છોટાઉદેપુર : ગુજરાતમાં વડોદરા જિલ્લાના છેક પૂર્વ તરફના ભાગમાં આવેલું શહેર અને તાલુકામથક. છોટાઉદેપુરનો વિસ્તાર 600થી 700 મીટરની ઊંચાઈવાળો ગુજરાત રાજ્યનો પૂર્વનો વિસ્તાર અને મધ્યપ્રદેશ રાજ્યનો પશ્ચિમ તરફનો ભાગ છે. 220 20’ ઉ. અ. અને 730 50’ પૂ. રે. પર તે આવેલું છે. સરેરાશ વાર્ષિક વરસાદ 1250 મિમી. પડે છે. બોડેલીથી 37 કિમી. પૂર્વ તરફ પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ તરફ જતા રાજ્ય ધોરી માર્ગ પરનું એક મહત્વનું કેન્દ્ર છે. તેની વસ્તી 24,517 (2010) છે. ગુજરાતના મુખ્ય માનવવસ્તી વિસ્તારથી જુદું પડતું દેખાય છે. અરવલ્લી અને વિંધ્યાચળ પર્વતોનો ક્રમશ: દક્ષિણ અને પશ્ચિમ તરફનો ભાગ એટલે છોટાઉદેપુર. ગુજરાતમાં ફ્લોરસ્પારના ઉત્પાદનમાં છોટાઉદેપુર નજીક આવેલા આંબાડુંગરનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. ગ્રૅફાઇટ પણ મળે છે. ખેતી માટેની જમીન ઓછી છે છતાં કપાસ અને મકાઈ જેવા પાકનું વાવેતર નાનાં સરખાં ખેતરોમાં થાય છે. ભેજવાળાં પાનખર જંગલોનો આ વિસ્તાર છે જ્યાં સાગ, સીસમ, સાદડ, હળદરવો, કલમ, ટીમરુ, આંબો, મહુડો વગેરે વૃક્ષો જોવા મળે છે. અહીં મુખ્યત્વે આદિવાસી વસ્તી વસે છે.

ગોવિંદભાઈ વિસરામભાઈ પટેલ