છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય : ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ તરફથી 1950ની સાલમાં ભરૂચ જિલ્લાના રાજપીપળા મુકામે સ્થપાયેલી ગુજરાતની સૌપ્રથમ શારીરિક શિક્ષણ તાલીમી સંસ્થા. તેના સ્થાપક પ્રખર વ્યાયામ પ્રવર્તક શ્રી છોટુભાઈ પુરાણી હતા. તેમનું અવસાન થતાં તેમની પુણ્ય સ્મૃતિ રૂપે આ સંસ્થા સાથે તેમનું નામ જોડાયેલું છે. રાજપીપળા જેવા નિસર્ગસુંદર સ્થળે આવેલા આ વિશાળ રમતગમત સંકુલમાં 73.10 હેક્ટર જેટલા જમીન વિસ્તારમાં પથરાયેલાં વિવિધ રમતો માટેનાં સુસજ્જ ક્રીડાંગણો – 400 મી.નો સિન્ડર ટ્રેક, આકર્ષક બાલવાટિકા, વિવિધ શિક્ષણસંસ્થાઓ માટેનાં વિશાળ મકાનો, સુવિધાયુક્ત છાત્રાલયો, અજોડ વ્યાયામભવન, અદ્યતન મનોરંજન ખંડ, ઓપન ઍર થિયેટર, સુસજ્જ તરણકુંડ, સમૃદ્ધ પુસ્તકાલય વગેરે વિવિધ સગવડો વિકસેલી છે. અહીં 1905થી રાજ્ય સરકારમાન્ય શારીરિક શિક્ષણનો પ્રમાણપત્ર (સી. પી. એડ્.) અભ્યાસક્રમ, 1959થી સરકારમાન્ય શારીરિક શિક્ષણનો ડિપ્લોમા (ડી. પી. એડ્.) અભ્યાસક્રમ તથા 1985થી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાન્ય શારીરિક શિક્ષણનો ડિગ્રી (બી. પી. ઈ.) અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. 1993થી શારીરિક શિક્ષણમાં અનુસ્નાતક (એમ. પી. ઈ.) અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવ્યો છે અને એ રીતે રાજ્યની શિક્ષણસંસ્થાઓને હજારોની સંખ્યામાં નિષ્ણાત, નિષ્ઠાવાન અને તાલીમબદ્ધ વ્યાયામશિક્ષકો પૂરા પાડનાર સૌથી પીઢ અને પ્રગતિશીલ તાલીમી સંસ્થા તરીકે તે પ્રસિદ્ધિ પામેલી છે. અત્રે ચાલતી શારીરિક શિક્ષણની ડિગ્રી કૉલેજ સમગ્ર ગુજરાત રાજ્યમાં એક જ છે.
ચિનુભાઈ શાહ