જંતુભક્ષી (કીટાહારી) પ્રાણીઓ (insectivores) : કીટક અને કીટક જેવાં જંતુઓનો આહાર કરનાર પ્રાણીઓ. સૃષ્ટિ પરનાં બધાં પ્રાણીઓ પોતાના ખોરાક માટે અન્ય સજીવો પર આધાર રાખતાં હોય છે. પ્રાણીઓની કુલ જાતિઓની 60 % જેટલી વસ્તી માત્ર કીટકોની બનેલી છે. તેથી ઘણાં પ્રાણીઓ પોષક તત્ત્વો મેળવવા કીટકોનું ભક્ષણ કરે તેમાં નવાઈ નથી. જમીન પર કીટકો જ્યાંત્યાં પ્રસરેલા છે. માનવવસાહતમાં તો વંદો, મચ્છર, માખી, ઊધઈ, માંકડ, કીડી જેવા કીટકો મોટી સંખ્યામાં જોવા મળે છે. માનવીના વાળમાં પણ કીટકો (જૂ) વાસ કરતા હોય છે. સાથીના વાળમાંથી જૂને પકડીને પોતાના મોઢામાં નાખતાં વાંદરાંને ઘણાએ જોયાં હશે. નિવસનતંત્રની વ્યવસ્થા હેઠળ અગણિત સંખ્યામાં પેદા થતા કીટકોનું ભક્ષણ કરી સંખ્યાની ર્દષ્ટિએ પૃથ્વી પર કીટકોની સમતુલા જાળવી રાખવામાં કીટાહાર મદદરૂપ નીવડે છે.
મોટા ભાગના પુખ્ત વયના કીટકો જમીન પર જીવન પસાર કરે છે અને સ્થળચર પ્રાણીઓનો આહાર બને છે. કેટલાક કીટકોની આદ્યાવસ્થા પાણીમાં પસાર થાય છે. તેથી કીટકોનાં ઈંડાં, ડિમ્ભ, કોશેટો વગેરેને માછલી જેવા જલજીવો ખાતા હોય છે. માનવ આમ તો મિશ્રાહારી પ્રાણી છે; પરંતુ તેના એક વખતના પૂર્વજો કીટાહારી હતા. આજે પણ ડુંગરાળ પ્રદેશમાં કે જંગલમાં વાસ કરતા ઘણા આદિવાસીઓ કીડીઓને પકડીને ખાતા હોય છે.
કીટાહારી પ્રાણીઓ
1. અષ્ટપાદી (Arachnida) : આ વર્ગનાં વીંછી અને કરોળિયા જેવાં પ્રાણીઓ કીટકોનું ભક્ષણ કરે છે. મોટા ભાગના કરોળિયા જાળું બાંધીને તેની મધ્યમાં રહેતા હોય છે. અન્ય કેટલાક પડદા જેવાં પાતળાં આવરણ બનાવીને તેની નીચે વાસ કરે છે. કેટલાક તો ઢંકાયેલા દરમાં રહે છે. કીટકો તેમનો મુખ્ય આહાર છે. બાલારામ અને ડાંગ જેવા પ્રદેશોમાં મોટા કદના કરોળિયા 1 મીટર જેટલું જાળું બાંધી, ફસાયેલા કીટકોને ચૂસીને તેના શરીરના પ્રવાહીનું પ્રાશન કરે છે.
અષ્ટપદી વર્ગની ઇતરડી અને વીંછી કીટકભક્ષી હોય છે.
2. બહુપાદી : આ વર્ગનાં કાનખજૂરો જેવાં પ્રાણીઓ કીટાહારી હોય છે.
3. કીટકો : ઘણા કીટકો પોતાના કરતાં નાના કીટકોને આહાર તરીકે પકડે છે. ગામડાંમાં ભૂવા(ઘૂઘો અથવા મોરવાણિયો)નાં ડિમ્ભ (larva) એક નાના શંકુ આકારના ખાડામાં સંતાઈ રહે છે. નાનાં જીવડાં ખાડામાં ઘસડાતાં ડિમ્ભો તેમને પકડીને ખાય છે.
પાકને નુકસાન કરનાર ઘણા કીટકો અન્ય કીટકોનું ભક્ષણ કરતા હોય છે. કોબીજને ઉપદ્રવ કરતી લીલી મોલો(aphid, મશી)ને દ્વિપક્ષ- (diptera)ની ઘણી ઇયળો ખાય છે અને પાકને નુકસાન કરતી અટકાવે છે. કેટલીક જાતની પરજીવી ભમરી કોબીજ તેમજ ફ્લાવરના પાકને નુકસાન કરનાર હીરાં ફૂદાંની ઇયળને ખાઈને તેને નિયંત્રણમાં રાખે છે. ખડમાંકડી (praying mantid) અને કેટલીક ભમરી સફરજનને નુકસાન કરતી મશીને ખાય છે. શેરડી અને ડાંગર પરની ગાભમારાની ઇયળ તેમજ કપાસનાં જીંડવાં ખાનાર ઇયળને ટાયકોગ્રામા કીટકો ભક્ષતા હોય છે. ખડમાંકડી તો અનેક જાતના કીટકોને ખાય છે. પાપડીના વેલા પર ઉપદ્રવ કરતી મોલોનું ભક્ષણ ટપકાંવાળા ભ્રમર (ladybird beetle) કરે છે. નીંદણ(weed)નું જૈવિક નિયંત્રણ ઘણા કીટકો દ્વારા થાય છે.
