જંક ફૂડ :  વધુ માત્રામાં કૅલરી અને અતિ અલ્પ પ્રમાણમાં પોષણતત્ત્વો ધરાવતો આહાર. આ પ્રકારના આહારમાં ખાંડ તથા મીઠાનું પ્રમાણ વધુ હોય છે અને શરીરની વૃદ્ધિ માટે જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર અને પ્રોટીન જેવાં પોષણતત્ત્વોનો અભાવ હોય છે અથવા તો તેની માત્રા અલ્પ પ્રમાણમાં હોય છે. આ આહાર શરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનું નિયમિતપણે સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહે છે.

‘જંક’નો અર્થ કચરો અથવા તો બિનઉપયોગી થાય છે. આ પ્રકારનો આહાર શરીર માટે ઉપયોગી ન હોવાથી  તેના માટે ‘જંક’ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જંક ફૂડ ખાવાથી શરીરને કૅલરી તો મળે છે, પરંતુ તેનાથી શરીરનો વિકાસ થતો નથી અને શરીરની ક્રિયાશીલતા પર તેની નકારાત્મક અસર પડે છે. તેથી આ આહાર ‘એમ્પ્ટી કૅલરી (empty calorie)’ તરીકે પણ ઓળખાય છે. જેનો અર્થ થાય છે એવી કૅલરી જે શરીરને ઊર્જા તો આપે છે, પરંતુ શરીરના વિકાસ માટે જરૂરી પોષણ આપતી નથી.

બર્ગર, ફ્રાઇઝ, આઇસક્રીમ, ચૉકેલેટ, કૅન્ડી, ચિપ્સ જેવા ખાંડ અને મીઠાનું વધુ પ્રમાણ ધરાવતા ખાદ્ય પદાર્થો – જંક ફૂડ.

ખાંડ અને મીઠાની વધુ માત્રા ધરાવતા અને અતિ કૅલરીવાળા આ આહાર માટે ‘જંક ફૂડ’ પરિભાષાનો સૌપ્રથમ પ્રયોગ અમેરિકામાં થયો હતો. 1940ના દાયકામાં અમેરિકાના એક અખબારમાં આવતી સ્વાસ્થ્ય કૉલમ ‘ડૉ. બ્રેડીઝ હેલ્થ ટૉક’ હેઠળ પ્રકાશિત થયેલા લેખમાં પહેલી વાર ‘જંક ફૂડ’ પરિભાષાનો પ્રયોગ થયો હતો. આ લેખમાં તેને છેતરામણા ખોરાક (cheat food) તરીકે ઓળખાવવામાં આવ્યું હતું.

બીજા વિશ્વયુદ્ધ (1939-1945) બાદ અમેરિકામાં ‘ફાસ્ટ ફૂડ’નું ચલણ વધ્યું. વર્ષ 1940માં અમેરિકામાં ‘મેકડોનાલ્ડ’ ફાસ્ટ ફૂડ ચૅઇન(સાંકળ) રેસ્ટોરાં શરૂ થઈ અને 1948માં ‘મેકડોનાલ્ડ’એ બર્ગર અને ફ્રાઇઝ બજારમાં મૂક્યાં. ‘મેકડોનાલ્ડ’ને મળેલી જંગી સફળતાને પગલે અમેરિકામાં ‘ફાસ્ટ ફૂડ’ ક્ષેત્રે બીજી પણ કેટલીક રેસ્ટોરાં શરૂ થઈ. આમ, 1950 બાદ અમેરિકામાં ફાસ્ટ ફૂડ તથા પ્રોસેસ્ડ ફૂડનું પ્રમાણ વધ્યું. આ રેસ્ટોરાંઓ દ્વારા બર્ગર અને ફ્રાઇસ ઉપરાંત કૅન્ડી, ચિપ્સ, આઇસક્રીમ અને ઠંડાં પીણાં જેવા ખાદ્ય પદાર્થોનું મોટા પાયે વેચાણ થવા લાગ્યું.

