જંબુસામિચરિઉ (ઈ. 1020) : શ્રમણ ભગવાન મહાવીરના પંચમ ગણધર સુધર્મસ્વામીના શિષ્ય જંબુસ્વામીના જીવનચરિત્રને વિષય બનાવતું અપભ્રંશ ભાષામાં 11 સંધિમાં રચાયેલું કાવ્ય. વીરકવિએ તેની રચના વિ. સં. 1076ના મહા સુદિ પાંચમના દિવસે પૂર્ણ કરી હતી.
કાવ્યની પ્રશસ્તિમાં કવિએ સ્વપરિચય આપ્યો છે તેનાથી જાણી શકાય છે કે તેના પિતાનું નામ દેવદત્ત હતું. કવિપિતા દેવદત્તે પણ અપભ્રંશમાં પધ્ધડિયા બંધમાં ‘વરાંગચરિત’ની રચના કરી હતી. કવિએ પોતાના પિતાને સ્વયંભૂ અને પુષ્પદન્તની કક્ષામાં ગણાવ્યા છે. કવિએ પોતાના ત્રણ નાના ભાઈઓ, અનેક પત્નીઓ અને એક પુત્રનો ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત રચનામાં કવિને એક વર્ષનો સમય લાગ્યો હતો તેવો પણ નિર્દેશ છે. કવિએ પોતાના અનેક પૂર્વવર્તી કવિઓનો નામનિર્દેશ દ્વારા ઉલ્લેખ કર્યો છે.
જંબુસામિચરિઉ વીરકવિની એકમાત્ર ઉપલબ્ધ રચના છે. કાવ્યની શરૂઆત મંગલાચરણ, દુર્જન-સજ્જનસ્મરણ, પૂર્વકવિ-વંદના, સ્વઅલ્પજ્ઞતા-જ્ઞાપન આદિથી થાય છે. આ પછી કથાની શરૂઆત મગધના રાજનગરના ઉપવનમાં પધારેલા ભગવાન મહાવીરની મગધરાજ શ્રેણિક દ્વારા સ્તુતિથી થાય છે. શ્રેણિક સાથેના વાર્તાલાપ દરમિયાન આકાશમાર્ગે ભગવાનના વંદનાર્થે આવેલ વિદ્યુન્માલીદેવના પૂર્વજન્મ વિશે શ્રેણિક પૃચ્છા કરે છે. તેના ઉત્તરમાં ભગવાન વિદ્યુન્માલીદેવના પૂર્વના બે મનુષ્યજન્મોની વાત કરે છે, જેમાં એક જન્મમાં બ્રાહ્મણપુત્ર ભવદત્ત અને બીજા જન્મમાં રાજકુમાર તરીકે જન્મી સંસારવિરક્ત બની ધર્મપાલન દ્વારા કેવી રીતે વિદ્યુન્માલી દેવ બન્યો છે અને સાત દિવસ પછી મનુષ્ય રૂપે અવતરી છેલ્લો કેવલી બનશે તેનું ભાવિકથન કરે છે. તે જ રીતે શ્રેણિકના વિદ્યુચ્ચર નામક ચોર વિશેના પ્રશ્નનો પણ જવાબ ભગવાન આપે છે. આમ, પ્રથમ ત્રણ સંધિઓમાં જંબુસ્વામીના પૂર્વજન્મોની કથા કરી કવિ ચોથા સંધિમાં જંબુસ્વામીના જન્મનું વર્ણન કરે છે.
અરહદાસ શ્રેષ્ઠીની પત્નીને ગર્ભમાં આવેલા સુષમા, વિદ્યુન્માલી- દેવના પ્રભાવથી સ્વપ્નમાં જંબુફળ આદિનાં દર્શન થાય છે. સમય જતાં તેને અપ્રતિમ સુંદર પુત્ર જન્મ્યો. તેનું નામ જંબુકુમાર રાખવામાં આવ્યું.
પાંચથી સાત સંધિ સુધી કવિ જંબુકુમારનાં અનેક પરાક્રમોનું કાવ્યાત્મક વર્ણન કરે છે. આઠમા સંધિમાં નગરના ઉપવનમાં પધારેલા સુધર્મસ્વામી પાસેથી પોતાના પૂર્વજન્મનો વૃત્તાંત સાંભળી જંબુકુમારને થયેલા વૈરાગ્યનું વર્ણન છે. સંસારવિરક્ત જંબુ મુનિ થવા ઇચ્છે છે; પરંતુ માતાના આગ્રહથી 8 શ્રેષ્ઠીકન્યાઓ સાથે પરણે છે. વૈરાગી જંબુને ભોગો ભોગવવા વીનવતી તેની પત્નીઓ અને જંબુકુમાર વચ્ચે પ્રથમ રાતે જ લાંબી ચર્ચા થાય છે. પત્નીઓ તેને અનેક વૈરાગ્ય- વિરોધી કથાઓ દ્વારા વૈરાગ્યથી પાછો વાળવા ઇચ્છે છે, જંબુકુમાર વૈરાગ્યયુક્ત કથાઓ દ્વારા તેમને વૈરાગી બનાવવા ઇચ્છે છે. દરમિયાન ચોરી કરવા મહેલમાં પ્રવેશેલ વિદ્યુચ્ચર ચોર જંબુની માતા પાસેથી તેના પ્રખર વૈરાગ્યની વાત જાણી ચોરીની વાત બાજુ પર રાખી પ્રતિજ્ઞા કરે છે કે પોતે કાં તો જંબુને વૈરાગ્ય છોડાવશે અથવા પોતે વૈરાગી બની જશે!
દસમા સંધિમાં જંબુકુમાર અને વિદ્યુચ્ચર સામસામે અનેક વૈરાગ્યપ્રેરક અને વૈરાગ્યવિરોધી ર્દષ્ટાંતો દ્વારા એકબીજાને પ્રભાવિત કરવા પ્રયત્ન કરે છે તેનું વિસ્તૃત વર્ણન છે. અંતે જંબુની જીત થાય છે. જંબુકુમાર સુધર્મસ્વામી પાસે દીક્ષિત થાય છે. વિદ્યુચ્ચર પણ તેનો શિષ્ય બને છે.
જંબુચરિત વાંચવા-સાંભળવાથી થતા મંગળ લાભનો સંકેત કરી અગિયારમા સંધિમાં કાવ્ય પૂર્ણ થાય છે.
જંબુસ્વામીના સ્વાભાવિક ચરિત્રચિત્રણથી, સુંદર અને આલંકારિક વર્ણનોથી, સરળ અને ક્વચિત્ શ્લિષ્ટ ભાષા-શૈલીથી, શૃંગાર અને વીરરસના નિરૂપણ છતાં એકંદર વૈરાગ્ય દ્વારા શાંત રસના નિર્વાહથી, વિવિધ માત્રામેળ છંદો અને પ્રસંગોપાત્ત વર્ણમેળ છંદોના ઉચિત પ્રયોગથી અને અનેક આડકથાઓથી જંબુસામિચરિઉ અપભ્રંશ ભાષાની એક વિશિષ્ટ સંધિબદ્ધ કાવ્યકૃતિ બની રહે છે.
રમણિકભાઈ મ. શાહ