ચોક્કસ ટકા જકાત તરીકે નક્કી કરવામાં આવે છે. જકાત, વસ્તુના ભૌતિક એકમને આધારે નહિ પણ વસ્તુના મૂલ્યને આધારે નક્કી કરવામાં આવે છે. મૂલ્યાનુસાર જકાતમાં કરવેરાનો ન્યાયનો સિદ્ધાન્ત સંતોષી શકાય છે. દેશના તવંગર વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી ઊંચી કિંમતની વસ્તુઓ પર જકાતનો બોજો વધુ પડે છે. બીજી તરફ દેશના મધ્યમ અને ગરીબ વર્ગ દ્વારા વપરાશમાં લેવાતી સસ્તી આયાતી વસ્તુઓ પર જકાતનો બોજો ઓછો હોય છે. વસ્તુના મૂલ્યમાં થતા ફેરફાર અનુસાર જકાતની ઊપજમાં આપોઆપ ફેરફાર થતો હોય છે. મૂલ્યાનુસાર જકાતનો આ મહત્વનો લાભ છે; પરંતુ તે સામે જુદી જુદી વસ્તુઓની કિંમતોમાં વિવિધતા હોવાને કારણે, વસ્તુની સાચી કિંમત નક્કી કરવામાં સરળતા રહેતી નથી. કરચોરી અટકાવવા સરકારને કર્મચારીઓનો મોટો કાફલો રોકવો પડે છે અને તેથી કર ઉઘરાવવાનું ખર્ચ ઘણું વધારે આવે છે. કરની ઓછી આકારણી થાય તે માટે આયાતકારો જે પ્રયત્નો કરે છે તે સમાજને નૈતિક અધ:પતનને માર્ગે દોરી જાય છે.

() મિશ્રિત જકાત : કેટલીક વાર સરકાર વિશિષ્ટ તેમજ મૂલ્યાનુસાર જકાતનાં એકત્ર પરિશિષ્ટો બહાર પાડે છે અને આયાતકારોને તેમાંથી ન્યૂનતમ હોય તે દર પસંદ કરવાની છૂટ આપે છે. જોકે દેશના ઉદ્યોગોને સંરક્ષણ આપતાં પગલાં સખત બનાવવાની જરૂરત જણાય તો સરકાર તરફથી જકાતનો મહત્તમ દર લાદવામાં આવે છે.

(2) જકાતના ઉદ્દેશને ધ્યાનમાં રાખી જકાતના 2 પ્રકાર પાડી શકાય : આવક જકાત અને સંરક્ષણાત્મક જકાત.

() આવક જકાત : આમાં જકાત નાખવાનો મૂળભૂત ઉદ્દેશ રાજ્ય માટે આવકપ્રાપ્તિનો હોય છે. સામાન્ય રીતે તેનો દર નીચો હોય છે અને તેનો ઉદ્દેશ આયાત ઘટાડવાનો કે અટકાવવાનો હોતો નથી. સામાન્યત: આવી જકાત વપરાશની વસ્તુઓ પર નીચા દરે નાખવામાં આવે છે. નીચા દરની જકાત માટે ઊંચી કિંમતની મોજશોખની વસ્તુઓ પણ પસંદ કરી શકાય, કારણ કે દેશમાં આવી વસ્તુઓની માગ મૂલ્યઅનપેક્ષ હોય છે. અલબત્ત તદ્દન નિરપેક્ષ આવક જકાત વાસ્તવમાં શક્ય નથી. આવક જકાતની થોડી યા વધુ સંરક્ષણાત્મક અસર હોય છે જ.

() સંરક્ષણાત્મક જકાત : દેશના ઉદ્યોગોને વિદેશની સસ્તી ચીજવસ્તુઓની ગળાકાપ હરીફાઈ સામે રક્ષણ પૂરું પાડવા આયાતી વસ્તુઓ પર લેવાતી જકાત. આયાતી વસ્તુઓ પર ઊંચા દરે જકાત નાખવામાં આવતાં વિદેશી વસ્તુઓની આયાત બંધ થાય છે અથવા ઘટી જાય છે. જકાતને કારણે આયાતી વસ્તુઓની કિંમતોમાં વધારો થાય છે. પરિણામે દેશમાં આવી વસ્તુઓ ઉત્પન્ન કરતા ઉદ્યોગો વિદેશી હરીફાઈ સામે ટકી શકે છે; પરંતુ આવી પરિસ્થિતિનો દેશના ઉદ્યોગો ગેરફાયદો પણ ઉઠાવે છે. તે ઉત્પાદનખર્ચ ઘટાડવા પ્રયત્નો કરતા નથી. ઊંચી કિંમતોને કારણે ગ્રાહકોનું શોષણ થાય છે. આથી વિકાસશીલ દેશો માટે સંરક્ષણનીતિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી બને છે.

(3) જકાત નીતિ નક્કી કરતી વખતે વિદેશો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે કે કેમ, તેને આધારે જકાતના 2 વિભાગ પાડી શકાય : સામાન્ય જકાત અને ભેદભાવયુક્ત જકાત.

() સામાન્ય જકાત : આ જકાતનો અમલ કરતી વખતે અન્ય દેશો વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. કોઈ પણ દેશમાંથી થતી આયાત પર સમાન દરે જકાત ઉઘરાવવામાં આવે છે.

() ભેદભાવયુક્ત જકાત : આ પ્રકારની જકાતમાં વિદેશો વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. સંસ્થાનવાદ, વ્યાપારી કરારો, જકાત મંડળો વગેરે કિસ્સામાં ભેદભાવયુક્ત જકાતનો આશ્રય લેવામાં આવે છે.

ગજાનન  ત્રિવેદી