અમેરિકાના આહારવિજ્ઞાનના ક્ષેત્રે કાર્યરત નિષ્ણાતોએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી અને સ્વાસ્થ્ય સંબંધિત જાગૃતિ આણવા માટે પ્રયત્નો શરૂ કર્યા. આવો જ એક પ્રયત્ન અમેરિકાના પોષણવિજ્ઞાની અને જંક ફૂડની હાનિકારક અસરો અંગે લોકજાગૃતિ આણવાનું કાર્ય કરતા માઇકલ ફેરાડે જેકોબ્સન(Michael Faraday Jacobson)એ પણ કર્યો. તેમણે પણ હાનિકારક ખાદ્ય પદાર્થો માટે ‘જંક ફૂડ’ પરિભાષાનો પ્રયોગ કર્યો. એ પછી પોષણરહિત અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી કરતા ખાદ્ય પદાર્થો માટે ‘જંક ફૂડ’ પરિભાષા વ્યાપક રીતે પ્રચલિત બની. આજે 21મી સદીમાં જંક ફૂડ ‘ઉચ્ચ માત્રામાં કૅલરી, ચરબી, કાર્બોહાઇડ્રેડ, ખાંડ અને મીઠાનું પ્રમાણ ધરાવતા ખાદ્યપદાર્થો’ માટે સર્વસ્વીકૃત પરિભાષા બની ચૂકી છે અને અન્ય ભાષામાં પણ તેનો ઉપયોગ થાય છે. ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ આ પ્રકારના આહારને વ્યાખ્યાયિત કરવા ‘જંક ફૂડ’ પરિભાષાનો જ ઉપયોગ કરવામાં આવે છે.

બ્રાન્ડેડ જંક ફૂડનો ઇતિહાસ : સામાન્ય રીતે જંક ફૂડ કોઈ એક ખોરાકનું નામ નથી, પરંતુ ચૌક્કસ પ્રકારના ખોરાકના જૂથ માટે તેનો પ્રયોગ થાય છે. ખાદ્ય ઇતિહાસકારો અને આહાર-વિજ્ઞાનીઓના મતે વિશ્વના પ્રથમ બ્રાન્ડેડ જંક ફૂડનું ઉત્પાદન અમેરિકાએ કર્યું હતું. 1886માં અમેરિકાના ઔષધિકાર અને ઔષધિવિક્રેતા જ્હોન સ્ટિથ પેમ્બરટને દવા જેવા ટૉનિક તરીકે ‘કોકા કોલા’ બજારમાં મૂક્યું. જે થોડા જ સમયમાં ખૂબ લોકપ્રિય બન્યું અને પછીથી તે ઠંડાં પીણાં તરીકે વેચાવા લાગ્યું. 1896માં ‘ક્રેકર જેક’ બ્રાન્ડ હેઠળ ખાંડનું પડ ચડાવેલી સિંગ અને પૉપકૉર્નની કૅન્ડી બજારમાં આવી. આ બન્ને ખાદ્ય પદાર્થો બહું ટૂંકા ગાળામાં અમેરિકા અને અમેરિકાની બહાર યુવાનો અને બાળકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યા.

ત્યારબાદ અમેરિકાની જાણીતી ચૉકલેટ કંપની હર્સીએ ચૉકલેટ, ગળપણવાળી મીઠાઈઓ બજારમાં મૂકી અને 1930ના દાયકામાં બટેકાની ચિપ્સ જેવા રેડી ટુ ઇટ તળેલા નાસ્તાનાં પૅકેટ મોટા પાયે વેચાવા લાગ્યાં. 1940માં મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરાએ જંક ફૂડને વ્યાપક લોકપ્રિયતા અપાવી.