4. માછલી : મીઠા જળાશયમાં વાસ કરતી કેટલીક માછલીઓ કીટકોનાં ડિમ્ભો અને કોશેટાનું ભક્ષણ કરતી હોય છે. તેનો વ્યવહારુ ઉપયોગ મલેરિયાના નિયંત્રણમાં કરવામાં આવે છે. ગૅમ્બુઝિયા જેવી માછલીઓને મલેરિયાનો ઉપદ્રવ હોય તેવા પ્રદેશોનાં જળાશયોમાં ઉછેરવામાં આવે છે કારણ કે તેઓ મચ્છરનાં ડિમ્ભ અને કોશેટાનો આહાર કરે છે અને મચ્છરને પુખ્ત થતાં અટકાવે છે.
ઉભયજીવી પ્રાણીઓ : દેડકા કે મેંડક જેવાનો મુખ્ય આહાર કીટકો હોય છે. આ પ્રાણીઓની જીભ કીટકોનો શિકાર કરવા માટે અનુકૂલન પામેલી હોય છે. જીભનો આગલો છેડો નીચલા જડબા સાથે ચોંટેલો હોય છે અને પાછલો છેડો મુક્ત હોય છે. તેથી કીટક નજદીક આવતાં જીભને ચાબુકની જેમ તરત જ ઝડપથી બહાર કાઢીને કીટકોને પકડીને મોંમાં ધકેલે છે.
સરીસૃપો : ગરોળી દીવાલ પર બેઠેલા કીટકોને પકડીને ખાતી દેખાય છે. કાચિંડા પણ કીટકોને ભક્ષે છે. તેમની જીભ ઘણી લાંબી હોય છે. તેની મદદથી હવામાં અધ્ધર ઊડતા કીટકોનો શિકાર કરતા હોય છે. કેટલાક સાપ પણ તીતીઘોડા જેવા મોટા કીટકોને ખાતા હોય છે. જમીન પરના ઘણા કાચબા પણ કીટકોનો આહાર કરે છે.
પક્ષી : ઘણાં પક્ષીઓનો મુખ્ય આહાર કીટકો હોય છે. માખીમાર (fly catcher), ફુત્કી (warbler), પતરિંગા (beeeaters), તેતર (partridge), લાવરી (quail), મોર (peafowl), ઘુવડ (owl), દશરથિયું (night jar), લટોરો (shrike), કાળો કોશી (black drongo), ચકલી (sparrow), મેના (myna), વૈયું (rosy pastor), કલકલિયો(kingfisher) અને ઢોરબગલો (cattle egret) જેવાં ઘણાં પક્ષીઓ કીટાહારી છે. પક્ષીઓ દ્વારા થતા કીટકોના શિકારમાં ઘણી વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે પતરિંગા અને માખીમાર જેવાં પક્ષીઓ હવામાં ઉડ્ડયન કરતા કીટકોનો શિકાર કરે છે. ફુત્કી જેવા કીટકો ઉડ્ડયન કરનાર તેમજ જમીન પર વાસ કરનાર કીટકોનો આહાર કરે છે. મેના અને કાબર જેવાં પક્ષીઓ જમીનવાસી કીટકોને પકડે છે. ઢોરબગલો હંમેશાં ઢોરની પાછળ ફરતો હોય છે અને ઢોરના ચાલવાને કારણે જમીન પરથી ઊડતા કીટકોને પકડીને ખાય છે. લક્કડખોદ તો ચાંચની મદદથી કોતરીને વૃક્ષોની છાલ વચ્ચે વસતા કીટકોને પકડે છે.
સસ્તનો : અગાઉ જણાવ્યા પ્રમાણે જંગલમાં વાસ કરતા કેટલાક આદિવાસીઓ કીડીના દરમાં કે ઊધઈના રાફડામાં લાંબી ડાળખી ઘુસાડીને તેને ચોંટેલ કીટકોને પકડી મોંમાં નાખે છે. ચિમ્પાન્ઝી પણ આવી જ રીતે કીટકોને પકડીને ખાય છે. કેટલાક આરબ અને પૌરસ્ત્ય દેશોમાં તીડ, તીતીઘોડા જેવાં જંતુઓમાંથી વાનગી બનાવે છે. અમુક લોકો કીટકોને સૂકવીને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કીડીખાઉ (Insectivora) શ્રેણીનો શેળો અને છછુંદર પણ કીટકોનું ભક્ષણ કરે છે. નારાયણ સરોવર અભયસ્થાનમાં અને ગુજરાતનાં કેટલાંક અન્ય સ્થળોએ વાસ કરતું શલ્કી કીડીખાઉ(scaly ant-eater/ pangolin)નો ચહેરો લાંબો અને મોઢું દાંત વગરનું હોય છે. તેની જીભ લાંબી અને ચીકણી હોય છે, જે કીડીઓના શિકાર માટે અનુકૂળ હોય છે.
કીટાહારી વનસ્પતિ : કેટલીક વનસ્પતિ પણ કીટાહારી હોય છે, તે જાણીને નવાઈ થશે. ગુજરાતનાં ઘણાં મીઠાં જળાશયોમાં અર્કજ્વર (bladder wort) નામની વનસ્પતિ હોય છે. તેના દંડ પર કોથળી આકારનાં અંગો આવેલાં હોય છે, જેને એક ઢાંકણ હોય છે. ડિમ્ભ જેવા સૂક્ષ્મ જીવો કોથળીમાં જતાં તરત જ ઢાંકણ બંધ થાય છે. સૂક્ષ્મ જીવ કોથળીમાં ફસાય છે. વિનસ ફ્લાય ટ્રૅપ તેમજ અસમ અને હિમાલયનાં જંગલોમાં જોવા મળતી કલશ-વનસ્પતિ (pitcher plant) આવી જ રીતે કીટકોને પકડતી હોય છે. આવી વનસ્પતિ પાચક રસોનો સ્રાવ કરીને, કીટકોને પચાવે છે અને પોષક તત્ત્વો મેળવે છે.
રા. ય. ગુપ્તે