જંગલી કેળ : સં. वनकदली; હિં. जंगलीकेला; મ. काष्ठकेल; અં. wild banana; લૅ. Musa paradisiaca કે M. sapientum. જંગલી કેળનાં કેળાં મધુર, તૂરાં અને પચવામાં ભારે હોય છે. જંગલી કેળ-શીતલ, મધુર, બલવર્ધક, રુચિકર, દુર્જર તથા જડ છે. તે તૃષા, દાહ, શોષ તથા પિત્તનો નાશ કરે છે. બાકીના ગુણો વાવેલી કેળ જેવા છે. જંગલી કેળાં પ્રાય: માણસોને ખાવામાં ઉપયોગી નથી. તેનાં કંદ-ફળ(કેળાં)નું શાક અને લોટની રોટલી બનાવીને જંગલી લોકો ખાય છે. કેળનાં બીજ શીતળા તથા તેના જેવા બીજા વિસ્ફોટક રોગોને મૂળથી મટાડવા માટે પ્રસિદ્ધ છે. તે ખૂબ જ ઠંડાં હોઈ 2થી 3 દિવસના સેવનથી શરદી થઈ જાય છે. કૂતરાના દાંતના દંશ પર તેના બીજના ચૂર્ણનો લેપ કરાય છે. તે હેડકી તથા કુકડિયા ખાંસીમાં પણ લાભદાયક છે.
બળદેવપ્રસાદ પનારા