પોષણયુક્ત આહાર વિરુદ્ધ જંક ફૂડ :  શરીરની કાર્યશીલતા, વૃદ્ધિ અને તંદુરસ્તી માટે ઉષ્ણતા, ખનિજો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન (પ્રજીવકો) અને અન્ય પોષક દ્રવ્યો જરૂરી છે. શરીરની આ જરૂરિયાત પૂર્ણ કરી શકતા ખાદ્ય પદાર્થોને સમતોલ આહાર કહે છે. આહાર દ્વારા મળતું પોષણ મનુષ્યના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અતિ આવશ્યક છે તથા તેના દ્વારા દૈનિક પ્રવૃત્તિ આનંદપૂર્વક કરી શકવા માટેનો જુસ્સો અને બળ પ્રાપ્ત થાય છે. આથી વ્યક્તિએ તેની દૈનિક જરૂરિયાત મુજબ સમતોલ આહાર લેવો જરૂરી છે. સમતોલ આહારમાં સામાન્ય રીતે લીલાં પાંદડાંવાળાં શાકભાજી, ઋતુ પ્રમાણેનાં ફળો, દૂધ અને દૂધની બનાવટો, અનાજ, અલગ અલગ પ્રકારની દાળ, કઠોળ, માંસ, મચ્છી અને ઈંડાંનો સમાવેશ થાય છે. આ આહાર દ્વારા શરીરને તેની જરૂરિયાત મુજબનાં પોષકદ્રવ્યો મળી રહે છે.

ફળો, શાકભાજી, અનાજ, કંદમૂળ, કઠોળ, ઈંડાં, સૂકો મેવો, મચ્છી વગેરે ખાદ્ય પદાર્થોઃ સમતોલ આહાર

જ્યારે જંક ફૂડમાં બ્રેડ, પાંઉ, કેક, પેસ્ટ્રી, ડોનટ જેવાં બેકરી ઉત્પાદનો, ચિપ્સ, સમોસા, નાચોઝ, ફ્રાઇઝ જેવા તળેલા ખોરાક, વધુ પડતી ગળપણવાળી કૅન્ડી, આઇસક્રીમ, ચૉકલેટ બાર, સૉફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ તથા પિત્ઝા, વડાપાંઉ, હૉટડૉગ, બર્ગર, નૂડલ્સ, મોમોઝ, પાસ્તા, ચાઉમીન, રેડી ટુ ઇટ (ઇન્સ્ટન્ટ નાસ્તા) જેવા ખોરાકનો સમાવેશ થાય છે. આ પ્રકારના ખોરાકમાં સામાન્ય રીતે મેંદો, ખાંડ, મીઠું, તેલ, બટરનું પ્રમાણ અતિશય  હોય છે અને તેમાં કૃત્રિમ (artificial) રંગો, સ્વાદ, સોડમ તથા લાંબા ગાળા સુધીની જાળવણી માટે પરિરક્ષકો (preservatives)  ઉમેરવામાં આવ્યા હોય છે.

જંક ફૂડ પોષણયુક્ત આહાર
કૅલરીની વધુ માત્રા સંતુલિત કૅલરી
પોષક તત્ત્વોનો અભાવ પોષક તત્ત્વોથી ભરપૂર
વધુ પડતી ખાંડ, કાર્બોહાઇડ્રેટ અને ચરબી કુદરતી ગળપણ અને પોષણક્ષમ ચરબી
રેસાની માત્રા અતિ અલ્પ રેસાની માત્રા પ્રમાણસર
પ્રકમણ(processed) તાજો અને કુદરતી

