છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ

છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ : ઝારખંડ-પ-બંગાળને આવરી લેતો 220થી 250 30’ ઉત્તર અક્ષાંશ અને 830 27´થી 870 50’ પૂર્વ રેખાંશ વચ્ચેનો વિસ્તાર. તેનું ક્ષેત્રફળ 86,240 ચોકિમી. છે. આમાં ઝારખંડના રાંચી, હજારીબાગ, સિંગભૂમ, ધનબાદ, પાલામૌ, સંથાલ વિસ્તારો અને પશ્ચિમ બંગાળનો પુરુલિયા વિસ્તાર આવે છે. આ ઉચ્ચપ્રદેશની પૂર્વમાં ગંગા નદીનું મેદાન, પશ્ચિમ બાજુએ વિંધ્યાચળ-બુંદેલખંડ પહાડ, ઉત્તરમાં ગંગાનું મધ્ય મેદાન અને દક્ષિણમાં ઓરિસાનો ઉચ્ચપ્રદેશ આવેલાં છે. અગ્નિકૃત ખડકો વડે નિર્મિત આ ઉચ્ચપ્રદેશના વિસ્તારમાં દામોદર, સુવર્ણરેખા, કોયેલ વગેરે નદીઓના ઘસારાથી ઊંડી ખીણો બની છે. છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશની સરેરાશ ઊંચાઈ 150 મીટર છે. આમાં રાંચીનો પૂર્વમાં આવેલો પહાડ 600 મીટરની ઊંચાઈવાળો છે. 1366 મી.ની ઊંચાઈ ધરાવતો પારસનાથનો પહાડ સૌથી ઊંચો છે.

જાન્યુઆરી મહિનાનું સરેરાશ તાપમાન 160 સે. અને મેનું 300 સે. નોંધાય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1000થી 1500 મિમી. પડે છે. રાંચીમાં 1590 મિમી. અને હજારીબાગમાં 1390 મિમી. વરસાદ પડે છે. પાનખરનાં જંગલોમાં સાગ, સાલ, વાંસ, મહુડા, ખેર, લાખ વગેરે વૃક્ષો જોવા મળે છે. છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ ખનિજસંપત્તિમાં સમૃદ્ધ છે. અહીં કોલસા અને લોખંડનાં જાણીતાં ક્ષેત્રો છે. કોલસો ઝરિયાની ખાણમાંથી, લોખંડ સિંગભૂમની ખાણમાંથી અને અબરખ હજારીબાગ જિલ્લામાંથી પ્રાપ્ત થાય છે. ભારતનું 50 % અબરખ હજારીબાગ જિલ્લામાંથી મળે છે. 80 % વસ્તી ખેતીવ્યવસાયમાં રોકાયેલી છે. મકાઈ, જુવાર-બાજરી, ઘઉં, કઠોળ અને તેલીબિયાંનું ઉત્પાદન થાય છે. જંગલવાસીઓનો મુખ્ય વ્યવસાય લાખ ભેગી કરવાનો છે. ભારતની 60 % લાખ અહીં ઉત્પન્ન થાય છે. ચાના બગીચા પણ છે. શેતૂરનાં વૃક્ષો પર રેશમના કીડા ઉછેરાય છે. વસ્તીની ગીચતા ઓછી છે. છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશના વિસ્તારમાં મુન્ડા, સંથાલ, જુઆંશ વગેરે આદિવાસી જાતિઓ રહે છે. આ ઉપરાંત ગોંડ અને ઓરાંવ જાતિઓ પણ વસે છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