જંબુવિજયજી મ. સા. : જૈન હસ્તપ્રતોના મહાન સંશોધક અને પ્રકાંડ વિદ્વાન.
પ્રાચીન ભાષા અને હસ્તપ્રતોના સંશોધનની વાત થતી હોય ત્યારે પરમ પૂજ્ય મુનિશ્રી જંબુવિજયજી મ. સા.નું સ્મરણ અચૂક આવે જ.
શ્રી જંબુવિજયજી મહારાજ ચારિત્રવાન અને વિદ્વાન તો હતા જ, સાથે તપસ્વી પણ એટલા જ હતા. એ સાધુપુરુષ પ્રભુના જાપમાં તન્મય બની જતા ત્યારે એમને કશાયનો ખ્યાલ રહેતો નહિ. માતા-પિતા અને બહેનની સાથે સંયમ ગ્રહણ કરીને સંયમસાધનાની સાથે જ્ઞાનસાધનાનો પ્રારંભ કર્યો. મા શારદાની કૃપા ભળવાથી એમણે જૈન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનું જાણે નવું પ્રભાત પ્રગટાવ્યું.
શ્રી જંબુવિજયજી મ. સા. સતત વિહાર કરીને દેશભરમાંથી ઉત્તમ પ્રતો શોધીને તેનું સંશોધન કરવામાં મગ્ન રહેતા. અનેક ભાષાઓના જ્ઞાની શ્રી જંબુવિજયજીએ ‘દ્વાદસાર નયચક્ર’ નામના ગ્રંથનું સંપાદન શરૂ કર્યું ત્યારે તેની એક પ્રત તિબેટમાંથી મેળવવા માટે તેમણે ભાવનગરના મિલમાલિક શ્રી ભોગીભાઈને પ્રેરણા કરીને તિબેટ મોકલેલા. તિબેટની સ્થાનિક ‘ભોટ’ ભાષા પણ તેઓ શીખેલા. દેશવિદેશના વિદ્વાનો પણ તેમને આ કારણે જાણતા હતા.
એક વાર વિહાર કરી શ્રી જંબુવિજયજી બનારસ પહોંચ્યા. એમને સારનાથમાં બૌદ્ધ યુનિવર્સિટીનો જ્ઞાનભંડાર જોવા જવાનું મન થયું. ત્યાં ગયા. મુનિશ્રીએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. શાળટનને સંદેશ મોકલ્યો. પ્યૂને આવીને કહ્યું કે પ્રોફેસર વ્યસ્ત છે, હમણાં મળવું શક્ય નહિ બને.
મુનિશ્રી ત્યાં જ બેસી રહ્યા. થોડી વાર પછી પ્રો. શામટન બહાર આવ્યા. એમણે મુનિશ્રીને બેઠેલા જોઈને કહ્યું કે મને હમણાં ઘણું કામ છે, આજે નહીં મળી શકું, સૉરી ! અને પછી તરત જ પૂછ્યું, ‘આપનું શુભ નામ ?’
‘જંબુવિજય’ અને પ્રો. શામટન અટકી ગયા. તેમણે હાથ જોડીને પૂછ્યું. ‘‘ઓહ ‘દ્વાદસાર નયચક્ર’ના સંપાદક જંબુવિજયજી ? ’’ જી.
પ્રો. શામટન કહે, ‘અરે પધારો, પધારો !’ તમે મારી ઑફિસમાં પધારો. જ્યારથી ‘દ્વાદસાર નયચક્ર’ વાંચ્યું છે ત્યારથી તમને મળવા માટે મનમાં ઇંતેજારી હતી. આજે અણધાર્યો જ આપશ્રીનો ભેટો થયો. મારી યુનિવર્સિટીમાં આજે તો ભાગ્યોદય થયો.
પ્રો. શામટને યુનિવર્સિટીના હૉલમાં સૌ સ્ટાફ તથા પ્રોફેસરોને ભેગા કર્યા. આપણા આંગણે પ્રખર જ્ઞાનીપુરુષ જૈન સાધુ પધાર્યા છે. તેમનો લાભ લેવાનો છે. વારાણસીના વિદ્વાનોને પણ આમંત્રણ આપ્યું. થોડી વારમાં તો હૉલ ભરાઈ ગયો. મુનિશ્રી જંબુવિજયજી પાસે બેસીને દર્શનશાસ્ત્રના વિદ્વાનોએ જૈન દર્શન અને સ્યાદવાદની ચર્ચા કરી. એ જ્ઞાનગોષ્ઠિ પૂર્ણ થયા પછી પ્રો. શામટને કહ્યું, ‘એક જ્ઞાની પુરુષની વિનમ્રતા અને વિદ્વત્તા કેવી શોભાયમાન હોય છે તેનો સાક્ષાત્ દાખલો મુનિશ્રી જંબુવિજયજી છે. તેમનું હું સ્વાગત કરું છું અને વિનંતી કરું છું કે થોડા દિવસ અહીં જ રોકાવ અને જૈન દર્શન વિશે અમને કહો.’ મુનિશ્રી ત્યાં રોકાયા.
શ્રી જંબુવિજયજી મ. સા. એવા વિરલ જ્ઞાનીપુરુષ હતા જેમણે જ્ઞાનંભંડારમાં પડેલી વિદ્યાને જગત સમક્ષ મૂકી અને તેની દુર્લભ વિશિષ્ટતાનાં દર્શન કરાવ્યાં.
કનુભાઈ શાહ