જંક ફૂડ અને પોષણયુક્ત આહાર વચ્ચેનો તફાવત

જંક ફૂડનું બજાર : વધતા જતા શહેરીકરણ અને બદલાયેલી આધુનિક જીવનશૈલીએ જંક ફૂડના વિસ્તરણ પર પ્રભાવ પાડ્યો છે અને કૃત્રિમ સ્વાદ, આકર્ષક પૅકિંગ, આક્રમક માર્કેટિંગ અને સરળતાથી ઉપલબ્ધિ જેવાં કારણોએ જંક ફૂડની લોકપ્રિયતાને ગતિ મળી છે. બજાર અને આર્થિક બાબતોનાં વિવિધ વલણો તપાસતી, વિશ્લેષણ કરતી અને ડેટાનું એકત્રીકરણ કરતી Boomberg અને Euromoniter જેવી રિસર્ચ કંપનીઓએ આપેલા આંકડા મુજબ ભારતમાં જંક ફૂડનું બજાર 2024માં 2.57 લાખ કરોડે પહોંચ્યું હતું, જે આવનારાં પાંચ વર્ષમાં 3.98 લાખ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. વર્ષ 2015માં ભારતીય પરિવારોમાં જંક ફૂડ પાછળ સરેરાશ 6 ટકા જેટલો રોજિંદો ખર્ચ થતો હતો, જે 2019માં 12 ટકાએ પહોંચ્યો. ભારત સરકારના ‘આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (Ministry of Statistics and Programme Implementation)’ દ્વારા રજૂ કરવામાં આવેલા ‘ભારતીય ઘરગથ્થુ વપરાશખર્ચ સર્વેક્ષણ, 2023-24’માં પણ ભારતીય પરિવારોમાં ઠંડાં પીણાં, ચૉકલેટ, ચિપ્સ અને પ્રોસેસ્ડ ફૂડનો વપરાશ વધ્યો હોવાનું નોંધવામાં આવ્યું.

યુવાવર્ગ અને બાળકોમાં જંક ફૂડની લોકપ્રિયતા ઘણી છે અને તેઓ જંક ફૂડના નિશ્ચિત ગ્રાહકો છે. ‘નૅશનલ જર્નલ ઑફ ફિઝિયૉલૉજી, ફાર્મસી ઍન્ડ ફાર્મોકોલૉજી’ નામના સામયિકમાં આપેલા આંકડા મુજબ સરેરાશ 38 ટકા ભારતીયો નિયમિતપણે જંક ફૂડનું સેવન કરે છે. જેમાં 78.9 ટકા લોકો માત્ર જંક ફૂડના કૃત્રિમ સ્વાદથી આકર્ષાઈને તેનું સેવન કરે છે. આવા આહારમાં સામાન્ય રીતે પિત્ઝા અને ઠંડાં પીણાંનું પ્રમાણ સૌથી વધુ છે.  આ આંકડાઓ દર્શાવે છે કે જંક ફૂડનું સેવન દિવસે ને દિવસે વધી રહ્યું છે.

સ્વાસ્થ્ય પર અસરઃ જંક ફૂડનું નિયમિત સેવન કરવાથી લાંબા ગાળે અનેક જીવલેણ અને ગંભીર બીમારીઓનું જોખમ રહે છે. જંક ફૂડમાં રહેલી વધુ કૅલરી અને ચરબીના કારણે ઝડપથી વજન વધે છે અને વ્યક્તિ મેદસ્વિતાનો શિકાર બને છે. જંક ફૂડમાં રહેલું ટ્રાન્સ ફૅટ અને મીઠું હૃદયરોગ, પક્ષઘાત અને રક્તચાપનું કારણ બની શકે છે. જંક ફૂડમાં ખાંડ – કૃત્રિમ ગળપણ અને પ્રોસેસ્ડ કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ ઊંચી માત્રામાં હોય છે. જે ઇન્સ્યુલિન પ્રતિકાર(insulin resistance)ની સમસ્યાનું કારણ બને છે અને તેમાંથી મધુપ્રેમહ – 2 જેવી ગંભીર બીમારી થવાનું જોખમ રહે છે. વધુ પડતો ચરબીયુક્ત આહાર નિયમિતપણે લેવાથી યકૃતમાં ચરબી જમા થાય છે અને યકૃતીય મેદવિકારની સમસ્યા સર્જાય છે. આ ઉપરાંત જંક ફૂડમાં રેસાની ઊણપ હોવાના કારણે તેના વધુ પડતા સેવનથી આંતરડાં અને પાચન સંબંધિત બીમારીઓ થાય છે.

જંક ફૂડ આ ગંભીર બીમારીઓ ઉપરાંત કુપોષણ, રોગપ્રતિકારક તંત્રની નબળાઈ, અંતઃસ્રાવોનું અસંતુલન, તનાવ, અનિદ્રા, એકાગ્રતાની ઊણપ, થાક, ચીડિયાપણું,  દાંતનો સડો, વાળ અને ત્વચાની શુષ્કતા જેવી સમસ્યાઓનું પણ કારણ બને છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ભારતના સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા જુલાઈ, 2023માં જાહેર કરવામાં આવેલા આંકડા દર્શાવે છે કે ભારતમાં કુલ વસ્તીના 11.4 ટકા લોકો ડાયાબિટીસ, 28.6 ટકા લોકો મેદસ્વિતા અને 35.5 ટકા લોકો રક્તચાપની બીમારીનો સામનો કરી રહ્યા છે અને આ તમામ બીમારીઓ જંક ફૂડ સાથે સીધી સંકળાયેલી છે.

જંક ફૂડની સ્વાસ્થ્ય પર પડતી નકારાત્મક અસરોને ધ્યાનમાં રાખીને વિશ્વના અનેક દેશોએ તેના ઉપયોગ પર આંશિક નિયંત્રણના પ્રયાસો કર્યા છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રના માનવઅધિકારો અંગેના વિશેષજ્ઞ (Special Rapporter) આનંદ ગ્રોવરે સ્વાસ્થ્યના અધિકારને ધ્યાને લઈને એક અહેવાલ ‘Unhealthy foods, non-communicable diseases and the right to health’ રજૂ કર્યો હતો. જેમાં વિવિધ દેશોની સરકારોને જંક ફૂડના વધુ પડતા ઉપયોગ સામે ચોક્કસ પગલાં લેવાનું તથા જંક ફૂડના માર્કેટિંગ અને જાહેરખબરોને નિયંત્રિત કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૌષ્ટિક આહારની યોગ્ય માર્ગદર્શિકા રજૂ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી.

1970ના દાયકામાં જંક ફૂડનો સૌથી વધુ વપરાશ અમેરિકામાં થતો હતો. જંક ફૂડના વપરાશનો અભ્યાસ કરવા અને તેની આડઅસરો તપાસવા માટે અમેરિકાના સેનેટર જ્યોર્જ મૅકગવર્નના વડપણ હેઠળ એક સમિતિ રચવા(1968-1977)માં આવી હતી. આ સમિતિએ લોકો માટે આહારના લક્ષ્યાંકો રજૂ કર્યા હતા. બાદમાં અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 1980થી દર પાંચ વર્ષે આહાર માર્ગદર્શિકા રજૂ કરવામાં આવે છે. ડેન્માર્ક અને હંગેરી જેવા દેશોએ વધુ માત્રામાં સ્ટેચ્યુરેટેડ ફેટ ધરાવતા ખાદ્ય પદાર્થો પર વધુ ટૅક્સ નાંખ્યો છે. યુ. કે. અને સ્પેનમાં અમુક પ્રકારના જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે મેક્સિકોએ ઑગસ્ટ, 2020થી સગીરોને જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

ભારતમાં પણ જંક ફૂડના વધુ પડતા સેવનથી થઈ રહેલી સ્વાસ્થ્ય સંબંધિત બીમારીઓને લક્ષમાં રાખીને એપ્રિલ, 2025માં ભારતની સર્વોચ્ચ અદાલતમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેના અંતર્ગત સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા(FSSAI)ના વિભાગને આ પ્રકારના આહાર – ખાસ કરીને પૅકિંગમાં મળતા ઇન્સ્ટન્ટ ખાદ્ય પદાર્થો, સ્વાસ્થ્ય પર પડતી નકારાત્મક અસરો વિશે સ્પષ્ટ સૂચના લખવાની માર્ગદર્શિકા આપી છે.

હેમલ જાદવ